વટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી,
લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
ખડગ અને ખાંડા ખખડાવી, બાપે માર્યા વેર વળાવી,
માથાં સાટે માથાં લઈને, રાખું આંખો રાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
બરછી, ભાલો, તેગ ઉગામી, તીર અને તલવાર ચલાવી,
તોપનાં મોંએ માથું ઘાલી, થાતી પહોળી છાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
મકરાણી, આરબ, પઠાણી, મુલતાની, સિંધી, ખરસાણી,
તેજીલા તોખાર પલાણી, ખેલંતો હું બાજી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
સિંધુડાનો નાદ બજાવી, તરઘાયાનો તાલ સુણાવી,
ગઢવી, ચારણ, ભાટ વખાણી, કહે સોરઠની લાઠી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
મા-બોનુની લાજ બચાવી, સત ને ખાતર જાત ખપાવી,
“સિફર” થઈને રક્ષણ કરતી, ગૌરવવંતી નાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….
-સિફર