ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ ગિરનાર સાથે જોડાયેલા છે. એક અનુમાન એવું છે કે છેલ્લા ૨૫ હજાર વર્ષ આપણા પૌરાણિક સાહિત્યના છે. આ સાહિત્યમાં જૂનામાં જૂની કથાઓ સૂર્યપરિવાર સાથે સંકળાયેલી છે. ગિરનારનું એક નામ ‘રૈવંતગિરી’ સૂર્યનો અર્થ પણ ધરાવે છે. વૈદિક ૠષિકથાઓમાંથી ભૃગુ અને ચ્યવન કથાઓ, મહાભારતની પાંડવકથા, કૃષ્ણકથા અને અશ્વત્થામાકથા, રામાયણની રામ-લક્ષ્મણ અને ‘હનુમાનધારા’ની કથાઓ તેમજ પુરાણોની શૈવકથા, શાક્તકથા, મૃગીકથા, મુચકંદકથા, રેવતીકથા અને ભૂતપ્રેત સંબંધી કાલી અને મહાકાલી કથાઓ, પાંડવગુફા અને કાલિકા, અનસૂયા સાથે સંબંધી કથાઓ – લગભગ પ્રત્યેક દેવીદેવતાઓની કોઇને કોઇ કથા ગિરનાર સાથે જોડાયેલી છે. યોગમાર્ગમાં જેની સર્વોચ્ચ દેવ તરીકે આગતાસ્વાગતા અને પૂજાઆરાધના રહે છે તે ભગવાન દત્તાત્રેય ગિરનારના કથાનિધિમાં કેન્દ્રસ્થાને છે. દત્ત જેમ યોગીના અને નાથના ગુરુ છે, તેમ ભૂતપ્રેત, ડેણ-ડાકણ-સાકણના નિવારણકર્તા અને મોક્ષદાતા છે. માનસિક ભ્રમણાઓ જે યોગસાધના દ્વારા વિગલન પામે છે તે ગુરુ દત્ત સાથે જોડાયેલી સર્વ તાંત્રિક સાધનાઓની રહસ્યમય કથાઓનો આધાર પણ દત્ત છે. ગુજરાતી ભાષાની એકમાત્ર ચૂડકથા (‘ચૂડાવિજોગણ’) આખરે ગિરનારના દત્ત શિખર પર આવીને વિરમે છે.
ગિરનાર કથાનિધિ છે, તેમાં અર્ધ પૌરાણિક અને અર્ધ ઐતિહાસિક કથાઓનો પણ પાર નથી. પરદુ:ખભંજક રાજા વિક્રમ અતે તેનો મોટો ભાઇ ભરથરી ગિરનાર સાથે પણ સંકળાયેલ છે. ઉજ્જેયિનીનું રાજપાટ છોડીને ભરથરી ગિરનારમાં તપ કરવા આવેલા તેની ભરથરી ગુફા તથા ભરથરી સ્થાન આજે પણ યાત્રાનો મહિમા ધરાવે છે. મહિમા તો એવો છે કે હજુ આજે પણ દર શિવરાત્રીએ મેળા દરમિયાન નાથ સાધુઓ સાથે ભરથરી અને ગોપીચંદ પણ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે ! ગિરનાર પગથિયે આવેલી ભરથરી ગુફામાં આજે તો આરસપહાણની ભરથરીની પ્રતિમાનું સ્થાન પણ થયેલું છે. ગોરખનાથે સ્થાપેલી આરાપંથની એક ગાદી પણ આ ગુફા પાસે છે. છેલ્લા બસો વર્ષોથી અહીં નાથસાધુઓની પરંપરા ગાદીપતિ છે. કાળવાચોકમાં આવેલ નાથદલિચો આ ગુફાનો વહીવટ સંભાળે છે.
મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથની કથાઓ ગિરનાર ઉપર ગોરખનાથની ટૂક સાથે, તેમજ ગિરનાર પરકમ્મા માર્ગમાં અનેક સ્થળે છે. વિક્રમનો સાથી વેતાળ ભટ્ટ મૂળ ગિરનારનો છે. પગથિયાં પાસેની ‘ચડાવાવ’ મૂળમાં ‘વેતાળવાવ’ છે. તે અવગતે ગયેલો શક્તિશાળી જીવ છે. વીર વિક્રમે તેને વશ કર્યો અને અશક્ત યાત્રાળુઓને પોતાના ખંભે સેસાડીને અંબાજીની યાત્રા કરાવવાનું કામ સોંપ્યું. આજની વાવ ઉત્તર ગુજરાતના પાટણના રાજમાતા મીનળદેવીએ બંધાવ્યાની માન્યતા છે. મીનળદેવી વેતાળ સ્થાનની ડોળીમાં બેઠા હતા. આ સમયે ડોળી માટેની કોઇ વ્યવસ્થા થઇ હશે અને યાત્રાળુઓ ડોળીમાં ચડતા હશે તે ઉપરથી ‘ચડાવાવ’ એવું એનું નામ પ્રચારમાં આવેલું જણાય છે.
વિક્રમ સાથે સંબંધિત એક વિરલકથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે. કહે છે કે વિક્રમના દરબારમાં નવ રત્નો હતા. આ નવરત્નોમાંના એકની ચમત્કારિક કથા સોનરેખ ઉપર આવેલાં ‘નારાયણધરો’ સાથે સંકળાયેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રીજી મહારાજે અહીં સ્નાન કરેલું એટલે હાલ, આ ‘ધરો’ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘પ્રસાદી’રૂપ મનાય છે. અને એનો વિશેષ મહિમા સાંપ્રદાયિક તીર્થ તરીકે છે; પરંતુ પૌરાણિક કથા બ્રહ્માજી સાથે અને ઐતિહાસિક કથા કર્પરનાથ સાથે સંકળાયેલી છે. બ્રહ્માજીએ જીવંત શ્રાદ્ધ (ઘટપર્યસન) અહીં કરેલું. કર્પર નામના નાથ સાધુએ ઘડાની ઠીકરીના પાણીથી કાંઠે બેઠા બેઠા ચમત્કારિક સ્નાન કરેલું. ’કર્પરનાથ’ એટલે ઠીકરીનાથ. નાથ સાધુઓ માને છે કે ઠીકરીનાથ વિક્રમના દરબારમાં એક રત્ન હતા. વાસ્તવમાં આ કથાઓ વિકૃત થયેલી એક ઐતિહાસિક ઘટનાનું બીજ ધરાવે છે. વિક્રમના નવરત્નોમાં કાલિદાસ અને વરાહમિહિર એટલા પ્રસિદ્ધ છે કે પછીના રત્નોના નામ સુદ્ધાં વિસારે પડેલાં છે. સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ મુજબ મહાકવિ કાલિદાસની સાથે ‘ઘટકર્પર’ નામના એક બીજા કવિ પણ હતા, જેણે ‘મેઘદુત’ની પહેલા એક ‘દૂતકાવ્ય’ લખેલું છે. આ કવિએ દૂતકાવ્ય લખ્યા પછી જાહેર કરેલું કે આ કાવ્યની તોલે આવે એવું કાવ્ય જો કોઇ કવિ રચી શકશે તો પોતે તે કવિ માટે ઘડાની ઠીકરીમાં પાણી ભરીને લાવી આપશે. કવિની આવી પ્રતિજ્ઞાથી જ તેનું નામ ‘ઘટકર્પર’ (ઘડાની ઠીકરી) એવું પ્રચલિત થઇ ગયેલું છે ! કથા સાહિત્યની આવી વિચિત્રતાઓનો ભંડાર ગિરનાર છે.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ ત્રણે દેવોની અનેકવિધ પરિવારકથાઓથી માંડીને ૠષિમુનિઓ અને વ્યંતરદેવ પરિવાર તથા ભૂતપ્રેત સંબંધી અશરીરિ ચમત્કાર કથાઓ સાથે શાર્યાતો, હૈહયો અને યાદવોની વંશકથાઓ, આચાર્યો – સંતભક્તો અને ભિન્ન ભિન્ન અનેક સંપ્રદાયોની કથાવાર્તા ગિરનારના ભંડારમાં ભરી પડી છે.
