રાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે.
કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ દેવાલયનો મુખમંડપ નાશ પામ્યો છે. તેના પાંચસ્તરીય શિખરમાં કલાત્મક ચંદ્રશાળાઓનાં અલંકરણ છે અને ઉપર આમળાના આકારનું આમલક આવેલું છે. ગર્ભગૃહનું તલમાન ત્રિરથ પ્રકારનું છે જ્યારે તેના કલાત્મક ત્રિશાખ બારસાંખે લલાટબિંબમાં ગણેશ અને નીચે ગંગા-યમુનાનાં શિલ્પ આવેલાં છે.
ગર્ભદ્વારની ઊપર શિખરના પ્રથમ સ્તરે વચ્ચે આવેલી અર્ધપદ્મની આકૃત્તિ ધ્યાનાકર્ષક છે.
♢ બરડો ને બારાડી ♢
ગુજરાતનાં પ્રાચીનતમ સ્થાપત્યો માટે સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં બરડો ને બારાડી (પોરબંદર વિસ્તાર) જાણીતાં છે.
રાણપરની બૌદ્ધ ગુફાઓ , ઘૂમલીના બૌદ્ધ વિહારના અવશેષો , ઢાંકની જૈન/બૌદ્ધ ગુફાઓ અને મોખાણાની સનાતની ગુફાઓનો ક્ષત્રપકાલીન ભવ્ય વારસો બરડો અને તેના જ અંશ એવા આલેચની ડુંગરમાળ સાંચવીને બેઠાં છે.
ગોપ ડુંગરની તળેટીમાં ગોપપુત્રી વર્તુના કિનારે આવેલું ગુજરાતનું પ્રાચીનતમ દેવાલય , વેણુ ડુંગરની ધારમાં આવેલાં સોનકંસારીનાં દેવાલયો , મેવાસાનું છેલેશ્વર , કાલાવડનું કોટેશ્વર , પાછતરનું ભીમનાથ ને સદેવંત સાવળીંગા , બિલગંગા તટે બિલનાથ , રાણાવાવના જરડેશ્વર , વર્તુ કાંઠે ફટાણાના ઝાલેશ્વર , શ્રીનગરનાં માતૃકા, સૂર્ય, વિંધ્યવાસિની અને શિવનાં દેવાલયો , છાંયાનાં અંજની માતા અને ધીંગેશ્વર , બોરીચાનાં માતૃકા અને શિવનાં દેવાલયો ને સૂર્યકુંડ , કાટવાણા ને દેગામ નાં દેવાલયો , કુશસ્થલી કહેવાતું કુછડીનો દેવાલય સમુહ , વિસાવાડાનું શંખદેરું ને રાંદલ મંદિર , ઓડદર, જમળા અને બોખીરાનાં દેવાલયો , વર્તુના સાગરસંગમે મિયાણી-ગાંધવી અને ભાવપરાનાં દેવાલયો , ઢાંકની વાવો અને સૂર્યમંદિર , સૂર્યપુત્ર શનીદેવની જન્મસ્થલી એવા હાથલાનું દેવાલય જેવાં સ્થળો મૈત્રકોની (468 – 788 ઈ.સ.) મહાગાથા કહે છે.
ઘૂમલીનાં સોનકંસારી, ભૃગુકુંડ અને ગણેશમંદિર , પાછતરનું પંચાયતન , ભવનેશ્વરનું નદીકિનારાનું દેવાલય , બિલેશ્વર , છાંયાનું ચાડેશ્વર , ઓડદરનું વિષ્ણુ મંદિર , નંદેશ્વરનો મંદિર સમુહ ને વાવ , મિયાણીનાં દેવાલયો અને ફોટોમાં દેખાતું સાંકળોજા તળાવ ને દેવાલય સૈંધવોનાં (735 – 920 ઈ.સ.) સંભારણાં છે.
ઘૂમલીનો નવલખો ને શૈલેશ્વર , વાછોડાનું તોરણયુક્ત શિવાલય , ઘૂમલીની જેતા અને રાણી , મોખાણાની વિકીયા , બખરલા, કેશવ, વિસાવાડા ને નાગકાની વાવો , વિસાવાડાનું પંચાયતન અને ત્રયાયતન , કાંટેલાનો રેવતી કુંડ અને દેવાલય , મિયાણીનું નીલકંઠ મહાદેવ ને જૈન મંદિર અને હર્ષદમાં કોયલા ડુંગર પરનું દેવાલય એ જેઠવાકાલીન કલાના અપ્રતિમ નમૂના છે.
-ફેસબુક મિત્ર (દશરથ વરોતરિયા) ની પ્રોફાઈલ પરથી