વિક્રમ સંવત મુજબ ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની સુદ અગિયારસે ઉજવાતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતો, જેમાં ભદ્રાવતી નગરીના રાજા સુકેતુમાનની કથા જણાવવામાં આવી છે. તદુપરાંત, વિક્રમ સંવત મુજબ વર્ષના દશમા માસ શ્રાવણની સુદ અગિયારસે આવનારી એકાદશી પણ પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે, જેના સાથે મહિજીત નામના રાજા અને લોમેશ ઋષિ જોડાયેલી કથા સંકળાયેલી છે. આ બંને કથાઓ પુરાણોમાં વર્ણવાયેલી છે.
પવિત્રા અથવા પુત્રદા એકાદશી ની કથા / વાર્તા
દ્વાપર યુગમાં ‘માહિષ્મતિ’ નગરીમાં ‘મહિજિત’ નામનો રાજા થઈ ગયો. આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી. તેને નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. રાજા ખૂબ ન્યાયી હતો. તેણે ક્યારેય અન્યાયી આચરણ કર્યું ન હતું. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું. છતાં તેના નસીબમાં પુત્રસુખ ન હતું.
રાજાએ લોમેશ મુનિનાં દર્શન કર્યાં. લોમેશ મુનિએ મહીજિતને સદુપદેશ આપતાં કહ્યું, ‘હે રાજન્! અનંતકાળથી જીવ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે. ભૂતકાળમાં ભોગનાં સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું. છતાં ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી. મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્ર્થ જ કોણ કરે? જીવનમાં બનતાં પ્રસંગો પર અને કર્મો પર આપણાં પુણ્યબળ અને પાપબળનો વિચાર કરવો જોઈએ.
મનુષ્ય સુખ… સુખ… ઝંખ્યા કરે છે. પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે, સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. ‘શ્રદ્ધાવાન લભતે સુખમ્’ એ સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પુણ્ય- પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે. પુત્ર સુખ આપે છે. આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે. કારણ કે મનુષ્ય પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે. પુણ્ય-પાપની શ્રદ્ધાવાળો જ સાચું મનઃસ્વાસ્થ્ય પામી શકે છે.
રાજા મહીજિત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છેઃ કયું વ્રત કરવાથી પુત્રપ્રાપ્તિ થાય? રાજાને મુનિ શ્રાવણ સુદ – ૧૧ એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ ‘અણુવ્રત’ કરવા અનુરોધ કરે છે.
‘હે મુનિવર્ય? અણુવ્રત એટલે શું?’
‘હે રાજન્! અણુવ્રત પાંચ છે. હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો. અર્થાત્ અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. વ્રતનું આંશિક પાલન કરનાર ‘અણુવ્રતી’ કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે તે ‘મહાવ્રતી’ કહેવાય છે. કરેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે, સંસારની સ્થિતિ જ એવી છે. કર્મોનાં બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ. રાવણનો પરાજય કરવો સરળ છે. પરંતુ કર્મોનો પરાજય કરવો અતિ દુષ્કર છે.‘
લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો. ત્યારબાદ મુનિએ કહ્યું: ‘હે રાજન્, પૂર્વજન્મમાં ધોમધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી. તે વખતે તેણે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષા છીપાવી હતી. પણ ગૌમાતા અને વાછરડાને તરસ્યા તગડી મૂક્યાં હતાં. આ ઘોર પાપને લીધે તમારે નિઃસંતાનપણાનું દુઃખ છે.‘
લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે, ‘તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંઝિયામેણું ટળે.‘
કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું અને રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો. માટે સંતાનની ઇચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. પુત્રદા એકાદશીની કથા, તેનો મહિમા અને માહાત્મ્ય સાંભળવાથી કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે.







