ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઈ લીરબાઈ માં

Aai Shri Leer Bai
લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ)

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ)

જન્મ:
સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.

ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ બહારવટિયા નાથા મોઢવાડિયાને કારણે જેટલું પ્રખ્યાત છે એટલું જ જાણીતું છે મેર જ્ઞાતિના તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું નામ લખીબાઈ હતું. આમ તો તે સમયે પરબધામ– તા.ભેસાણની જગ્યાને ચેતાવનાર સંતશ્રી દેવીદાસે મોઢવાડાનાં મેર જ્ઞાતિના જીવણાને કંઠી બાંધી અને તેમાંથી સંત જીવણદાસ થયા. પોતાના ગુરૂની આજ્ઞા મળતા જીવણદાસે બરડા પંથકને ચેતાવ્યું. આયરાણી સોનબાઈ જીવણદાસની વાણી ઉપર વારી ગયા અને તેમની સાથે ઘરસંસાર માંડયો. જેથી ધર્મપારાયણ એવા સોનબાઈને પણ સંતશ્રી દેવીદાસે કંઠી બંધીને પોતાના શિષ્યા બનાવ્યા હતા. જેથી જીવણદાસ-સોનબાઈની જોડીએ બરડા પંથકમાં ભક્તિનો પ્રકાશ રેલાવ્યો હતો. આવા સંત-સમાગમથી અને તે દંપંતિના સંપર્કથી લીરબાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. લીરબાઈનાં માતા-પિતા પોતાની પુત્રીને પવિત્ર અવતાર માનતા. લીરબાઈ યુવાન અવસ્થાએ પણ ભક્તિમાં રંગાઈને ગાતા કે, મારી આંખ્યુના તેજ ઉઘડિયા, મુંને દેખતી કીધી દેવીદાસ, સામૈયા કરૂં સંતના.

વિવાહ:
લીરબાઈતો ઘરમાં માતાને મદદ કરતા અને ધીરે ધીરે તેઓની ઉંમર પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ હતી. જેથી કોઈ પણ માતા-પિતાની ઈચ્છા હોય કે ઉંમર થતા દિકરીના લગ્ન કોઈ સારો યુવક મળતા કરી નાખવા. તેવીજ રીતે લુણો અને લાખીબાઈએ પોતાની દિકરી લીરબાઈના લગ્ન મોઢવાડા ગામની બાજુમાં જ આવેલા કેશવ ગામનાં વજસી મેર સાથે કરી નાખ્યા. શરૂઆતનાં થોડા જ દિવસોમાં લીરબાઈને પોતાના પતિ અને સાસરિયા સાથે અણબનાવ બનવા લાગ્યા, કારણકે પોતાના પિયર કરતા સાસરિયું સાવ નોખી ભાતનું હતું. એટલે લીરબાઈને ત્યાં ઓછું ફાવતુ હતું. પતિ વજસીને તે અવાર નવાર સમજાવતા કે, મેર, રેવા દયો. મનખા અવતાર વારંવાર નથી મળતો. માટે સુકૃત કરી લ્યો. લીરબાઈની આવી વાત સાંભળીને સામે વજસી જવાબ આપતો કે, ભગતડી, તારા ભરમજ્ઞાન મેલીને ચુપચાપ બેસી જા. મારા ઘરમાં રહેવુ હશે તો હું કહું ઈમ કરવુ પડશે. આવી વડછડ લીરબાઈને વજસી સાથે થયા જ કરતી. એકવાર સંઘર્ષે ઉગ્ર સ્વરૂપ લીધુ. આથી કંટાળીને લીરબાઈ પણ ગળે આવી ગયા હતા. છેવટે લીરબાઈ પતિગૃહ છોડી મોઢવાડા આવી ગયા. વજસીએ પણ આવુ થયુ છતા કાંઈ ન બોલ્યા.


