ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સદાવ્રતના સ્વામી : જલારામ બાપા

Jalaram bapa Virpur

વીરપુર
ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે.

જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારને દિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતાં અને જલાને પણ થોડુક જ ભણાવવા માટે એક ગામડાની સ્કુલમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમનું મન ભણવામાં જરાયે લાગતું ન હતું તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલુ રહેતું હતું. એવું કહેવાય છે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યાં હતાં અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામનામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યાર બાદ જલો ચાલતાં, બેસતાં, ઉઠતાં અને ફરતાં સીતારામના નામનો જ જપ કરતો હતો.

ત્યાર બાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુસંતોની સેવા કરતાં અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતાં. તેઓ સમાનભાવે દરેકની સેવા કરતાં તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા.

ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણ અવશ્ય કરે છે. આજે અહીંયા જે લોકો આવે છે તેઓ તેમનો પ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખુટતો નથી. અને ચોવીસ કલાક સુધી રસોડુ ચાલે છે.


વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે. તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે.

સદાવ્રતના સ્વામી: જલારામ બાપા

જલારામ બાપા સં.૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવારે તા.૪-૧૧-૧૭૯૯ના રોજ વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનું ચિત્ત ભણવાગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ધેર જમવા તેડી લાવે.

એમ કરતાં જલારામ ચૌદ વરસનો થયો. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધો. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેણે નમ્રતાથી પિતાને કહ્યું, ‘ તમે મને સંસારની ઘટમાળમાં શા સારુ જૉડો છો? મારે તો ભગવાનની ભકિત કરવી છે.’

ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ધેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડી કણ ખાય એનું યે પુણ્ય લાગે!’ ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.

જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવાર-નવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જૉયો કે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ધેર જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું-પાણી આપે, વસ્તુ જૉઈએ તો વસ્તુ આપે. આથી પિતાએ તેને ઘરથી જુદો કરી નાખ્યો. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યો. એકવાર દશ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડયા. જલારામે એમને તાકામાંથી ફાડીને દશ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલ્યો.

હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ચકીને ધેર લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, ‘મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, ‘મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોકતા હરિ એમ રહેવું.’ તેમણે સદાવ્રતની શરૂઆત કરી. (સં. ૧૮૭૬ મહાસુદ બીજ).

દિવસે દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈ દરદ હતું. હરજીએ કહ્યું, ‘હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!’ બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજૉ થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,‘બાપા, તમે મને સાજૉ કર્યો!’

ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ‘બાપા’નું બિરુદ પામ્યા. એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ ‘નારાયણ! નારાયણ! નારાયણ!’ કરતા જગ્યામાં આવી ભા. વૃદ્ધ સાધુએ કહ્યું, ‘આ શરીર ખૂબ જીર્ણ થયું છે, કોઈ ચાકરી કરે એવું જૉઈએ છે.’ જલારામ બાપા કહે, ‘ તો હું આપની સેવા કરું!’ વૃદ્ધ સાધુએ કહ્યું, ‘હ્a! તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જૉડે મોકલ! અને સાંભળ, એની રાજીખુશીથી એ આવવી જૉઈએ, દબાણથી નહીં!’ વીરબાઈએ તરત કહ્યું, ‘હું હમણાં જ તૈયાર થઈને આવું છું.’

ગામમાં ખબર ફેલાતાં આખું ગામ ભેગું થઈ ગયું. કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુનાં દાન ન હોય! વીરબાઈમાને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. શી ખબર ઠાકોરજી સાથે એમણે શી વાત કરી! પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા. આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો. બે-ત્રણ માઈલ પર નદી આવી. ત્યાં સાધુ કહે ‘માઇ, મારાં આ ધોકો-ઝોળી સાચવ! હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહી સાધુ ઝાડવાં પાછળ અ¼શ્ય થયો. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જૉયું. દોડતા જઈ એમણે ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગતબાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા! તે દિવસથી એ ઝોળી-ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર-સાંજે એનું પૂજન થાય છે.

સં.૧૯૩૫ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભકતો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત ૧૯૩૭ મહા વદ દશમે બુધવારે (તા. ૨૩-૨-૧૮૮૧) બાપાએ ભજન કરતાં કરતાં, એકયાશીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડયો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ કયાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators