Ancient temple of Harsidhhi also known as Harshad atop Koyala hill near Miyani, Gujarat
ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા.
જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં સ્થાપિત થયેલી દેવી દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં.આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ટેકરી નીચે પ્રસ્થાપિત કર્યું.
બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીના વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન જામનગર જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ જ દર્શન થાય છે.
તો ત્રીજ એક માન્યાત એવી છે કે શ્રીકૃષ્ણના હાથે પોતાના જમાઈ કંસનો વધ થયો હોવાથી જરાસંઘ કોપાયમાન થયો હતો અને પૃથ્વીને યાદવો વિનાની કરવા માટે તે તૈયાર થયો હતો. ત્યારે યાદવોએ અસુરોના ત્રાસમાંથી બચાવવા માટે અને અસુરોનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીશક્તિની સ્તુતી કરી હતી જેથી શક્તિદેવી પ્રસન્ન થયા અને અસરોનો નાશ કર્યો હતો. ત્યારબાદ કૃષ્ણ ભગવાને માતાજીની યાદ માટે કોયલા ડુંગરની ટોચે માતાજીનું ભવ્ય મંદિર બંધાવી જગદંબાની પ્રતિમાની વિધિપૂર્વકપ્રતિષ્ઠા કરી અને અસુરોના રાજા જરાસંઘનો નાશ થવાથી દરેકને હર્ષ થયો જેથી હર્ષ આપનારી દેવી તરીકે તે જગદંબાનું નામ “ શ્રી હર્ષ માતા ” રાખ્યું.
તો બીજી સરાડિયાના મૂંગા બ્રહ્મ ભટ્ટે પોતાની જીભ હર્ષમાને ચરણમાં ધરી હતી ને સાચા મનથી પ્રાર્થના કરી હતી તેથી માતાજીએ પ્રસન્ન થઈ તેને વાચા આપી હતી. અને સ્વયં કાવ્યો છંદ રચવાની અસીમ શક્તિ તે આપી હતી.
બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે.હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે.તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે. જે ટોકે પહોંચા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે.મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી,આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
હરસિદ્ધ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે.બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે.દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે.તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.
હરસિદ્ધ માતા ત્રિવેદી કુટુંબના કુળદેવી મનાય છે. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. મંદિર આવો ત્યારે ત્યાં રહેવા માટે ધર્મશાળાઓ અને રૂમોની સગવડ મળી રહે છે. વળી ત્યાં માતાજીના થાળમાંથી દક્ષિણા મૂક્તા તમને પ્રસાદી પણ મળી રહે છે.