બ્રાહ્મણ પરંપરાની આ કથાઓ સાથે જ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના સમ્રાટ અશોકથી છેક દશમી સદીના અંત સુધીની આશરે દોઢેક હજાર વર્ષના કાળપટ ઉપર બૌદ્ધધર્મ અને તત્સબંધી કથાઓની બોલબાલા ગિરનારમાં રહી હશે – એવા અનુમાનોને પોષક સંખ્યાબંધ પુરાવશેષો આજે ગિરનારમાં પ્રાપ્ત છે. બૌદ્ધ ધર્મના સોણ, અસંગ અને બપ્પ ગિરનારમાં આવ્યાની કથા તો આજે પણ સાંભળવા – વાંચવા મળે છે.ઈંટવા અને લાખામેડીના બૌદ્ધસ્તૂપો સાથે જોડાયલી બૌદ્ધ કથાઓ આપણા ઈતિહાસ ગ્રંથોમાં છે. નહપાન, સાતવાહન જેવા નરેશો અને વિષ્ણુગુપ્ત જેવા સુબાઓની કથા પણ છે. બૌદ્ધકથાઓનો આ સમૃદ્ધ ભંડાર આપણા સુધી પંહોચે તેની પહેલા કાં લુપ્ત થયેલો છે, કાં ગુપ્ત હાલતમાં બૌદ્ધ હસ્તપ્રતોમાં પડેલો છે. નવમી સદીના શંકરાચાર્યજીએ બૌદ્ધધર્મ અને કથાઓ ઉપર ઢાંકપિછડો શરૂ કર્યો તે ગુજરાના સોલંકી રાજ્ય દરમિયાન લગભગ સંપૂર્ણ બન્યો છે. બારમી સદીના કુમારપાળ અને તેરમી સદીના વસ્તુપાળ-તેજપાલે અહીં નવું કથાજગત વસાવ્યું તેનું પ્રદાન પણ નોંધવા જેવું છે.
સોલંકીકાળ પૂર્વે નેમિનાથ – રાજુલની જૈનકથા ગિરનાર સાથે મળે છે. શાસનદેવી અંબિકા અને કપર્દી જેવી યક્ષકથાઓ પણ છે. મધ્યકાળની મેલકવસીની કથા અને મરુદેવીની કથા સંખ્યાબંધ શ્રેષ્ઠીઓની કથાઓ ગિરનારમાં છે. દિગંબર અને શ્વેતાબંર એ બંને પરંપરાની જૈનકથાઓ આજે પણ વાંચવા – સાંભળવા મળે છે. બ્રાહ્મણ પરંપરામાં વિક્રમ, ભરથરી અને ગોપીચંદ સંબંધી કૌતુકરાગી કથાઓ છે, તેમ જૈનપરંપરામાં વિક્રમના પુત્રની કથાઓની વિશિષ્ટ પ્રવાહ થયો છે. પરાક્રમ દર્શાવીને અંતે જૈનધર્મમાં શાંતિ પામે. ગિરનારમાં આવી કથાઓ સાંભળવા મળે છે પણ નેમિનાથ અને રાજુલના નામે મંદિર અને ગુફા છે. આવાં કોઇ સ્થળો અદ્યાપિ જાણવામાં આવ્યા નથી. તળેટીથી બોરદેવીના રસ્તે જતાં દિગંબર જૈન ટેકરા પાસે ‘કાલકાચાર્યનો ટીંબો’ કહેવાય છે, કઠિયારા લોકો ‘કળટનો ટીંબો’ કહે છે. આ ટીંબો કોઇ કથા સંઘરીને બેઠો હોય એવું લાગે છે.
જૈનકથા બહુધા કોઈને કોઈ પૌરાણિક કથાના પરિવર્તન જેવી હોય છે. આવી કથાઓ લોકસમાજમાં ઝિલાયેલી નથી, પરિણામે પાંડવકથા સંબંધી જેટાલાં સ્થળો મળે તેટલાં કોઈ જૈનકથા સંબંધી મળતાં નથી.
આવું જ ચારણીકથાઓનું થયું છે. ખોડિયાર, બેલાડ વગેરે માતાસ્થાનો છે, પણ અન્ય ચારણીકથાઓનાં કોઈ સ્થાન મળતાં નથી. આમ જુઓ તો, બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન અને ઈસ્લામ કથાઓ કરતાં ચારણીકથાઓનું ફોકસ બદલાયેલું છે. બ્રાહ્મણ, જૈન વગેરે ધર્મકેન્દ્રી છે, જ્યારે ચારણ બહુધા રાજકેન્દ્રી છે. રા’ખેંગાર, રાણકદેવી વગેરે ઈતિહાસ અને સાથે સાથે ચારણીકથા પણ છે. આવાં ઈતિહાસકેન્દ્રી કથાઓના સ્થળોથી તો લગભગ આખો ગિરનાર ભર્યો પડ્યો છે. હેમચંદ્રાચાર્યજી શૃંગાર અને શૌર્યપ્રધાન જે અપભ્રંશ દુહાઓ આપે છે તે જૂનાગઢના ચુડાસમાના રાજકવિ લુણપાલ મહેડુ રચિત છે. ગિરનારથી થોડે દૂર ઢોલામારુના ભોંયરા કહેવાય છે ખરા. આવાં સ્થળોનો વ્યાપક સર્વે કરીને તેના કથાસાહિત્ય વિશે શોધકાર્યો થવાં ઘટે.
આપણાં મધ્યકાલીન કથાસાહિત્યમાં ‘સ્ત્રીચરિત્ર’ સંબંધી એક મોટો વર્ગ છે, જેમાં કામકથા અને ચાતુરીકથાઓ પણ વિશેષ પ્રમાણમાં છે. આવી કથાના ઘણા તંતુઓ આપણને ગિરનાર પરિક્રમાના મારગે મળ છે. ખાપરો – કોડિયો તો ઠેકઠેકાણે છે પણ એને ય ઠગી જતી સોનલદેની વાર્તા મથુરામાળ સાથે સંકળાયેલી છે. બીલખાથી મંડલિકપુર જતાં ગુડાજલી નદીના કાંઠે સોનબાઈના ભોંયરા કહેવાય છે. આ સ્થળસ સાથે પંચાસરના જયશિખરી ચાવડાની કથા પણ જોડાયેલી છે. જયશિખરીના મૃત્યુ પછી તેની રાણી રૂપસુંદરી બાળ વનરાજને લઈને ગિરનારના આ ભોંયરામાં રહેલી. લોકવાર્તા આમ જ ગતિ કરતી હોય છે, જેમાં ક્યારેક સાવ અલ્પ ઈતિહાસ અંશ જળવાયો હોય છે. પરિષદ પ્રકાશિત ‘સાહિત્યકોશ’ (અર્વાચીન)માં ‘ચાવડા ચરિત્ર’ લખનાર ૠષિરાજ હરજીવન કુબેરજીની નોંધ છે. તેર અધ્યમાં વિભક્ત છંદોબદ્ધ આ દીર્ઘકાવ્યના સંપાદક ઉમિયાશંકર અજાણી જણાવે છે કે બાળ વનરાજને લઈને રૂપસુંદરીએ ગિરનાર વાસ કરેલો તેની નોંધ આ કાવ્યમાં મળે છે. આપણા મધ્યકાલીન કથાસાહિતયને આપણે ઈતિહાસકથાથી અને ધર્મકથાથી અલગ કરી શકીએ તેમ નથી.
ગિરનારની બહારની બાજુએ બીલખા આદિ જે સ્થળો છે તેની સાથે પણ આપણા મધ્યકાલીન કથાસાહિત્યના અનેક તંતુઓ ગૂંથાયેલા છે. બીલખા સાથે ‘ચેલૈયા આખ્યાન’ – શેઠ સગાળશાની કથા, ‘ચાવડા ચરિત્ર’ વનરાજની કથા, ખાપરા – કોડિયા સાથે સોનબાઈ કે સોનલદેની કથા, અને અર્વાચીન યુગના જ્યોતિર્ધર શ્રીમાન્ નથુરામ શર્મા તથા નવલિકાસમ્રાટ ‘ધૂમકેતુ’ની કથા – આપણી નજર હિન્દી, અંગ્રેજી કથાસાહિત્ય ઉપર છે, તેટલી તળભૂમિના કથા સાહિત્ય ઉપર નથી. આજકાલ પશ્ચિમમાં પાંગરી રહેલો ‘હિજીઓગ્રાફી’ (સંતસાધુની ચમત્કાર કથાઓ)નો અભ્યાસ ગિરનાર સંદર્ભે આગળ વધારવા જેવો છે. ગિરનારમાં સંત-સાધુ-સાંઈની જેટલી ચમત્કારકથાઓ મળે છે તેટલી ભાગ્યે જ કોઈ એક સ્થળ વિશે હશે. બીલખાના શાસક ખાંટ રાજવી અને જેરામભારતીની કથા અતિ જાણીતી છે. ‘ખાંટ સબ આંટ હો જાયેંગે’ – આવી કથાગર્ભે સંખ્યાબંધ કહેવતો આજે પણ અંદરના વિસ્તારમાં સાંભળવા મળે છે. દંતકથા, લોકકથા, પુરાકથા અને સંતકથાના અનેકવિધ નમૂનાઓ આજે ભવનાથના મેળામાં કે પરકમ્મા દરમિયાન ભજનરૂપે, રસોડારૂપે કે કથારૂપે સાંભળવા મળે છે.
કથાનિધિ ગિરનારનો એક રંગ સાંઈ-સુફી, પીર-ફકરી અને ઓલિયાઓ વિશેનો છે. જમિયલશા દાતાર સ્વતંત્ર અભ્યાસ માગે તેવો કથાસાહિત્યનો એક અજાયબ વિસ્તાર છે. આજુબાજુના ગામમાં કાવડ ફેરવીને રોટલા એકઠા કરતા સત્ દેવીદા અને મેકરણ ડાડાની માફક ‘જોળી’ ફેરવનાર ‘જમિયલ (જોળીવાળો)’ કહેવાય છે. ચિશ્તી સંપ્રદાયની આ પરંપરા હોવાનું અનુમાન મળે છે. સિંધમાંથી પીર પઠ્ઠાની સાથે જમિયલશા ગિરનારમાં આવેલા. બીલખા પાસેના રામનાથ ટેકરા ઉપર જેરામભારતી વગેરે દશનામ સાધુઓને મળેલા, પાછળથી આ ટેકરા ઉપર સંત કવિ મેકરણ અને ભોજા ભગત તથા ગંગાસતીના ગુરુ રામેતવનનો નિવાસ હતો. જમિયલશાએ ધૂણી ધખાવી તે મનસૂર શાહ, જેની ઐતિહાસિક રેખાઓ ‘હુહુ’ નામની નવલકથામાં મૂકી છે. ગેબનશા અને નવરંગશા જેવા ઓલિયાઓની કથાએ મળે છે. આજે દર વર્ષે એની નિશ્ચિત તિથિએ આ સૂફીસંતનો ઉર્ષ ભરાય છે અને એની જીવનકથાની કવાલિઓ સાંભળવા મળે છે. ‘દાતારની રાખડી’ સાથે પણ અનેક ચમત્કાર કથાઓ છે. દાતારનો એક હિન્દુ શિષ્ય જે ‘કમાલશા પીર’ થયો તેની કમાલકથાઓ પણ છે. કોયલો વજીર, સક્કરબાઈ અને રોશનશા વિશેના કથાત્મક દુહાઓ પણ છે. ‘જેઠો કહે કીડીની કતાર, ગોખ માથે વરે, એમ આવે રોગી અપાર, દ્વારે તારે દાતાર.’ દાતાર સાથે જ નગારચી પીર અને માઈ મિશરાની સીદી કથાઓ આપણા સાહિત્યમાં સાવ જુદી ભાત પાડનારી છે.
ગિરનાર સાથે અમવર્ગ વિશેષ ભાવે જોડાયેલો છે, આમવર્ગનો કથારસ ‘ચમત્કાર’ના પરિબળ ઉપર આધારિત હોય છે. આમ તો મધ્યકાલનું આ એક મુખ્ય ઘટક તત્વ છે. ગિરનારમાં તો ચમત્કાર પાણીના ઝરણાં જેવો સહજ ફૂટી નીકળતો કથારસ છે. અહીં એક પણ સાધુની જટા કે સાંઈની દાઢી, ચમત્કારના વાળ વિનાની નથી. દેવી રૂપે સ્ત્રીકથા છે તેટલી જ ડાકિની–સાકિની રૂપે છે, જૈનકથાઓએ એને કદાચ તિરસ્કારનું સ્વરૂપ આપ્યું છે. કથાસાહિત્યનો આ આખો ‘કૅમિકલ લોચો’ ગિરનારની ખોપરીમાં બરાબર બેસી ગયેલો છે. ભારતનો ક્યો આચાર્ય અને ક્યો સંત ગિરનારની મુલાકાતે નથી આવ્યો ? ગોરખ, કબીર, રામાપીર, જેસલતોરલ, રવિભાણ અને ત્રિકમભીમના ઓટલાઓ અહીં છે તો નાથસાધુઓનો ઘેઘુર વેલાવડ પણ એની અનેકાનેક વડવાઈઓ રોપતો આજે પણ જીવંત છે. અહીં શ્રી મહાપ્રભુજીની બેઠક છે તો જતિ સતીના સવરામંડપ પણ છે, અહીં ઘોરી-અઘોરી સાધુઓના ચમલ તણખાથી રાત રંગીન બને છે તો નરસિંહના પ્રભાતિયાથી સૂરજનો ઉદય થાય છે. કવિશ્રી ન્હાનાલાલે આવા ખોખડધજ ગિરનારને વારેવારે છાતીએ પાલવ સંકોરતી મુગ્ધા જેવો રહસ્યમય ગણાવેલો છે. આપણે ત્રિકમસાહેબની એક પંક્તિને ફેરવીને આમ કહીએ:
અઢારેય ભારતી તારી કથાયું ઝૂલે રે,
ફોર્યું દિયે છે ફૂલવાડી, એવો ગરવો દાતાર,
ગિરનાર ! ગિરનાર !
સૌજન્ય: rupayatan.com
-નરોત્તમ પલાણ