સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર
હનુમાન મંદિર, સાળંગપુર
કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.
આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે. પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના મંદિરમાં નિત્ય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજુ કરવાથી દુખી જીવોને પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠપૂજા દ્વારા સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર થાય છે.
કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડ જળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.
દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યોની વાચા આપીને યથાયોગ્ય મુક્તિ આપે છે. દાદાના શરણે આવનાર હરકોઈ જીવ સદગતિ પામે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિથી છુટકારી મેળવે છે. આ મંદિરમાં શ્રીજીની પ્રસાદીનું ગાંડુ-પલંગ-બાજોટ છે જેની નીચે વળગાડવાળાને બેસાડવાથી ભૂત-પ્રેત બળે છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જવા માટે તત્પર થઈ જાય છે. આ મંદિરના ગંગાજળિયા કૂવાનાં જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું તેમજ જળપાન કર્યું હતું.
આ જ કુવામાંના જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંના નારાયણકુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો-ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય-પશુ-પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂતપ્રેતને આ નારાયણકુંડના ખારામાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેની સદગતિ થાય છે.
વર્ષે 2 કરોડથી પણ વધુ દર્શાનાર્થીઓ!
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ) હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે.
શ્રી કષ્ટભંજનદેવ મંદિરનો દિવસ સવારે સાડા પાંચે મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ સાડા છથી સાત બાળભોગ, સાડા દસથી અગિયાર રાજભોગ થાય છે. બપોરે 12થી 3 દર્શન બંધ રહે છે. સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગ્યે શયન થાય છે. આ પવિત્ર ધામનું સંચાલન વડતાલ-સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે. મંદિરના કોઠારીસ્વામીની નિમણૂક આ બોર્ડે જ કરી છે.
હાલમાં આ મંદિરના કોઠોરી સ્વામી તરીકે શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશસ્વામી કાર્યરત છે. મંદિરના સંચાલનમાં ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામદાસજી તથા સ્વામીશ્રી વલ્લભદાસજી, શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી, સ્વામી માધવપ્રસાદદાસજી, સ્વામી ધર્મપ્રસાદાસજી, પૂજ્ય બાલસ્વરુપદાસજી સ્વામી, રમેશ ભગત જેવા સંતો પાર્ષદો અને કર્મચારીઓ પણ કાર્યરત છે.
શ્રી કષ્ટભંજનદેવ મંદિર સર્વ સુખોનું ધામ
દુનિયાની તમામ વ્યક્તિઓ સુખી રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના, પરંતુ કર્મવશાત કોઈ દુખ આવી પડે તો ભૂવા-તાંત્રિક, શુદ્ધ દેવ-દેવીના ચરણોમાં ન જશો અને સર્વ સુખોના ધામ સમા શ્રી કષ્ટભંજન દેવના શરણે પધારજો. દાદા સર્વપ્રકારે તમને સુખિયા કરશે. – શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી
ફેસબુક પેજ: Shree-Kashtabhanjan-Dev-Salangpur