ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે,
નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે ,
ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,
ગીરના સાવજો ત્રાડ જ્યાં નાખતા, નીરખતા કંઈકના ગાત્ર છૂટે,
ખાબકે તે જ સાવજ પરે ભય તજી, મરદ કૈક પાકતા માત કુખે ,
મોત મુઠ્ઠીમાં લઇ બીક ફેંકી દઈ, બંધનો ગરીબના વીર તોડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,
હાથણી જેવી ભગર ભેસો જ્યાં, માણકી ઘોડી અવર નાચે ,
મોંઘી મહેમાની જ્યાં અવરથી ઉજળી,શિર સમરથી ઉર રાચે ,
ગીરની ઝાડીમાં સિંહ ગાજે જ્યાં, લીલી નાઘેરમાં મોર નાચે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,
રંગબેરંગી જ્યાં પંખી બોલતા, સુણતા ગાન શિર પ્રભુચરણ ઝુકે,
પડછંદ પંડધારી જ્યાં માનવી દીપતા, પહેરી શિર પાઘડી આંટી પાડે,
ખાચરો ખુમાણો વાત વાળા તણી,ક્ષત્રીય વટ વાત ઇતિહાસની પડે ,
તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે,
– દેવશંકર દવે