દિક્ષા ગ્રહણ:
લીરબાઈતો પોતાના પતિ અને સાસરિયા સાથે મનદુઃખ થતા પોતાના પિયરમાં આવીને રહેતા અને ઘરના તમામ કામ કરતા હતા. પોતાનામાં નાનપણથી ભક્તિનાં સંસ્કાર તો હતા જ, જેથી સમય મળે એટલે જીવણદાસ અને સોનબાઈની મઢીએ આવીને નાના મોટા કામ કરતા અને સંતબેલડીની સેવામાં સમય પસાર કરતા હતા. સમય થતા થતા એક દિવસ લીરબાઈએ પોતાને દીક્ષા આપવા જીવણદાસને વિનંતી કરી. એ જ ટાણે જીવણદાસ અને સોનલબાઈએ લીરબાઈને કંઠી બાંધીને દીક્ષા આપી. આથી સંતજીવનમાં લીરબાઈનો વિધિવત પ્રવેશ થયો.

મોઢવાડામાં લીરબાઈએ ભગતની દીક્ષા ગ્રહણ કરી છે એ સમાચાર કેશવ ગામમાં પોતાના પતિ વજસીને મળ્યા. થોડા દિવસોમાં જ વજસી ઘોડે ચડીને મોઢવાડા આવે છે. વજસીએ આવતાની સાથે જ લીરબાઈને પોતાના ગુરૂની મઢીના પાણી ભરતા જોયા. જેથી તે કાળજાળ થઈ ઊઠયો. જેથી વજસીએ નક્કી કર્યુ કે આજે તો મઢીના બાવા-બાવીને અને મેરાણીને મારી-મારીને લોથ કરી નાખવા. લીરબાઈ પાણી ભરી સોનબાઈને પગે લાગ્યા ત્યારે જ સોનબાઈએ લીરબાઈને પુછ્યુ કે, ” બેટા દીકરી, વજસી વારેઘડીયે તારા માવતરને કનેડે છે અને તને કેશવ જવાનુ મન નથી થાતુ ? ” આ સાંભળીને લીરબાઈએ કહ્યુ કે, ” માતાજી, મારા સંસારનો સાચો ધણી તો વજસી જ છે. બીજા કોઈને હું મેરાણી ઊઠીને ન ધારૂ. પણ ઈ ઠેકાણે આવ્યા પહેલા કેવી રીતે કેશવ જઈશ.” તે જ સમયે મઢીની પાછળ ઘોડા ઉપર બેઠેલા વજસીએ આ વાર્તાલાપ કાનોકાન સાંભળ્યો. જેથી તેનો અંતરનો મેલ ઓગળી ગયો અને તરત જ ઘોડેથી નીચે ઉતરી મઢીમાં દાખલ થયો. તે સમયે વજસીને દેખીને મઢીમાં બેઠેલા લોકોના મનમાં ફફડાટ ઉપડયો કે હમણાં જ આ લીરબાઈ પર તુટી પડશે !

પણ સૌના આશ્ચર્ય વચ્ચે જેમ લાકડી પડે તેમ વજસી જીવણદાસ અને સોનબાઈના પગમાં પડી ગયો. લીરબાઈને કહે, “મેરાણી ! મને માફ કરો. આજ સુધી મેં તને ઓળખી નહીં.” તે સમયે વજસીની બન્ને આંખમાંથી પશ્ચાતાપ વહી રહ્યો હતો. જીવણદાસ અને સોનબાઈએ વજસી-લીરબાઈને સુખી માંગલ્યના આશિર્વાદ આપ્યા. લીરબાઈ પોતાના ગુરૂ અને માતા-પિતાને પગે લાગીને પતિગૃહે વજસી સાથે કેશવ આવ્યા.

સદાવ્રત:
વજસીએ પોતાના જીવનમાં કંકાસને ખતમ કરીને લીરબાઈ સાથે કેશવ આવ્યા. હવે તો વજસીએ પણ તુલસીની માળા પહેરી લીધી હતી અને લીરબાઈ સાથે ભેગા મળીને સદાવ્રત બાંધ્યું અને માથાભારે મેર વજસીમાંથી વજસીભગતનો જન્મ થયો. પ્રભુભજનમાં સમય પસાર કરતા કરતા લીરબાઈની કુખે ત્રણ સંતાનો થયા હતા. જેમાં પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુતીબાઈ નામે દીકરી. લીરબાઈએ સત્સંગ સાથે સમાજસુધારણાનું કામ પણ ઉપાડ્યુ હતું. પાલખડા ગામના બ્રાહ્મણોને કેશવ ગામનો અપૈયો હતો. તેના માટે લીરબાઈએ પાલખડા ગામને ધુમાડાબંધ જમાડી અપૈયો ભગાવ્યો હતો. કેશવ ગામનાં લોકોને એક પંગતે બેસાડી નાત-જાતનાં ભેદને દુર કર્યા. બગવદર,સોઢાણા અને અડવાણા જેવા ફરતાય ગામોમાં લીરબાઈમી ખ્યાતી ખુબજ બંધાઈ ગઈ હતી. તેમનો રોટલો (સદાવ્રત) ઠેઠ દ્વારકા સુધી વખણાયો હતો. વજસીભગત અને લીરબાઈએ દ્વારકા,જુનાગઢ,પ્રભાત,માધવપુર,માંગરોળ અને પરબધામ-તા.ભેસાણ જેવા સ્થળોએ જાત્રા પણ જુવારી હતી. આમ સદાવ્રતની સાથે સાથે લીરબાઈએ પોતાની સીધી સાદી વાણીમાં સમાજદર્શન અને જીવનનો અનુભવ ભજનવાણીમાં બતાવ્યો છે.

જીવતા સમાધી:
લીરબાઈ પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે ઘણાબધા આગળ હતા. તેમણે ઘર્મનું સારી રીતે પાલન થાય તે માટે પોતાના ભકતગણ માટે કેટલીક આચારસંહિતા ઘડી હતી. જેમાં નાતજાતનાં ભેદભાવ ભુલી જઈને માનવસેવા કરવી. નાના મોટા સૌને સરખું માન આપવું. ગૃહસ્થાશ્રમ છોડવો નહી, પણ દીપાવવો અને રોજ પ્રભુભજન સાથે ગરીબ, માંદા તથા પશુપંખીની સેવા કરવી. લીરબાઈના અનુયાયીઓ ગળામાં સફેદ ઝીણા મોતીની માળા પહેરે છે. જે ખાસ કરીને મેર ભાઈઓમાં આ પ્રણાલિ પ્રચલિત છે. લીરબાઈ ઉપર મુજબનાં તમામ નિયમોનું પાલન ખુદ પોતે કરતા હતા. આમ લીરબાઈએ પોતાનું જીવન સદાવ્રત, સમાજસુધારણા, પ્રભુભક્તિ અને ભજનો રચીને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

સમય થતા લીરબાઈએ પોતાના ભકતગણને બોલાવીને રાણાવાવ તાલુકાનાં રાણાકંડોરણા ગામે જીવતા સમાધિ લીધી હતી. તે ગામમાં પ્રવેશતા જ તેમનું સમાધીમંદીર આવેલુ છે. અષાઢ સુદ બીજે તે સ્થાનકમાં મેળો ભરાય છે. તે દિવસે લીરબાઈનાં અનુયાયીઓ તેમની સમાધીનું પુજન કરે છે. લીરબાઈએ પોતે સ્થાપેલા સ્થાનકો કેશવ,મોઢવાડા,ગોસા,રાણાકંડોરણા,કોઠડી અને સીસલી ગામે છે. મોઢવાડા અને કેશવ ગામમાં લીરબાઈની પુરા કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. મોઢવાડાનાં આશ્રમમાં સોનબાઈની પ્રતિમા પણ આવેલી છે. રાણાકંડોરણાના સ્થાનકની જગ્યા રાણા ભોજરાજજીએ લીરબાઈને ભેટ આપી હતી તેવુ ઇતિહાસકારો નોંધે છે.

લીરબાઈનાં પુંજો અને પાતો એમ દીકરા હતા જેમાં પુંજાનાં વંશજો કેશવ અને રાણાકંડોરણામાં અને પાતાનાં વંશજો કેશવ ગામમાં નિવાસ કરે છે. લીરબાઈ ઉપરાંત તેમના પતિ વજસીભગત અને પુત્ર પુંજાભગતે સમયાંતરે સમાધી લીધી હતી. વજસીભગત અને લીરબાઈનો પરિવાર કેશવ ગામનાં કેશવાળા મેર કહેવાય છે. લીરબાઈની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators