લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે.
એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય.
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.