રાખો, હવે રાખો બાપુ! આજ જો તમે ના પાડો તો મારા ગળાના સમ છે. ટંક બે ટંક, આપને ગોઠે ત્યાં સુધી રોકાજ્યો. મારા સમ છે. ખાંભા પધારો.
‘બાપુને કહો કે મારે એને મળવું છે. ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ?’ મિતિયાળાના ડુંગારાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરવા આવ્યા છે. પડાવને દરવાજે, ચડતા પહોરે, રોજી ઘોડા પર બેસીને એક આદમી આવે છે. આંબાની શાખ જેવો ડોકાતો તામ્રવર્ણો એનો દેહ ચમકી ઊઠેલા ગાલ પર પાસા પાડેલ હીરા જેવી ઝૂલતી પાણીદાર આંખો…!
સયાજીરાવ તંબુનાં દરવાજે ભરી બંદૂકે પહેરો દેતા એના ચોપવાનો, આવતલ આ આદમીને પળભર જોઇ રહ્યા. કાંટિયાવરણનો, કાઠિયાવાડી મુલકનો આદમી આવ્યો છે તો વિવેક દાખવવા, છતાં એને ચકાસવો સારો, એમ ગણીને પૂછ્યું: ‘ક્યાંથી આવો છો.’‘ખાંભા ગામેથી. મારું નામ ભીમ કીકર… બાપુને રામ રામ કરવા આવ્યો છું અને પધારે તો છાશું પાવી છે.’ દરબારી માણસોએ થોડુંક ટીખળ જેવું કર્યું: ‘છાશું પાવી છે. આપા?’
‘હા, ભાઇ! છાશું પાવી છે.’
‘તે છાશ પીવા માટે બાપુને તમારે ઘેર ધક્કો ખવડાવશો? તમે જ બોઘરું ભરીને લેતા આવ્યા હોત તો?’ ભીમ કીકર સમજી જાય છે કે દરબારના માણસો છાશું શું કહેવાય એ સમજયા નથી અને કાં તો સમજવા છતાં મારી મશ્કરી કરે છે… પણ વાંધો નહીં. ‘તમે બાપુને સમાચાર આપો અને છાશુંનો અરથ તો હું તમને મારે ઘેર તેડી જઇને સમજાવીશ… અટાણે નૈ.’
‘કાં આપા! એમાં વળી મૂરત જોવાનાં છે?’
‘હા, બાપ! છાશુંનો અરથ અમે સારો વાર જોઇને, અમારે આંગણે સમજાવીએ. માટે જાવ અને બાપુને મારો સંદેશો આપો કે ખાંભા ગામેથી ભીમ કીકર આપને મળવા માગે છે.’ દરબારી માણસો તંબુમાં ગયા અને રાજવીની રજા લઇને આવ્યા. ભીમ કીકર રાજવીના ઉતારે ગયા.
ભીમ કીકરને જોતાં જ રાજવી સયાજીરાવની વિચક્ષણ નજરે નોંધાઇ ગયું કે આદમી ભારી પોરસીલો અને મહેમાનવલો છે. રામ રામ કરી રાજવીએ ભીમ કીકરને આસન ચિંધ્યું: ‘ક્યાંથી આવો છો, ભાઇ?’‘ખાંભા ગામેથી. મારું નામ ભીમ કીકર!’‘ભલે-ભલે શું કરો છો તમે?’
‘આપના પ્રતાપે ખેતી છે. થોડો માલ ઢોર છે. મઝા છે, બાપુ! અને ખભા પરની આછી પછેડીને થોડીક ઠીકઠાક કરીને ઉમેર્યું: ‘અને બાપુ! તમે બબ્બે દિવસ અમારા ગીર મુલકમાં પધાર્યા છો, તો મારા જેવાને આંગણે પગલાં કરો તો?’સયાજીરાવ મોજીલું હસ્યા: ‘જુઓ ભીમભાઇ! હું સિંહના શિકારનો શોખીન. અને સિંહ તો જંગલમાં જ મળે.’
‘બાપુ! હું ય જંગલમાં જ છંવને?’ ભીમ કીકર ગરવું હસીને બોલ્યા: ‘અને બાપુ! આંહી અમારાં ઘર ખોરડાં હોય અને આપને જમવાની તરખડ્યો પડે એ કેવું? અમને ન ગોઠે હોં બાપુ!’‘જુઓ ભીમભાઇ! તરખડ્યો શાની? મારી સાથે મારા રસોઇયા છે.’
‘હશે બાપુ! પણ અમને રસોયાઇની રસોઇ કેફ ન પડે હોં… અમને તો એઇને બાજોઠ ઢાળ્યા હોય. ઘીએ ચોપડેલા રોટલા હોય અને ભરીભરી તાંસળીઓ હોય-તયેં જ સોધરી વળે હોં બાપુ!’ અને મોકળું હસીને આપા ભીમે ઉમેર્યું: ‘હું તમને નોતરું દેવા આવ્યો છંવ, બાપુ! મારે આંગણે પધારો.’
ગાયકવાડની સરકારની હકૂમતના ચોપડાના પાને, સરવાળા-બાદબાકી થઇ ગયાં કે માંડ પચ્ચી-પચ્ચા વીઘા જમીન, થોડીક ભેંસો અને સાવ સાધારણ એવી ખેતીવાળો આ માણસ, બહુ બહુ તો પચ્ચીસ-ત્રીસ જેટલા મહેમાનોને એકાદ ટંક જમાડી શકે એવી એની ગુંજાશ છે અને એની કલ્પના પણ માંડ એટલી હશે પરંતુ એને ક્યાં ખબર છે કે દોઢસો જેટલા માણસોનું મારું કમઠાણ, એની ઓંસરીમાં તો ક્યાં? ફળીમાં પણ નૈ સમાય.
પછી રોટલાની તો વાત જ ક્યાં રહી? અને ભીમ કીકરને એ પણ ક્યાં ખબર છે કે ખુદર્યા એવા રાજના આ માણસો, પલાંઠી વાળીને અરધી તાંસળી દૂધ અને એકાદ બાજરાના રોટલાથી ગાદેવે એવા નથી? જમવા બેસે ત્યારે સો સો વાનાં કરે, સો સો ચીજો માગે, સો સો ઢોંગ કરે, ખાય થોડું અને બગાડે ઝાઝું… આ માલધારી અને ભલો માણસ આવ્યો છે તો વિવેક કરવા, પણ આ બધી માયાને જો એના ઘેર લઇ જાશો તો મરાઇ જાશે બિચ્ચારો-એકાદ વરસ લગી ધાનનો લાગ નૈ આવે.
‘કાં બાપુ!’ રાજવીને મૌન જોઇને ભીમ કીકરે પોતાના ઉત્તરની ઉઘરાણી કરી: ‘હું આપને નોતરું દેવા આવ્યો છું ને બોલતાં કાં નથી?’‘જુઓ, આપા ભીમ! અમે આંહી તમારા જ રોટલા ખાઇ છંઇ. તમારી આ ગીર અને ગીરનું અનાજ, શાકભાજી બધું તમારું જ ગણાય.’
‘રાખો, હવે રાખો બાપુ! આજ જો તમે ના પાડો તો મારા ગળાના સમ છે. ટંક બે ટંક, આપને ગોઠે ત્યાં સુધી રોકાજયો. મારા સમ છે. ખાંભા પધારો.’ તંબુઓમાં પડેલી મોટી વસાહત તરફ ઊડતી નજર નાખીને મહારાજ સયાજીરાવ ઠાવકું હસ્યા: ‘રહેવા દો ભીમભાઇ! સો-બસોનો મારો કાફલો, સૂબાઓ, મિલિટરીના કેપ્ટનો, ઉપરીઓ, અમલદારો અને આ બધા તોબાની તાળી, જમવા બેસે તો સો સો વાનાં કરે.’
‘આપની દયા છે બાપુ! અને સૌને હથેળીમાં થુંકાવીશ, પણ આપ પધારો…ના પાડો તો મને મૂએલો ભાળો.’
‘ના ના ના…! એવું શું કાજે. ભીમભાઇ! જાવ અમે સાંજે આવશું.’ ગાયકવાડ સરકારને જમાડ્યાંનો પોરસ લઇને ભીમ કીકર ખાંભે આવ્યા.
મહારાજનો કાફલો ખાંભા જવા રવાના થયો. ક્યાં બેસશું અને શું ખાશુંની કલ્પના લઇને આવેલ આ દરબારી માણસો જ્યારે ભીમ કીકરને આંગણે આવ્યા ત્યારે એને ભાન થયું કે બેસવા માટે તો હજીય વિશાળ ઓરડા છે!સાંજે વાળુ થયાં, બબ્બે કલાક સુધી ચૂલે ચડીને પાકેલી કઢી, ઘીએ ત્રસત્રસતા બાજરાના સોડમદાર રોટલા… ગીરની વનસ્પતિનાં જાતજાતનાં અથાણાં… રાજવીના આખા રસાલાએ આંગળીઓ કરડીને વાળુ કર્યા અને સૂતી વેળા પોતપોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરી કે જો નામદાર સયાજીરાવને સમત સૂઝે અને બે ટંક વધારે રોકાય તો ભીમભાઇની મહેમાનગતિ માણીએ. વડોદરામાં તો આવો સ્વાદ સાંભળ્યો પણ નથી!
સવારે દડબા જેવી દહીંની તાંસળીઓ બાજરાના રોટલા અને માખણના પિંડા આવ્યા. દોઢસો જેટલી ભેંસો દોહાતી દેખાણી. ત્રીસ જોડી બળદ અને સાઠ જેટલી ગાયોથી ભીમ કીકરનું આંગણું છલકાતું જોયું ત્યારે ખુદ રાજવીને પણ આ આદમીનો સુખીપો દેખાણો!
બપોરે છાશું (જમવાનું) થઇ. સૌનાં કાંડાં મરડીને ભીમભાઇએ તાણ્ય કરી કરીને જમાડ્યા… સાંજે વાળુ થયાં. રાજવી ઊપડવાની વાત કરે કે ભીમ કીકરભાઇ દીકરાના દીકરાના સમ દઇને વળી રોકે… ‘ના ના, બાપુ! ન જવાય… મારી આંખ્યુંના સમ, મારું મોઢું ન ભાળો.’ ડાઇનિંગ ટેબલ પર આધિ, વ્યાધિ અને ઉપાધિને માથા પર લઇને રોજ જપેલા સરકારી માણસોએ અજોડ મહેમાનગતિ માણી!
અલ્લાતોલાએ રજા મેળવીને રાજવીએ વિદાય લીધી. કાઠિયાવાડની રસમ પ્રમાણે એણે ભીમભાઇના છોકરાંના હાથમાં કશું ન આપ્યું ત્યારે, ખાંભા ગામમાં થોડીક ચણભણ થઇ કે વડોદરાનો ધણી ચારચાર ટંક રોટલા ધબી ગયો, છતાં ભીમભાઇનાં છોકરાંના હાથમાં રાતી પાઇ પણ ન મૂકી! છતાં ભીમ કીકરના ઉમળકામાં કશી ઓટ ન આવી. સીમાડા સુધી વળાવવા ગયા. ફરીવાર પધારવા માટે વળી પાછા આકરા સમ દીધા.
ખાંભા છોડતાં પહેલાં ચતુર એવા સયાજીરાવે ભીમ કીકરના કપાળ સામે આંખ માંડીને જોયું અને ત્યાં કેટલું સમાશે, એનું માપ લઇ લીધું.આઠ દિવસ પછી વડોદરાથી સયાજીરાવનો માણસ ભીમ કીકરને તેડવા માટે ખાંભે આવ્યો. ગામમાં આ બેય વાતની જાણ થઇ અને બટકબોલા માણસોએ આપા ભીમને ઉઠાડ્યા: ‘કાં ભીમભાઇ! વડોદરાથી માણસ આવ્યો છે ને?’‘હા, ભાઇ રાજવીના સમાચાર લઇને આવ્યો છે. મને તેડાવે છે.’
‘જાવ તયેં, ભેજિયો બેસાડતા આવો.’‘શાનો ભોજિયો?’‘શાનો શું? તમે રાજા જેવી સાયબી દેખાડી ઇ તો રાજા, વેજા ને વાંદરાં, આપા ભીમ! અવળાં હાલે તો ઓખાત બગાડી વાળે.’‘પણ શું?’‘ઇ તો જાવ ત્યારે ખબર પડશે. આપા! કાં તો દસ-વીસ સારી ભેંસો માંગશે, કાં ગાયો અને કાં આ તમારો રોજો વછેરો… મહેમાનગતિના સ્વાદિયા થ્યા’તા તે, લેતા જાવ હવે!’‘વાંધો નૈ ભાઇ! મને ભગવાને ઘણું દીધું છે.’
‘ભગવાને તો દીધું છે પણ તમે છોકરાંના કરમમાં કાંઇ રહેવા નથી દેવાના.’‘જેવી દુવારકાવાળાની મરજી…!’ભીમ કીકર વડોદરા પહોંચ્યા. સયાજીરાવની કચેરીમાં એને આસન મળ્યું અને થોડીવારમાં રાજવીના માણસે તાંબાનું પતરું ભીમભાઇના હાથમાં મૂક્યું. ‘લઇ લ્યો, ભીમભાઇ!’ સયાજીરાવે ભીમભાઇને સંબોધ્યા: ‘આમાં ખાંભાની આસપાસના ચોવીસ ગામ તમને ગાયકવાડ સરકાર બક્ષિસ કરે છે. તમારા જેવો પરગજુ અને માયાળુ આદમી અમારા રાજમાં બે પાંદડે થાય તો અમારી શોભા વધે.’
‘પણ બાપુ!’‘કશું ન બોલશો, તમે અમને પરાણે રોકતા હતા ત્યારે અમને બોલવા દેતા હતા?’અને રાજની મહેમાનગતિ માણીને બે-ચાર દિવસ પછી ખાંભાના ભીમભાઇ કીકર ચોવીસ ગામનાં ધણીપણાં ગજવામાં નાખીને ખાંભે આવ્યા ત્યારે આખો મુલક સ્તબ્ધ થઇ ગયો અને ધન્ય પણ થયો કે રખાવટ તે આનું નામ.ભીમ કીકરના આંગણે મોટો ડાયરો ભરાણો… બારોટે ભીમભાઇની બિરદાવલી ગાઇ: નાથાણી નાગરતણો કીકર હાથ કલામ…ચોવીસ ગામ સલામ, ભરે તને ભીમડા!
તોરણ, નાનાભાઈ જેબલિયા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર.કોમ