ઈતિહાસ પાળીયા શૌર્ય કથાઓ

વીર પુરુષ ત્રિકમજી વ્યાસ

Trikamji Vyas no Paliyo Bagthala Gaam

જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર,
પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર…

બગથળા ગામ ના પાદરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે, એવા વીરવર પુરુષ શ્રી ત્રિકમજી દાદા વ્યાસ ને આજે આપણે યાદ કરીએ, વર્ષો પહેલા બહારવટિયા અને લૂંટારુ ઓ દ્વારા ગામ ભાંગવા ના અનેક બનાવો ઇતિહાસ ના પાને ચીતરાયેલ જોવા વાંચવા મળે છે, એવા સમય ની આ વાત છે હાલ મોરબી જિલ્લામાં આવતા બગથળા ગામ ને આંગણે ભવાઇ નો પ્રોગ્રામ રાખવા માં આવેલ અને રાત્રી ના સમયે ધાડપાડુ ઓ ગામ ભાંગવા આવ્યા, એમ કહેવાય કે જામગરી બંધુકો ને જેના ખભે લટકી રહી છે અને તલવાર, ભાલા, બરછી જેવા હથિયાર સાથે ઘોડા છલંગ મારી સીધા જ માણસો ની વચ્ચે તૂટી પડ્યા, ધુબાંગ ધુબાંગ જામગરી બંધુક ફૂટવાના અવાજો થાય છે

Trikamji Vyas Paliyo Bagthala Morbiભવાઇ નો પ્રોગ્રામ હોવાથી આખા ગામની જનમેદની પણ ઉમટી પડેલી, લોકો માં અફરાતફરી અને ભાગા-ભાગી થઇ ગઇ, ભવાઇ કલાકારો ને પણ પોતાના ના ઉતારા માં જતા રહેવા ચેતવણી આપવા માં આવી, આ જ સમયે વીરરસ જેની રગેરગ માં વહેતો હોય અને પોતાના પાત્ર ની મર્યાદા નો ભંગ ન થાય એવા હેતુ થી સર ત્રિકમજી નામના વ્યાસ દ્વારા ધાડપાડુ ઓ ને સાવધાન થઇ જવા ચેતવણી આપવામાં આવે છે.. કે હુ અત્યારે અહીં, રાજા ના પાત્ર માં છું અહીંયા રહેલી અને આ ગામ ની પ્રજા બધી આજે તો મારી રૈયત છે, જ્યાં સુધી મારાં ખોળિયા માં પ્રાણ છે ત્યાં સુધી હું તમને આ બગથળા ગામ ભાંગવા નહીં દવ.

ધાડપાડુઓ ખડખડાટ હસવા મંડ્યા… અને ત્રિકમજી વ્યાસ ની હાંસી ઉડાવી કહ્યું કે હે બ્રાહ્મણ તને તારોં જીવ વ્હાલો હોય તો મેદાન મુકી ભાગી જા એમ રાજા ના કપડાં પહેરી ને કાંઈ રાજા ન થઇ જવાય, ભાગી જ નહીંતર જીવ થી જઈશ, નહિ ભાગીશ તો અમારે તારી જનોઇ ની દયા રાખ્યા વિના તારા ઉપર હાથ ઉપાડવો પડશે.


ત્યારે ત્રિકમજી વ્યાસ શૂરવીરતા ભર્યા અવાજમાં ખોંખારો ખાઈ ને હાકલ કરે છે કે ખરેખર જો તમારા માં મર્દાઇ ભરી હોય તો એક પછી એક મારી સામે આવો આવી જાઓ, મારી રૈયત ની ખાતર આજ જો તમને બધા ને વેતરી નો નાખું તો તો મારું રાજા નું પાત્ર લાજે.

ધાડપાડુઓ ત્રિકમજી વ્યાસ ની વાત ને હળવાશ માં લઇ એક પછી એક એમ ત્રિકમજી વ્યાસ સાથે લડાઈ માં ઉતરે છે જોત જોતામાં તો ત્રિકમજી ના હાથે ચાર ના માથા વઢાઈ જાય છે, એ પછી તો હાહાકાર મચી ગયો અને ધાડપાડુઓના મન માં ફફડાટ પેસી ગયો અને ભય ઉભો થાય છે કે આતો એક પછી એક બધાને વધેરી નાખશે!

બધા ધાડપાડુઓ એક સામટા દગો રચે છે અને ત્રિકમજી વ્યાસ ઉપર એક સાથે તૂટી પડે છે, આ છતાં પણ ધાડપાડુઓના ચાર સાથીદારો નો લોથ વળી જતા જોઈ ગામ ભાંગ્યા વિના જ ચાલતી પકડે છે..

છે ઉજળો ઇતિહાસ ભવાઇ નો, બગથળા રૂડા ગામ,
પાળીયો થઇ પૂજાય વ્યાસ અમારો, ત્રિકમજી રૂડા નામ

અને આમ એક પાત્ર ની મર્યાદા અને તાકાત શું હોય છે રાજા અને પ્રજા વચ્ચે ની પ્રિતી શું હોય છે, યજમાન અને વ્યાસ જ્ઞાતિ નો સબંધ શું હોય છે એનો અદભુત દાખલો આ દુનિયા માં બેસાડી એક ગૌરવ વંતો ઇતિહાસ રચતા ગયા, આજે પણ બગથળા ગામ માં ત્રિકમજી વ્યાસ નો પાળીયો મોજુદ છે અને ઘણા લોકો એની માનતા પણ રાખે છે.

સંકલન: પૈજા તુષારભાઈ (વ્યાસ) ખાખરાળા


બિરદાવલી:
ભવાઇ ભજવતા ભાવ થી, જેના અનેક છે ઇતિહાસ,
ઉજાગર કરવો મારે આજ એક, એમાં નો જ છે ઇતિહાસ,બગથળા ગામ ને પાધરે, ભવાઇ ભક્તિ થાય,
તેદી નાયકો ના ઉર માં આનંદ અતિ ઉભરાય,

વીતી ગયા વરસો જેને સંભારતાં મન હરખાય,
નાયક, ભોજક, વ્યાસ નું ગૌરવ આજ ગણાય

ભક્તિ અને શક્તિ જેની રગે રગ માં જણાય
ત્રિકમજી વ્યાસ ના તેજ તેદી ઝીલ્યા ન ઝીલાય,

આવ્યા બગથળા ગામ ને ભાંગવા બહારવટિયા આઠ દસ
ભવાઇ તણા ચોક માં મહારાજા ની કચેરી અકકડે ઠઠ

હટી જાવ વ્યાસ આજ ગામ ને ભાંગવું અમારે,
બચાવો જીવ તમારો મારવા નહીં જનોઈ ધારી અમારે

ત્રિકમજી પાડે ત્રાડ, છે પાઠ મારો રાજવી તણો
ભાંગવા દઉં જો ગામ ને તો લાજે ઠાઠ રાજવી તણો

મર્દાઇ હોય જો અંગ માં તો એક પછી એક આવો,
મરું પણ મેલું નહીં ઈજ્જત નહીં અમારી માપો,

વીરરસ ના પાઠ માં તેદી તલવાર બાંધેલ જે ભેટ માં,
સમય આવે વાપરી જાણી,પરોવી દુશ્મન ના પેટ માં

એક એક પછી એક એમ ચાર ની ઢાળી લાશો
દુશ્મન તણી ગેંગ હાંફી ફફડાટ ચારેકોર વ્યાપ્યો,

મારવા ત્રિકમ વ્યાસ ને અંજામ દગા માં આપ્યા,
એ ટોળાં તણા તરખાટ માં તેદી પ્રાણ એણે આપ્યા

બચાવ્યું ગામ બગથળા અને લાજ તેદી રાખી
વ્યાસ તણી તેજસ્વીતા, દુશમ્નો એ તેદી દેખી

પાળીયો થઇ પૂજાવું એ કામ નથી કઇ સહેલા ,
ઈજ્જત રાખવા ગામ ની તેદી પ્રાણ દિધાપહેલા,

બગથળા ગામ ને પાધરે બેઠો ત્રિકમ વીર,
નાયક, ભોજક, વ્યાસ નું જેણે વધાર્યું ખમીર,

રચના: રાજેશભાઇ એસ કુકરવાડિયા, ધ્રુવનગર, મોરબી
ત્રિકમજી દાદા નો રાસ:
એવો લડીયો રે ધીંગાણે દાદો આપણો…
હે,,એને વધાર્યું છે કુળ નું બહુમાન રે… ત્રિકમજી દાદાલડીયો રે ધીંગાણે દાદો આપણો,

હે એવા બગથળા ગામ કેરા આંગણે,
વેષ ભવાઇ ના તેદી પાધરે,
હે… ભજવ્યા એણે રાજા કેરા પાઠ રે… ત્રિકમજી દાદા…

લડીયો રે ધીંગાણે દાદો આપણો,

ગામ ભાંગવા ને ડાકુ આવિયા,
દાદા ત્રિકમજી પાસે નવ ફાવિયા,
હે… કર્યાં એને મોત ના મંડાણ રે… ત્રિકમજી દાદા…

લડીયો ધીંગાણે દાદો આપણો,

એને ગામ બગથળા બચાવીયુ,
એને ગૌરવ વ્યાસ નું વધારિયુ,
હે… કર્યું અમર અસાઈત નું નામ રે… ત્રિકમજી દાદા…

લડીયો રે ધીંગાણે દાદો આપણો

દાદા એગૌરવ જ્ઞાતિ નું વધારિયુ
એના ગૌરવ કુળ નું વધારીયુ
હે… રાજેશ ગાય એના ગુણ રે… ત્રિકમજી દાદા…

લડીયો રે ધીંગાણે દાદો આપણો

રચના: રાજેશભાઇ એસ કુકરવાડિયા, ધ્રુવનગર, મોરબી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators