જન્મ ૨૫-૧૧ – ૧૯૦૨, મૃત્યુ ૨૨-૦૨ – ૧૯૭૭
મજાદર (તા.મહુવા, જિ.ભાવનગર)
દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્કૃતની સાહિત્ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા.
એકવાર ગીગા રામજીને ત્યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્યા: ‘મારે તો કચ્છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્યાસ કરવો છે. ‘સંત મુકતાનંદ કહે: ‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી.
દુલા કાગનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્ય પામવા પ્રયત્ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.
પદ્મશ્રી દુલા ભય કાગ ની અમર રચનાઓ