ઈતિહાસ

રબારી જાતિનો ઇતિહાસ

Rabari Man

રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે.

રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, અને ગોપાલક ના નામે પણ ઓળખવામાં આવે છે.

આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે.

રબારી આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં  એમ તો પાકિસ્તાનમાં પણ આશરે ૮,૦૦૦ રબારી હોવાના સમાચાર મળે છે. રબારી જાતિનો ઇતિહાસ બહુજ જુનો છે પણ શરુઆતથીજ પશુપાલન નો મુખ્ય વ્યવસાય અને ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. માનવ વસ્તીથી હંમેશા દૂર રહેતા હોવાથી રબારી સમાજ સમય સાથે પરિવર્તન  પામી શક્યો નથી. અત્યારે પણ આ સમાજમાં રિતરીવાજ, પોશાક, ખોરાક જેમનો તેમ જ રહ્યો છે. ૨૧ મી સદીમાં શિક્ષિત સમાજના  સંમ્પર્કમાં આવવાથી શિક્ષણ પ્રાપ્ત કરવાથી સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી વગેરે જરૂર અપનાવ્યા છે.


દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.

પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ ‘રઈ’ નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ ‘રાયકા’ ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.

ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે “વિશા તેર” (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ.

પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી ‘રાયકા’ ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી ‘ગોપાલક’ ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી ‘દેસાઇ’ ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી.

પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ ‘ગોય’ જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે “હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી.”

શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે “જાઓ,  આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ  રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં.” આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ “સૌરાષ્ટ્રની રસધાર” તેગે અને દેગે.)

ઐતિહાસીક પૂરાવાઓ
રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવા છતાં છેક મહાભારતયુગથી મધ્ય(રાજપુત) યુગસુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે.

પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો.

ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડ સાંઢણી સવાર રબારી જ હતો.

જૂનાગઢના વયોવૃધ્ધ ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છેકે વેરાવળનો એક બળવાન રબારી હમીર મુસ્લિમોના અતિશય ત્રાસની સામે ‘ ખુશરો ખાં ‘ નામ ધારણ કરી સૂબો બન્યો હતો જે પાછળથી દિલ્હીની ગાદી પર બેસી સુલતાન બન્યો હતો.

પાટણના ચાવડા વંશની ગાદી દુશ્મનો પાસેથી પાછી મેળવી. વનરાજ ચાવડાને સિંહાસન પર બેસાડનાર અનોભાઈ ઉલ્વો રબારી જ હતો.

બરડાની રાજગાદી ગુમવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા.

એક માન્યતા પ્રમાણે જૂનાગઢમાં રા’નવઘણની બારી સામે વસ્યા એટલે ‘રા’બારી કહેવાયા અને તેનો અપભ્રંશ ‘રબારી’ થયો.

વિદ્વાનોનો મત
જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ રાજપૂત હતા. પણ એમાંનો એક પુરૂષ રાજપૂત કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે રાજપૂત કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા.

‘ધી હિસ્ટ્રી ઓફ કાઠીયાવાડ’ માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડા નુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે.

ઇતિહાસવિંદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે ‘આ જાતિઓ એ ગોકુળ-મથુરામાંથી મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.’

રત્ન મણિરામ જોટે તેમના ‘ખંભાતનો ઈતિહાસ’ માં લખે છેકે કાઠિયાવાડમાં વસતા આહીર,રબારી અને કાઠી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે.

સને ૧૯૦૧માં લખાયેલા ‘બોમ્બે ગેઝેટિયર’ માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ “પર્શિયન” વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક ‘આગ’ નામની શાખ છે. ને પર્શિયનો ‘આગ-અગ્નિ’ ના પૂજકો છે.

આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ.

દુલેરાય માટલીયા પોતાના પુસ્તક ‘ગોપાલ દર્શન’ મા જણાવે છે કે,”રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ ‘હૂણ’ પ્રકારના વંશના હોવાની શક્યતા છે.જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય. ”

પણ ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે.

માહિતી સૌજન્ય: gopalbandhu.com

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators