સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય;
જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર.
સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ..
સોરઠ ધરા ન સંચર્યો,ન ચઢ્યો ગઢ ગિરનાર,
ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર.
વન આંબાસર કોયલું , ડગ ડગ પાણીડાં ઘટ ,
નકળંક કેસર નીપજે , અમારો સરવો દેશ સોરઠ .
અમારી ધરતી સોરઠ દેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નરને નાર.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
સંચરી સોરઠ દેશ,જે નહી જુનાગઢ ગયો,
લીધો ન તેણે લેશ,સાર્થક ભવ સંસાર માં.
ધન્ય ધારા સોરઠ આપણી…