કલાકારો અને હસ્તીઓ

કાનજી ભુટા બારોટ

Kanji Bhuta Barot
સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટ

શ્રી કાનજી ભુટા બારોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર હતા, તેમનો જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ અને તેમનું મૂળ વતન બગસરા પાસેનું ટીંબલા ગામ હતું, (જન્મ બગસરા ની બાજુમાં માવજીજવા ગામ). શ્રી કાનજી ભુટા બારોટ કાઠી અને મેર જાતિ ના વહીવંચા બારોટ હતા.

કાનજી ભાઈ નું પેઢીનામું જોઈએ તો મેઘાણીભાઈને સંતદર્શન કરાવનાર સૂરા બારોટના ગેલા બારોટ, તેના ભૂટા બારોટ અને તેના દીકરા એટલે સમર્થ વાર્તાકાર કાનજી બારોટ.

બાળપણમાં તેમને ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા બાદ માત્ર સાત વરસની વયે જ તેમના પરથી પિતાની છત્રછાયા છિનવાઈ ગઈ હતી, જેથી સઘળી જવાબદારીઓ તેમના શીરે આવી ગઈ. પરંતુ કહેવાય છે ને કે “દુઃખમાં જ માણસના જીવનનું સાચું ઘડતરથાય છે.’ આ વિધાન કાનજી ભુટા બારોટ માટે સાર્થક નીવડ્યું અને કાનજીભાઈને લોકવાર્તા કથનમાં શિખરે પહોંચાડી દીધા.

કાનજી ભૂટા પોતાના ગામની શાળામાં પાંચ ધોરણ સુધી માંડ ભણી શક્યા, ચાર દીવાલો વચ્ચેનું ભણતર જ જીવનમાં ઉપયોગી થાય છે તેવું નથી પણ ભણતર ની સાથે સાથે ગણતર પણ એટલું જ ઉપયોગી થાય છે. તુલસીદાસ, સૂરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા આ બધા પણ ક્યાં શાળા કે કોલેજમાં ભણવા ગયાં હતાં. કાનજીભાઈને સાધુસંતો પ્રત્યે નાનપણ થી જ ખુબ ભાવ હતો, તેઓ ભજન સાંભળતા અને ગાતા પણ ખરા. કાનજી ભૂટા જાતે મંજીરા કે પખાજ વગાડતા. એવામાં ખીચા ગામવાળા લખી રામબાપુનો સત્સંગ થયો. તુલશીશ્યામમાં શરૂઆતના વારસો માં ભાદરવી અમાસનો મેળો કરવા કાનજી ભૂટા અવશ્ય પહોંચી જતા. અને જૂનાગઢના શિવરાત્રીના મેળામાં પણ અચૂક હાજર હોય જ. થોડો વખત સૌને એમ લાગ્યું કે, કાનજી નક્કી બાવો થઈ જશે. કાનજી ભૂટા કુટુંબ અને પૈસા બાબતમાં સાવ બેફિકર રહેતા. થોડો વખત તો કોઈ પણ પાસેથી પૈસા હાથમાં લેતા નહિ એના બદલે એક ચોપડીમાં મૂકવાનું કહે. જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરે. તેમને વાંચવાનો ઘણો શોખ હતો. એટલે ખૂબ વાંચતા. વાંચનમાં કાનજી ભૂટા ખાસ કરી ને મેઘાણીના સાહિત્ય થી ખૂબ આકર્ષાયા.


કાનજી ભૂટા બારોટ ના સ્વરે ઘણી બધી લોકવાર્તાઓ અને હાસ્ય વાર્તાઓને જીવંત કરી છે જેવી કે, કન્યાદાન (લોકવાર્તા), જીથરો ભાભો, રા’ નવઘણ, હકો ભાભો, દુશમ્નો ની ખાનદાની, દ્વારકા ની જાત્રા અને બીજી ઘણી બધી…

વાર્તાકાર કે સાહિત્યકારના ટુચકા તો જીવનમાં ઘણું ઘણું કહી જાય તેવા પ્રકારના હોય છે. કાનજીભાઈ તેના માર્મિક પ્રહારોથી સામે બેઠેલા શ્રોતાઓનું દિલ જીતી લેતા. કાનજીભાઈ ને ગામ ચલાળાના નાથાભાઈ ચંદારાણા અને હરમડિયાના અતુલભાઈનો સાથ મળતાં એમનું વર્તુળ મોટું થયું. તેમાં ટીંબલાના જ શ્રી જેઠસુરભાઈ અને બાબુભાઈ ખેતાણીનો સાથ તો ખરો જ! જોત જોતામાં કાનજીભાઈની કીર્તિ છેક મુંબઈથી ઓખા સુધી ફેલાણી. ઘાટકોપરમાં બાપાલાલ ગાંધી અને હરિભાઈ દોશીનાં તેડા મુંબઈથી આવવા લાગ્યાં.

આ અરસામાં જ રાજકોટ શહેરમાં આકાશવાણીનું કેન્દ્ર ખૂલ્યું, તેમાં કાનજીભાઈ ગયા. પહેલાં તો કાનજી ભાઈ ને આકાશવાણી પર પ્રસારણ કરવામાં મેળ જામ્યો નહિ. કેમ કે, આકાશવાણીમાં પ્રસારણ કરવાનો સમય મર્યાદિત હોય ત્યારે વાર્તાકારને સમય નું બંધન પાલવે નહિ. પણ શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને ઉપેન્દ્ર ત્રિવેદીના કર્મચારીઓ પણ તેના ચાહક થઈ ગયા. શરૂઆતમાં તો કાનજીભાઈની વાર્તા રેડિયો પર આવવાની હોય ત્યારે લોકો રાહ જોઈ ને બેસી રહેતા. વાર્તાકથનને જીવંત રાખવા અને આકાશવાણી સુધી લઈ જવામાં કાનજીભાઈએ જ પહેલ કરી ને કેડી કંડારી છે. દસ-વીસ હજાર લોકોને ત્રણથી ચાર કલાક એક કલાકાર તેના વાણીપ્રવાહથી પકડી રાખે તેવા તો ગયા ગાંઠ્યા કલાકારો છે. આવી કળા કાનજીભાઈને સાધ્ય હતી.

Kanji Bhuta Barot Recieving Rashtrapati Award
રાષ્ટ્રપતિ એવોર્ડ

આમ વાર્તાકારનું જે પદ રેઢું હતું તેને કાનજીભાઈએ સર કરી લીધું. રાજકોટથી એક લોકસાહિત્યનું માસિક શરૂ થયું. તેમાં કાનજીભાઈએ વાર્તા લખવાનું શરૂ કર્યું. અને તેમાં સારી સફળતા મેળવી. વાર્તા કહેવી અને લખવી બંને અલગ અલગ છટા હોવા છતાં કાનજીભાઈ બંનેને સાધ્ય કરી શક્યા.

લોકવાર્તા કથનમાં તેમણે સફળતાનું શિખર સર કરી લીધું. તેથી અખિલ સંગીત નાટક અકાદમી મુંબઈ તરફથી તા. ૧૦-૧-૧૯૮૯ના રોજ લખનૌ મુકામે ભારતના રાષ્ટ્રપતિ માનનીય શ્રી વેંકટરામનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ તેમની સફળતાની સાબિતી છે.

તા. ૨૮-૯-૧૯૯૦ને રોજ ચલાલા મુકામે કાનજી ભૂટા બારોટનું અવસાન થયું. નામ અવિચળ રાખવા તેમના ચાહકો તરફથી “કાનજી ભુટા બારોટ કલાવૃંદ” સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને તેમની શ્રદ્ધાંજલિમાં લખાયું.

“કલાનો કસબી ગયો, જૂના ઢાળનો ઢાળ ગયો,
જનતા હૃદય જીતી ગયો, પરચંડ પડછંદો ગયો.

ચાહના સર્વે લોકની, આ મલકમાં પામી ગયો,
ક્રૂર વિધાતા કાનજીને, ઝડપથી ઝડપી ગયો.”

સંકલનઃ મયુર સિધ્ધપુરા – જામનગર

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators