“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?”
રાજકોટની બજાર વચ્ચે સ્વામી ધર્મજીવનદાસજી, કવિના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મરકમરક હસવા લાગ્યા.” નવી પેઢીનું ઘડતર કરવું તે સાધુ-સંતોનું પરમ કર્તવ્ય છે. આપે મંદિરોના જીર્ણોદ્ધાર તો ખૂબ જ કર્યાં, હવે ચૈતન્ય મંદિરોનું કાંઈક કરીએ તો…..”
“સમાજનાં ઘડતર માટે જેટલું સંતોનું કર્તવ્ય છે એનાથી સહેજ પણ ઓછું કર્તવ્ય કવિનું નથી. કવિ સ્વપ્નદ્રષ્ટા છે. આર્ષદ્રષ્ટા છે.” સ્વામી બોલ્યા.
જનકલ્યાણનો એક મંગળ સંદેશ લઈને હિમાલયની યાત્રાએથી સ્વામી ધર્મજીવનદાસજી વિહાર કરતાં કરતાં પાછા ફર્યા.ત્યાં રાજકોટમાં આ કવિશ્રીનો ભેટો થઇ ગયો.
અમરેલી પાસેના તરવડા ગામમાં પધારેલાં સ્વામી બાલમુકુંદદાસજી પાસે બાર વરસના નાનકડા છોકરાએ વિનંતી કરી હતી: ‘સ્વામી મને કંઠી બાંધોને!” ભુરાભાઈ લાખાણીના આ દીકરાની શ્રદ્ધા જોઈ સ્વામી રાજી થયા હતા. નેત્રોમાં ઊભરાતી તેજસ્વિતા જોઈ તેણે કંઠી બાંધી હતી. કિશોર અવસ્થામાં વૈરાગ્યના અંકુર ફૂટવા લાગ્યા હતા. સંસાર છોડી સાધુ થવાની તીવ્ર ઝંખના, વારંવાર ઘર છોડીને ભાગી જવું ને છેવટે ત્યાગીની દીક્ષા લેવી. આ એવો જ સમય સામે આવીને ઊભો રહ્યો હતો. તેથી જુનાગઢ મંદિરના મહંતપદેથી નિવૃત્તિ લઇને હિમાલયની પુનિતયાત્રાએ ઊપડી ગયા હતા.
સાધુ-સંતોના પ્રેરણાસ્રોત સમા નગાધિરાજ હિમાલયનાં દર્શન કર્યાં હતાં. મનને શાતા વળી હતી. કાંઈક કરી છૂટવાની ભાવના વધુ પ્રજજ્વલિત થઇ હતી. ભગવાન સ્વામીનારાયણના સિદ્ધાંતોમાં નિષ્ક્રિય બેસી રહેવા કરતાં નિષ્કામ સેવાપ્રવૃત્તિ કરવી એ શ્રેષ્ઠ માર્ગ છે. બસ… ત્યાંથી જ સ્વામીના મનમાં પ્રાચીન ગુરુકુળોની ભવ્ય પરંપરા મનમાં વસી ગઈ હતી. તેમાં આ કવિરાજનો ભેટો થઇ ગયો.
“કવિરાજ! હિમાલયમાંથી આ સંકલ્પ લઈને નીકળ્યો છું. સલાહ દેનારા ઘણાં મળે છે પણ સાથ દેનારા ભાગ્યે જ મળે છે. એક તમે મળ્યા.”
પ્રાચીનકાળમાં ગુરુકુળની વ્યવસ્થા ઘણી ઉત્તમ હતી. ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું તેમાં પ્રતિબિંબ ઝીલાતું હતું. પણ આજના સમયમાં તેને સાકાર કેમ કરવી? આ મોટો સવાલ હતો.
સ્વામી ધર્મજીવનદાસજી ધનનો સંગ્રહ કરવામાં માનતા નહોતા. વળી આજીવન ટેક લીધી હતી કે ક્યારેય ફંડફાળા કરવા નહીં. છતાંય નવતર ચીલો પાડી, સામા ચઢાણ ચઢવા હતાં. સ્વામી કહે, ”આમ હું બાવો ને ત્રિભોવનભાઈ બ્રાહ્મણ. ઓછામાં પૂરું હોય તેમ પાછા કવિ. બન્ને પાસે કાંઈ જ ન મળે. તેમાં આવાં મંડાણ માંડવા કેમ?” આ બાજુ ઊગતી આઝાદી હતી. ઢેબરભાઈ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. દેશી રજવાડાની સોંપણીની કાર્યવાહી ચાલતી હતી.
એક સમયે જાહેર હેતુ અને કેળવણી માટેની ચર્ચા થતી હતી. ત્યાં કોઈ કામ સબબ કવિ ત્રિભોવનદાસ ત્યાં હાજર. તેમણે આખી બાબતને પામી જઈ તરત જ સ્વામીનારાયણ ગુરુકુળ ટ્રસ્ટ વતી દસ હજાર ચોરસવાર જમીનની માંગણી મૂકી દીધી. અરજી સ્વીકારતી વખતે રેવન્યુ અધિકારીએ જે સવાલ કર્યા હતા તેના કવિએ પૂર્તતા સાથેના જવાબો આપ્યા હતા. તે વખતે સ્વામી જુનાગઢમાં હતા. જમીન તો મંજૂર થઇ પણ રેવન્યુ રાહે ભરવાની થતી રકમ કયાંથી ભરવી? પણ કવિના પ્રયાસથી અને ઢેબરભાઈ તથા જેઠાલાલ જોશીના સદભાવથી રૂપિયા પાંચના બદલે વાર જમીન પાવલીના ભાવે મળી. તે રકમ વેરાવળના એક ઘીના વેપારી તરફથી ભરાઈ ગઈ.
વિક્રમ સંવત ૨૦૦૪, વસંતપંચમીના પવિત્ર દિવસે ભાડાના મકાનમાં ગુરુકુળનો પ્રારંભ થયો. ત્યારે વિદ્યાર્થી હતા સાત. ત્યારબાદ મહંત સ્વામી શ્રીકૃષ્ણજીવનદાસજીની ઉપસ્થિતિમાં અને મેંગણીના દરબાર કુંવરશ્રી પ્રદ્યુમ્નસિંહજીના હસ્તે ગુરુકુળના મકાનનું ખાતમુહૂર્ત થયું હતું.
સ્વામીને કોઈએ સત્સંગીનાં જ બાળકો રાખવાનું કહ્યું ત્યારે, “એ કેવી રીતે બને?” સ્વામીએ કહ્યું, ”મારે મન તો સમસ્ત વિશ્વ ઇશ્વરનું સંતાન છે. માટે આ ગુરુકુળમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાં જ બાળકોને પ્રવેશ મળશે.” ગરીબોનાં બાળકોને તક આપવી અને તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શુભ સંસ્કારોનું સિંચન કરવું.
કોઈએ કહ્યું, તમે સાધુ થઇ ગૃહસ્થનાં છોકરાં ભણાવવાની પંચાતમાં ક્યાં પડ્યાં? તો કોઈએ કહ્યું, તમે વિદ્વાન છો તમારે તો પ્રભુની માળા ફેરવવી જોઈએ!
સ્વામીએ કહ્યું: “માળા તો હું ફેરવું જ છું, પણ મારી માળા લાકડાંની નથી, ચૈતન્ય છે. તમારો લાકડાંનો પારો જવાબ ન આપે. પણ મારો આ એક એક પારો તમને જવાબ આપે. સ્વામીનારાયણ, સ્વામીનારાયણ બોલે.” થોડીવાર અટકીને સ્વામી ભાવ અને ભારપૂર્વક બોલ્યાં: “તમારા લાકડાંના પારા જવાબ આપે છે ખરા!?”
આમ સ્વામી ધર્મજીવનદાસજીએ ભારતીય પરંપરાની વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતાં ચૈતન્ય મંદિર, ગુરુકુળ પ્રણાલીના પાયા નાખ્યા હતા.