લાગ્યો કસુંબીનો રંગ !
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજ
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજ
પિડિતની આંસુડાધારે – હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા હો!
લેજો કસુંબીનો રંગ! – રાજ
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ.
[૧૯૩૪]
ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો