ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે;
કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા.
નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં;
અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા.
લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે;
સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા.
સુધ હીણા સિરદાર, મતહીણા રાખે મિનખ;
અસ આંદો અસવાર, રામ રૃખાલો રાજિયા.
અર્થાત: મુરખ સરદાર જો બુધ્ધિ વિનાના માણસને પોતાની પાસે રાખે તો તેની સ્થિતિ આંધળો માણસ ઘોડેસ્વારી કરી એના જેવી થાય છે. રાજિયા, એની રખવાલી રામ જ કરે છે.
ઊંચે ગિરિવર આગ, જલતી સહ દેખે જગત;
પર જલતી નીજ પાગ, રતિના દીસે રાજિયા.
અર્થાત: હે રાજિયા! ઊંચા પહાડ માથે પ્રગટેલી આગ જગત આખું જુએ છે પણ પોતાના માથા પર સળગતી પાઘડી પ્રતિ કોઇ જોતું નથી. માણસ ગામ આખાની પંચાત કરવા જાય છે પણ પોતાના કુટુંબમાં થતાં ઝઘડા ઓલવવા તરફ ધ્યાન આપતો નથી. આ વાસ્તવિક સત્ય છે
મતલબની મનવાર, જગત જમાડે ચુરમા;
વણમતલબની મનવા, રાબેય ન પીરસે રાજિયા.
અર્થાત: આ જગતની માલીપા કામ કઢાવવા માટે લોકો વાઢીએ ઘી પીરસી ને લચપચતું ચુરમુ મનવાર કરીને જમાડે છે, પણ માણસને મતલબ ન હોય તો ભાણામાં રાબ રેડવાની મનવારેય કોઇ કરતું નથી એમ લોકકવિ ‘રાજિયો’ આ સોરઠામાં સમજાવે છે.