શૌર્ય કથાઓ

જામગરીના જોરે

Old Gun
કરશન ડાંગરની શૌર્ય કથા

કરશન ડાંગરની શૌર્ય કથા

”અરે મેપા લોખીલ, આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી, આયરોના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સુઝી ?”
”રામભાઇ છૈયા આ લોઢવાનો ડાયરો કાણ(મરણ)ના કામે ગામતરે ગયા ‘તા ને વાંહેથી મુળુ-માણેકે ગામને નધણીયાતું સમજી જાહા ચીઠ્ઠી મોકલી ‘તી !”

“ભલુ થજો વેજીનું કે એણે આયરોનું નાક રાખ્યું, નકર મલક આખામાં આપડે મોઢું દેખાડવા જેવું નો ર’ત !”
”ભગવાન બોરીચા, આયરોની આબરૂ તો ધોળી ધજાળાના હાથમાં છે, જયાં સુધી નીતીને ન્યાયથી વરતશું ત્યાં સુધી આપણી આબરૂના રખોપા કાળીયા ઠાકરના હાથમાં છે ભાઇ !”

”ઈ વાતની ના નંઇ વરજાંગ ચાવડા, દ્વારકાધીશનું વરદાન છે ને કે ‘નીતી રાખશો તો આયરોની દેગે ને તેગે મારો વાસ રહેશે’ !”
”ઇ વાતની તો ના નો પડાય નાગદાન ખટારીયા, પણ આયરો માટે એક બીજા માઠા સમાચાર જાણ્યા ?”


”ના વરજાંગભાઇ શું છે જરા માંડીને વાત તો કરો ?” કલાણાના મેપા લોખીલના ચાર ઓરડાની ઓંસરીમાં કાવા કસુંબા, કઢીયલ દુધ અને હોકાની નેએ ધુંવાડાના ગોટા ઉડાડતો ડાયરો વરજાંગ ચાવડાની વાત સાંભળવા એકાગ્ર થઇ જતા ધંધુસરના આહીરોએ જુનાગઢના નવાબ મહોબતખાન સામે આહીરાણીઓના રાસ રમવાની ના પાડતા નારાજ થયેલા નવાબે કરશન ડાંગરની આગેવાની હેઠળ ધંધુસરના આહીરોને જુનાગઢ રાજમાંથી જાકારો આપ્યાની માંડીને વાત કરી હતી.

“ભાઇ આયરાણીયું કાંઇ નટડીયું થોડી છે, તે કોઇની સામે નાચે ? નવાબની મતી મારી ગઇ લાગે છે?”
”હા ભાઇ નકર આવી બુદ્ધી નવાબને નો હુજે !”

”ઇ તો ઠીક પણ કરશન ડાંગર તો આયરોના આગેવાન કહેવાય એણે ઉછાળ ભરી કેની પા પરયાણ કર્યા છે ઇ કાંઇ જાણવા મળ્યું, વરજાંગભાઇ ?”
”ભાઇ સાચુ ખોટુ તો રામ જાણે પણ કદાચ ગોંડલ રાજના આશરે આવે એવી વાત સાંભળી છે.”

”હા, ભાઇ ઇ વાત સાચી લાગે છે, આ કલાણાના આડે મારગે આવતા બાઇયુ-બેનું સાથે ઘરવખરી ભરેલા ગાડાઓ દૂરથી આવતા જોયેલા કદાચ કરશન ડાંગર હોય !” ડાયરામાં બેઠક લેતા મેરામ મેત્રાએ ટાપશી પુરી હતી.
“તો તો ભારે થઇ કલાણાના પાદરમાંથી કરશન ડાંગર જેવો આયર બારોબાર વયો જાય ઇ કેમ બને ?”

વાત અધુરી છોડી કલાણાનો ડાયરો ઉભો થતો કરશન ડાંગરને આવકારવા પાદરમાં મારગ આડા આવીને ઉભો રહી ગયો હતો. કરશન ડાંગર અને ધંધુસરના આહીર પરિવારો પાદરમાં પુગતા ગામ આખાએ ભાવથી તેમને રોક્યા હતા. કરશન ડાંગરની મહેમાનગતી માટે કલાણામાં હરખની હેલી આવી હતી. અઠવાડીયાથી મહેમાનગતીની મોજ માણતા કલાણાની અદેખાઇ આવી હોય કે લોઢવાની વિરાંગના વેજીબાઇનો ડંખ લાગ્યો હોય આહીરોને સબક શીખવવા મુળુ-માણેકે કલાણાના પાદરે જાસાચીઠ્ઠી બાંધી હતી.
ગામના આગેવાનોએ મે’માન કરશન ડાંગરથી જાસાચીઠ્ઠીની વાત છુપાવી ધીંગાણાની તૈયારી આદરી હતી, પરંતુ કરશન ડાંગરને જાસાચીઠ્ઠીની જાણ થતા તેણે નારાજ થઇ ડાયરામાં વાત મુકી હતી. “બાપ, અમારી ભેગો આવો વેરો આંતરો આયરને શોભે નંય ? અમે તો તમને અમારા જાણી કલાણામાં રોકાણા ‘તા, પણ તમે અમારી ભેગો ભેદ રાખીયો !” દુ:ખી ચહેરે કરશન ડાંગરે મેપા લોખીલને રાવ કરી હતી. મેપા લોખીલે વાતનું માપ કાઢતા ધરપતથી જવાબ આપ્યો હતો કે, “કરશનભાઇ તમે મે’માન કે’વાવ અને આયરો માટે મે’માન ભગવાનથી વિશેષ મનાઇ ઇ તમે ક્યાં નથી જાણતા ભાઇ ?” ”ભાઇ ગામ માથે વિપત્તિના વાદળ મંડાયેલ હોય અને હું આયરનો દિકરો મે’માન થઇ બેઠો રવ ઇ કેટલું વ્યાજબી કેવાય ?”

“તમારી વાત તો સાચી છે, ભાઇ પણ મારૂ મન નથી માનતું ! અમારા જુવાનડાઓ પણ મુળુ માણેકને ભરી પીવે એમ છે, એટલે તમે ચિંતા ન કરો કરશનભાઇ !”
“મેપાભાઇ, ઇ ન બને ! સુખ અને દુ:ખના આપણે સહભાગી કે’વાઇએ એટલે આપડે ખંભેખંભા મીલાવી બારવટીયાઓને ભરી પીવાના હોય !”
જાસાચીઠ્ઠીના જવાબમાં કલાણાના પોલીસ પટેલે ગોંડલના ઘણીને અવગત કરવા ખેપીયાને મારતે ઘોડે મોકલ્યો હતો. તો બીજી બાજુ બહારવટીયાઓ સામે બાથ ભીડવા કલાણા ફરતે જુવાનીયાઓના મોરચા મંડાણા હતા. જેના હાથમાં જે હથીયાર આવ્યું એ લઇને વાધેરોના પાળને આજ હતું ન હતું કરવા જુવાનીયાઓ થનગની રહ્યા હતા. કરશન ડાંગર સૌથી આગળ પોતાની જામગરી બંદૂક સાથે મોરચો સંભાળીને બેઠા હતા. ગોધૂલીનો સમય થતા બહારવટીયાઓએ ગાયોની આડશ લઇ ગામમાં દાખલ થવાની કોશીશ કરતા વાડની આડશે છુપાયેલા કલાણાના જુવાનડાઓ ગાયુના ઘણમાં કુદી પડતા વાધેરોના પાળને હાથોહાથની લડાઇમાં ખદેડી મુકયા હતા.

કલાણાના આયરોની ખુમારી જોઇ અકળાયેલા મુળુ માણેકે પોતાના ભાણેજ સાદુળ વાઘેરની આગેવાની હેઠળ જામગરીઓના જોરે કલાણા ભાંગવા પાળને પાછું મોકલ્યું હતું. બંદૂકોના ભડાકા કરતું પાળ કલાણાના ઝાંપા આગળ આવીને ઉભું રહી ગયું હતું. વાધેરોને વંડીઓ અને કાંટાવાળી વાડોની આડશમાં છુપાયેલા આહીરોનો કોઇ ભરોસો ન હતો. ગામને નાકે પોતાની જામગરી લઇને અડીખમ ઉભેલા કરશન ડાંગરે આઠ દસ જામગરીઓ સાથે પોતાની પલટન તૈયાર રાખી હતી. તો કેટલાક ગોફણ અને ગીલોલ લઇને પાળ પર ત્રાટકવા કરશન ડાંગરના ઇશારાની રાહ જોઇને ઉભા હતા.

સાદુળ વાધેરે પાળને ગામના ઝાંપે ઉભુ રહેતુ જોઇ પોતાની જામગરીનો કલાણાના તોરણ પર નીશાન તાકી ધડાકો કરતા નાળિયેરના છોતરાઓ ચારેય દિશાઓમાં ઉડી ગયા હતા. એ જોઇને પાળમાં જોમ આવતું જોઇ સાદુળ વાઘેરે પોતાના ઘોડાને કલાણાના ઝાંપામાં દાખલ કરતા કરશન ડાંગરે ત્રાડ પાડી સાદુળ વાઘેરને પડકાર્યો હતો, “ખબરદાર, સાદુળ વાઘેર પાછો ફરી જા, નહીંતર આ કાળમુખી તારી સગી નહીં થાય !”

પરંતુ પોતાના ગુમાનમાં સાદુળ વાઘેર આગળ વધતા કરશન ડાંગરે જામગરીના નિશાન પર સાદુળ વાઘેરને લઇ ધડાકો કરતા તેને ઘોડા સહીત ભોંય ભેગો કરી દીધો હતો. સાદુળ વાઘેર મરાતા પાળમાં હાહાકાર થઇ ગયો હતો. તો કરશન ડાંગરની જામગરી સાથે કલાણામાંથી જામગરીઓના ધડાકાઓ સાથે ગીલોલ અને ગોફણથી પાળ પર પથ્થરવાળી થતા પોતાની તાકાત પર મગરૂબ મુળુ-માણેકને પોતાનો જીવ બચાવી ભાગવું ભારે થઇ પડ્યું હતું.

તો બીજીબાજુ પોતાની રૈયતની રખેવાળી કરવા ગોંડલનો ધણી રાજા સંગ્રામસિંહ પોતાની પલટન સાથે કલાણા આવી પહોંચતા કરશન ડાંગરની વીરતા સામે મુળુ-માણેકની નાલેશીની વાત સાંભળી ખુબ રાજી થયા હતા. બહાદુરીની કદર કરતા ભરદરબારમાં કરશન ડાંગરને પોતાની બથમાં લઇ કલાણામાં મોટી જમીનજાગીર આપી પોતાના રાજમાં પુરતા માન સન્માન સાથે વસાવ્યા હતો

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators