સનાતન ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ. આથી આગળ વધીને મહાધર્મ પ્રત્યેક માનવીની અન્ય માનવી તરફની ફરજ પણ ગણી શકીયે છીએ, કેમકે આપણે બધા ઈશ્વરની આ સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ કૃતિઓ છીએ.
મહાધર્મને અનેક રીતે સમજાવી શકાય છે પણ પાયાની અને મૂળભુત વાત એક જ છે, ભલે તમે તે બધાને અલગ અલગ નામે ઓળખો કે અલગ અલગ રીતે તેને વ્યાખ્યાયીત કરો કે અલગ અલગ રીતે તમે તેનુ પાલન કરો.
આપણને એવુ શીખવવામાં આવ્યુ છે કે આત્મા એ એક ખુબ જ નાનો અને સુક્ષ્મ ભાગ છે કે જે પરમાત્મામાંથી વિખુટો પડ્યો છે. આપણા શરીરની સમાપ્તિને વખતે આપણો આત્મા ફરીથી પરમાત્મામાં વિલિન થઈ જાય છે. અને તેથીજ દરેક માનવીએ મન, કર્મ, વચનથી અન્ય માનવીઓ તથા પ્રકૃતિ સાથે સંલગ્ન રહી, સારા કામ કરી, પુણ્ય કર્મોથી આ આત્માને મોક્ષ (મુક્તિ)ના માર્ગે લઈ જવાનો છે, જેથી તે ફરીથી તેની ઉત્પતિ કરનાર પરમાત્મામાં વિલિન થઈ શકે.
ખુબ જ પ્રાચીન કાળથી મહાધર્મ અસ્તિત્વમાં છે અને ત્યારના સમયમાં ફક્ત બ્રાહમણ અને થોડા વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર લોકો જ વિશેનુ જ્ઞાન ધરાવતા હતા અને બાકીના મોટા ભાગના લોકો આ વિષયથી અજ્ઞાન (અજાણ) હતા. આવા લોકો માટે, તેમના કલ્યાણ માટે આચાર્યો એ પાઠપુજાના માધ્યમથી તેમને મહાધર્મ પાળતા શીખવ્યુ કે જેથી તે બધા પણ મુક્તિ મેળવી શકે. પરતું શરુઆતમાં આ ધર્મનુ પાલન ખુબજ મોટા ઋષિમુનિઓજ કરી શકતા જેવાકે ગુરુ દત્તાત્રેય (નવનાથના મુખ્ય નાથ), મત્સ્યેન્દ્રનાથ, જલંધરનાથ, ગુરુ ગોરખનાથ, મુનિ વસિષ્ઠ, ઋષિ વિશ્વનાથ, અગત્સ્ય મુનિ, માર્કંડ, પરાસર, રામાનુજ અને તેમના જેવા અન્ય. ઘણા રાજપુત જેવાકે રાજા પ્રહલાદ, હરિશ્વન્દ્ર, યુધિષ્ઠીર, અને બાલી અને અન્ય લોકોએ નિજ્ય ધર્મનુ પાલન કર્યુ હતુ.
જુનવાણી ભજન અને ભકિત ગીતો એવુ જણાવે છે કે દરેક યુગમાં આ નિજ્ય ધર્મનુ પાલન થતુ હતુ અને અનેક માનવીઓ આ પંથને અનુસરીને નિર્વાણ પામ્યા છે. અત્યારના યુગમાં આ ધર્મનુ પાલન ભકિત માર્ગે થઈ શકે છે કે જે પોતાનામાંજ એક યોગ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં જણાવ્યુ છે. મહાધર્મમાં પણ ગીતામાં ઉલ્લેખાયેલા બધાજ યોગનો સમાવેશ થાય છે, જેવાકે વિષાદ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, મોક્ષ અને સંન્યાસ યોગ.
ઇતિહાસ કહે છે કે મહાધર્મના આ પંથ પર ૬૦૦ વર્ષ પહેલા, ભગવાન શ્રી કૃષ્ણ પોતેજ રાજસ્થાનના પોકરણમાં બાબા રામદેવજી મહારાજ તરીકે પ્રગટ થયા હતા. એ સમયે, મોઘલ સામ્રાજ્યના કારણે, હિંદુઓ ખુલ્લી રીતે હિંદુ ધર્મનુ પાલન કરી શક્તા નહતા. અને એટલે જ એ સમયે મહાધર્મ બંધ બારણે છુપી રીતે પાળવામાં આવતો હતો છતાં પણ સમાજમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા વર્ણભેદ તો હતા જ. શ્રી રામદેવ બાબા મહાધર્મના પાઠ-પુજાના છત્ર નીચે સમાજમાં જાગૃતિ, ઐક્ય, સર્વ-મનુષ્ય-સમભાવ અને એકતા લાવ્યા હતા. તેઓએ ઘણાજ દૈત્ય તત્વોનો વિનાશ પણ કર્યો હતો.
તેમના સમયમાં અનેક માનવીઓ નિર્વાણને પામ્યા હતા. જેમાના થોડા નામોમાં હરજી ભાટી, હરભુજી, ડાલીબાઈ, રાવત રણસીંઘ, જેસલ અને તોરલ, રુપાદે અને માલદેવજી, લખમો માળી, ખીમલીયો કોટવાલ, બાબા સેલાનસીંઘ, દેવાયત પંડીત, સતી દેવલદે, દેવતણખી લુહાર, કચ્છના દાદા મેકરણ કાપડી, પરબના સંત દેવીદાસ, પાંચાલના ભક્ત મંડલ, આપા મેપા, આપા જાદરા, આપા રતા, આપા ગીગા, લક્ષમણ ભગત, શ્રી શામજી ભગત અને બીજા અનેક સામેલ છે.
ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાધર્મના મુળભુત પાયાના સિધ્ધાંતોને પોતાના ૨૪ ફરમાનમાં વણી લીધા છે. તેઓ પોતાના સમાધી લેવાના સમયે પોતાના ભક્તો માટે ૨૪ ફરમાનો આપીને ગયા છે. છેલ્લા ૬૦૦ વર્ષમાં મહાધર્મનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત બંગાળ અને હમણા હમણાં ગોવામાં જોરશોરથી મહાધર્મના ભક્તો વધી રહ્યા છે. છેલ્લા ૮૦ વર્ષમાં ભારતની સીમાઓની બહાર પણ મહાધર્મ પહોચી રહ્યો છે જેમકે સાઉથ આફ્રીકા અને ૬૦ના દાયકામાં યુનાઈટેડ કીંગડમમામ પણ ગુજરાતી લોકોની સાથે સાથે મહાધર્મનો પણ ફેલાવો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં મહાધર્મ યુ.એસ.એ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં પણ ફેલાઈ રહ્યો છે.
તેઓ કે જે રામદેવપીરજીના ભક્તો છે અને મહાધર્મનુ પાલન કરે છે, તેઓ, મારા માનવા મુજબ સચ્ચાઈના સાચા માર્ગ પર પ્રભુને પામવાની અને નિર્વાણને મેળવવાના પોતાના આગવા માર્ગ પર ગતી કરી રહ્યા છે.