કંકુ ઘોળજો જી કે કેસર રોળજો !
પીઠી ચોળજો જી કે માથાં ઓળજો !
ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે,
રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે;
મીંઢોળબંધા તજી માયા, સજી આયુધ નીસરે,
હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, દાવદુશ્મન થરથરે.
જોદ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા,
ડંકા વાગિયા જી કે હાકા લાગયા;
લાગિયા હોહોકાર રણલલકાર ઘરઘર બારણે,
કંકુ લગાવત પ્રિયા, બહેની લળે વીરને વારણે;
સહુ સાથ લડશે, પછી રડશે કોણ કોને કારણે !
રિપુઓને આંગણ સંગ-પોઢણ પામવા દિલ રણઝણે.
માંદ્યા કારમાં જી કે જુદ્ધ જગે નવાં,
ના ના મારવા જી કે શીષ સમર્પવા;
કારમાં રણ ખાંડા વિનાનાં ખેલવા હાકલ પડી,
હુલ્લસિત હૈયે ઘાવ તાતા ઝીલવા સેના ચડી;
છો હણે ઘાતી, રખે થાતી રોષ-રાતી આંખડી,
ગુર્જરી ! તારાં જુદ્ધ નવલાં ન્યાળવા આલમ ખડી.
ગુર્જરી ઘેલડી જી કે ઓ અલબેલડી !
સમરાંગણ ચડી જી કે તું ન હતી લડી !
ન હતા લડ્યા તારા બિચારા બાળ ગભરુ ઘેલડા,
હર વખત હોરી-ખેલ રસબસ રમન્તા તુજ ઘેલડા !
આવિયો ફાગણ આજ ભીષણ, ખેલજો રે ફૂલ-દડા!
મોતની ઝારી રક્ત-પિચકારી ભરી રિપૃદળ ખડાં.
રાજ વસંતના જી કે વાહ વધામણાં ?
ગાઓ ગાવણાં જી કે જુદ્ધજગાવણાં;
ગાઓ બજાવો, જુદ્ધ જગાવો, વાહ ઘોર વધામણાં?
ગુર્જરી, તારે મધુવને ગહેકે મયૂરો મરણના;
મધમધે જોબન, પ્રાણ થનગન, લાગી લગન સહાયના,
પ્રગતે હુતાશન, ભીતીનાશન, ખમા વીર ! ખમા ! ખમા !
[૧૯૩૦ના રાષ્ટ્ર-સંગ્રામને ઉદ્દેશીને]
ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો