રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની એટલે રાણી સાહેબા રમણીકકુંવરબા, એટલે કલાપી સાહેબના એક માત્ર દીકરી, તેમની સ્મૃતિમાં આજે પણ રમણીક કુંવરબા કન્યા વિદ્યાલય રાજકોટમાં ઉભું છે. અને બીજી સ્મૃતિ વિશેષ, લાઠીના મૃદુકવિ શ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધની સ્મૃતિમાં એક રાજમાર્ગ પણ છે રાજકોટમાં.
લાઠીના રાજવી કવિ કલાપી માત્ર 26- વર્ષની ભરયુવાનીમાં દેહ-છોડી ગયા, તેમના સ્નેહરાજ્ઞી એટલે સુમરી-રોહા કચ્છના રાજવી શ્રી વેરીસાલજીના દીકરી રાજબા રમાબાની કુંખે જન્મેલા દીકરી તે રમણીકકુંવરબા. લાખાજીરાજના લગ્ન લેવાયા ત્યારે કલાપીના વિધવા રમાબાએ દીકરીના લગ્નમાં કોઈ કચાશ ના રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું, લગ્ન સમયે આજુબાજુના તમામ રજવાડાના રાજવીઓ વિન્ટેજ કારોના કાફલા સાથે લાઠી પહોંચેલા મહેમાનો માટે, દરબારગઢ ઉપરાંત બીજા મકાનો અને તંબુ ખાનામાંથી તંબુ કાઢી ઉતારા તયાર કાર્ય હતા, રાજકોટથી ખુબજ મોટીજાન લાઠીગામ પહોચી ત્યારે, લાઠીના તમામ નગરજનો સ્વયંભુ સેવાદારી, અને આગતા સ્વાગતામાં જોડાયા હતા, જે લાઠીના રાજવી પરિવાર તરફનો પોતાનો પ્રેમ પ્રગટ કરે છે
એ જમાનામાં શાહી રીત – રીવાજ મુજબ રાજવી પરિવારે ખુબજ મોટો અને ગજા બહારનો કરિયાવર કર્યો હતો, આ જાન ત્યારે લાઠીમાં એક અઠવાડિયા સુધી રોકાયેલ હતી અને સમસ્ત-લાઠી નગરજનો એ આ લગ્ન-ઉત્સવને મ્હાણ્યો હતો.
ઈ.સ. 1870 માં રાજકોટમાં કાઠીયાવાડ સમસ્ત રાજવી પરિવારોએ, પોતાના રાજકુમારો માટે સ્કુલ-કોલેજનું નિર્માણ કાર્ય આરંભ્યું ત્યારે નાના-મોટા તમામ રજવાડાએ પોતાનું યોગદાન આપ્યું ત્યારે, લાઠી જેવા નાનકડા અને આર્થિક દ્રષ્ટિએ ચોથા દરજ્જાના સ્ટેટ એ પણ એ જમાનામાં રૂપિયા 2000/- રોકડા અને દસ- ગાડા ઘઉં-બાજરાનું અનુદાન આપેલું, અત્યારે હવે આ કોલેજમાં દરેક રાજવીની એક સ્કોલરશીપ -સીટ છે તેમ લાઠીની પણ એક સીટ છે, અને લાઠી પણ ”રાજકુમાર કોલેજના ફાઉન્ડર મેમ્બર છે, એ સ્કોલર-શીપના લાભ સાથે લાઠીના કેટ-કેટલા વિદ્યાર્થી ક્યાં સુધી પહોચ્યા તેની વાત ફરી ક્યારેક કરીશું.
રાજકુમાર કોલેજનું બાંધ-કામ થયું તે વખતે કલાપીના મોટાભાઈ, શ્રી ભાવસિંહજી લાઠીના રાજા હતા, અને કલાપીના નાના કુંવર શ્રી જોરાવરસિંહજી એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેજ સંસ્થામાં વિંગ-માસ્ટર તરીકે સેવા આપેલ, અને અત્યાર સુધીમાં લાઠીની સાત-પેઢી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી ચુકી છે, રાજકોટ સ્ટેટ કોઈ પણ રમત-ગમતનું આયોજન કરતુ ત્યારે લાઠીની ક્રિકેટ ટીમ, હોકીટીમ તેમજ ઘોડાની રેસ માટે લાઠીથી ચુનિંદા ખેલાડીઓ રમવા માટે આવતા, કલાપીજીના પ્ર-પૌત્ર અને ઠાકોરસાહેબ શ્રી પ્રહલાદ્સિંહજી (રાજહંસ) સારા સાહિત્યકાર અને પોલો ના અચ્છા ખેલાડી પણ હતા, તેમજ તેમના અંગત મિત્ર વાંકાનેરના મહારાજા પ્રતાપસિંહજી સાથે તેઓ કાર રેસ પણ કરતા.
રાજકોટના રાજવી ધર્મેન્દ્રસિંહજીના શાસન-કાળમાં ‘મહાત્મા ગાંધી ‘ આઝાદીની ચળવળના ભાગરૂપે ઉપવાસ પર બેસેલા, પૂજ્ય બાપુના ટેકામાં રાજકોટના તમામ નગર-જનોએ સ્વયંભુ પોત-પોતાના ઘરની લાઈટ બંધ રાખેલી, આખા શહેરમાં અંધારું રહેતું, અને રાજવી પેલેસમાં ઝાકમઝોળ અંજવાળું રહેતું, આ ઘટના પૂજ્ય બાપુ માટે અપમાન જનક લાગતા લાઠી ઠાકોરસાહેબ શ્રી પ્રહલાદસિંહજી નાં સાહિત્યકાર-મિત્રો શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ચં.ચી. મહેતા, ડો જીવરાજ મહેતા વિગેરેની વિનંતીને માન આપી લાઠી ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજી ને સમજાવવા ગયા હતા, ખુબ દબાણ ઉભું કરીને ભાણુભાને મનાવી ને પૂજ્ય ગાંધી બાપુને પારણા કરાવ્યા હતા, તે સમયે રાજકોટના દિવાનની ઈચ્છા ખરી કે ઉપવાસ લાંબા ચાલે અને પૂજ્ય બાપુને કંઈ થઈ જાય અને રાજકોટ મોટું યાત્રાધામ બની જાય.
રાજકોટમાં કાશી-વિશ્વ નાથ મંદિર પાસે ચાર-પાંચ હજારવારના કમ્પાઉડ વાળો લાઠીનો ઉતારો હતો, જે લાઠીના અમલદારો અને પ્રજાજનો દવા-દારુ કરાવવા આવતા તે માટે જ વપરાતો, આઝાદી સમયે લાઠી ઠાકોર સાહેબ શ્રી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી ગોહિલે સૌરાષ્ટ્ર સરકારને લાઠીનો ઉતારો આપી દીધો, જ્યાં પછી સૌરાષ્ટ્ર હાઈસ્કુલનું નિર્માણ થયું, લાઠીને બે-ખુબ બાહોશ દીવાન મળેલા શ્રી બી.એમ બુચ અને શ્રી ડી એમ બુચ તેમાં પણ શ્રી ડી એમ બુચ તો આઝાદી પછી સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મુખ્ય-સચિવ બનેલા.
તમામ-માહિતી શ્રી, કીર્તીકુમારસિંહજી પ્રહલાદ્સિંહજી ગોહિલ, નેક નામદાર ઠાકોર સાહેબ ઓફ લાઠી
સંકલન – રાજેશ પટેલ