સૌરાષ્ટ્ર (અથવા સોરઠ, કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ:
હાલમાં સૌરાષ્ટ્રનું સાત જિલ્લાઓમાં વિભાજન થયેલું છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનો કેટલોક ભાગ પણ આ વિસ્તારમાં ગણાય છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ નવા ચાર જીલ્લાઓ બનાવવાની ઘોષણા કરી હતી જે હાલ કાર્યરત થઇ ગયા છે
દેવભૂમિ દ્વારકા, મોરબી, બોટાદ, ગીર સોમનાથ
ઇતિહાસ:
છેક મહાભારત અને વેદિક કાળથી વખતો વખત સૌરાષ્ટ્ર અને અન્ય નામે ઓળખાતો રહેલો આ પ્રદેશનો ઈસાની પ્રથમ સદીમાં Periplus of the Erythraean Seaમાં સૌરાષ્ટ્રીન કે સારાઓસ્ટસ તરીકે ઉલ્લેખ છે :
સોરઠ:
લાંબા સમયના અવકાશ સુધી સોરઠ નામ માત્ર એક સિમિત વિસ્તાર અને પછીથી મુસ્લિમ શાસિત જુનાગઢ રાજ્યને અપાયું હતું. બ્રિટિશ રાજનાં સમયમાં જુનાગઢ અને તેની આસપાસનાં રજવાડાંઓની દેખરેખ Western India States Agency (WISA) હેઠળ હતી. ૧૯૪૭માં, જુનાગઢનાં મુસ્લિમ શાસકે આ વિસ્તારને પાકિસ્તાનમાં ભેળવવા તૈયારી કરી હતી. પરંતુ પ્રજાએ વિરોધ કરી આરઝી હકૂમત સ્થાપી અને શાસકે કરાચી ઉડી જવું પડ્યું. અંતે આ વિસ્તાર ભારતમાં ભળ્યો.
સૌરાષ્ટ્ર સંત અને શૂરાઓની ભૂમિ મનાય છે. કેટલાયે પ્રસિદ્ધ સંત અને અધ્યાત્મિક મહાપુરુષોની આ જન્મભૂમિ, કર્મભૂમિ છે.
સૌરાષ્ટ્ર રાજ્ય:
૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જુનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ‘સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્થાનિક રજવાડાં અને સુબાઓ (જે કુલ મળીને ૨૨૨ હતા)ને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે, ભાવનગર/ગોહિલવાડ રાજ્યના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું, અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ઉચ્છરંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭) સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેઓ પછીથી ૧૯૫૫ થી ૧૯૫૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ બનેલા. તે પછી ૧૯ ડિસેમ્બર ૧૯૫૪માં રસિકલાલ પરીખે આ પદ સંભાળેલું.
૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જુનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ હાલ ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.
- સૌરાષ્ટ્ર ને સમજો
- સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
- સૌરાષ્ટ્રની મુખ્ય સાત નદીઓ
- સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો
- સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો