ઈતિહાસ ઉદારતાની વાતો

ક્ષત્રિયાણીની ખુમારી

થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મુળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. પતિ દિલીપસિંહજી ચૌહાણ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યા છે. માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે. પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યા નથી. મોહનબાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપુતી રીતને ઉજળી કરીને દિલીપસિંહજી ચૌહાણ અમર શહિદીને વર્યા હતાં.

ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે તેવી છે. આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યાં છે, શિતળ છાંયડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીંપણ-ગુંપણથી કસાયેલા ક્ષત્રિયાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી.ઓસરીમાંથી ધીરે સાદે હાલરડાંના સુરો સંભળાય છે.
બરાબર એ વખતે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે. ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે. ફળિયાની મોહકતા તરફ ઘડીભર એ જોયા કરે છે. ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુર સંભળાય છે –

તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે…..
માથાં પાપીઓના રોળવાને તલવારો જોશે રે….!

કલેક્ટર ઘડીભર થંભી ગયા. આ અપૂર્વ ખુમારીભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આશ્વર્ય પણ થયું. કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહિદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે, રડતી-કકળતી હશે. પણ અહિં તો એથી સાવ ઉલટું હતું….! પોતાના પારણે ઝુલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી….!


આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા. કલેક્ટરે એના મુખ સામે જોયું. ગૌરવર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ ઝગારા મારતું હતું, આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યાં હોવાનું સ્પષ્ટ પણે દર્શાવતી હતી. ધીમે રહીને કલેક્ટરે કહ્યું –
“બહેન ! આપના પતિએ દેશ માટે અમુલ્ય બલિદાન આપ્યું છે. એના પ્રાણત્યાગને દેશ ક્યારેય નહિ ભુલી શકે.”
મોહનબા સાંભળી રહ્યાં. તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી.
“એમના એ બલિદાન માટે….”
કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો, સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે.
મોહનબાએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી. પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધાં….! કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઇ રહ્યાં!!
“અરે….! પણ તમે ફાડી શા માટે નાખ્યો….? બા ! આ તો સરકારે આટલાં આપ્યા છે તે મારી મજબુરી છે, બાકી જો ઓછા થતાં હોય તો હું મારા ઘરના થોડાં ઘણાં ઉમેરુ.” કલેક્ટરે કહ્યું.
મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યાં. પછી બોલ્યાં –
“ભાઇ ! મારો ધણી કોના માટે કુરબાન થયો છે ?”
“માં ભોમ માટે…..”
“બસ તો પછી. જે દિકરા એની માં માટે થઇને શીશ કપાવે એની વહુઆરુ જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઇ માડીજાયો ના જન્મે ભાઇ….!”
રાજપુતાણી બોલી રહી. એના એક એક શબ્દે કોઇ દિવ્ય વાણી ઝરી રહી હતી. કલેક્ટર એની ખુમારી જોઇ જ રહ્યો. રાજપુતાણીની આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઇની હિંમત ના રહી.

આખરે માંડ કલેક્ટર બોલી શક્યો
“પણ બા ! તો આપને અમે વળતર કઇ રીતે આપીએ….?”
એના જવાબમાં ઝાલાવાડની એ ક્ષત્રિયાણી એ ઓસરીમાં રહેલા પારણાં સામે આંગળી ચીંધી અને બોલી –
“વળતર….?? કલેક્ટર સાહેબ ! આ પારણામાં ઝુલતા મારા સાવજને એ વીસ-એકવીસ વર્ષનો થાયને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઇ જજો. અને મારો આ લાડકો એના બાપને મારગ હાલીને પચાસ-પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને….. ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ….! બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાંનુ વળતર ન વળે સાહેબ….! અમારે મન રૂપિયા કરતા બલિદાન વધુ મોંઘા છે.”

રાજપુતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતાં. કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતાં. આ જોગમાયા સામે બોલી પણ શું શકાય? જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધાં મનોમન વંદન કરી રહ્યાં….!

[ આ પ્રસંગ સત્યઘટનાનો છે. સુરેન્દ્રનગરનાં મુળી તાલુકાના ટીકર ગામમાં રહેતા ચૌહાણ શાખાના કારડીયા રાજપૂતોમાંથી વીર શહીદ દિલીપસિંહજી ડાયાજી ચૌહાણ કારગીલ યુદ્ધ વખતે શહીદ થયાં હતાં.]

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators