ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે;
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ!
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ!
કેસરી વીરના કોડ હરશો નહિ!
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ!
રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય:
લાત ખાવા તણાં દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.
અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું;
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું
ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો