દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી નાખ્યું કે, કુતાણા ગામના વીછિયા ભાઈઓનાં મોં પરથી નૂર ઊડી ગયું!
જેતપુર દરબાર એભલવાળો અને કુતાણા ગામના કાઠી ભીખાભાઈ અને સુખાભાઈ બેઠા છે. એકબીજા વચ્ચે મીઠી બોલીના લબરકા લેવાય છે. તેમ દરબાર એભલવાળાને સાંભરી આવ્યું હોય તેમ બોલ્યા:
‘ભણ્યું ભીખાભાઈ! એમને તો લગ્ન માણવાનું મન થયું છે, તમે કે દી જાન જોડવાના છો!?’
અને હાંઉ, બેઉ ભાઈઓના ચહેરા પરથી નૂર ઊડી ગયું. પણ સુખાભાઈ ચાલાક તે, વાતને મધના કોગળાની જેમ ગળી જઇને, હસતાં મોએ જવાબ વાળ્યો: ‘સમય આવ્યે થઇ રે’શે બાપુ!’
સમય પાણીના રેલાની જેમ વહ્યો જાય છે. આ વાતને માંડ થોડાંક દિવસો થયા હશે ત્યાં ફરી વખત દરબાર એભલવાળાએ વાતને ઉચ્ચારી: ‘હેં ભીખાભાઈ! હું લગ્નની વાત કરું છું ને તમે બેય વાતને કેમ ગળી જાવ છો!? નક્કી વાતમાં કાં’ક ભેદ છે!’
બેઉ ભાઈઓમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. મૂંગા મોએ એકબીજા સામું જોતાં રહ્યાં.
પણ બન્યું એવું હતું કે….કુતાણાના કાઠી ભગવાન વીંછિયાનો દેહ પથારીમાં પડ્યો હતો.. લાંબા લાંબા શ્વાસ ઘૂંટાઈ રહ્યા હતા.આંખો ઘડીક બંધ થાયને પછી ઉઘડે છે પણ પંડ્યમાંથી પ્રાણ વછૂટતો નહોતો.
કળશી કુટુંબ માથે સંકટ તોળાઈ રહ્યું હતું. કાઠી કંઈક કહેવા માગે છે પણ કહી શકતા નહોતા.
બાપુની મૂંઝવણ સુખાભાઈ પામી ગયા હતા. તેથી તેમણે કહ્યું: ‘બાપુ..! કાંઇ ભલામણ કરવાની હોય તો ક્યો…’
બુઝાતો દીવડો બમણાં તેજે પ્રકાશે એમ કાઠી ભગવાન વીંછિયાનું મોં પ્રકાશી ઊઠ્યું હતું. મોં પર ઓજસ્વી આભા ફરી વળી હતી. ભીડાઈ ગયેલી હડપચી હલબલી, મોં પહોળું થયું ને તેમાંથી તૂટક તૂટક શબ્દો પ્રગટવા લાગ્યા હતા.
‘ભાઈ, તે દી જેતપુરથી જાન આવીતી …’
‘હેં..!’ બેઉ ભાઈઓએ પિતાજીના મોં પાસે જઇ કાન માંડ્યા.
‘બેનને કરિયાવર કરવા બગસરાના વેપારી પાંહેથી રૂપિયા બે હજાર લીધા’તાં…’
સુખાભાઈ અને ભીખાભાઈ બેઉ ભાઈઓએ એકબીજા સામે જોયું અને વાત સ્વીકારી લેવાની મૂક સંમતિ આપી હતી.
‘ચૂકવવાના બાકી છે તે, મારો જીવ અકળાય છે…’
‘ઇં અમે ચૂકવી દેશું બાપુ, ચિંતા નો કરો!’ બેઉ ભાઈ એક સાથે બોલ્યા.
‘એમ નઈ મને વેણ આપો..’ બાપુએ ભારપૂર્વક કહ્યું.
‘બાપુ ! અમારું વચન છે કે, જ્યાં લગી બગસરાના વેપારીના રૂપિયા ચુકતે નહિ થાય ત્યાં લગી અમે લગ્ન નહિ કરીએ !’
બ..બાપના…બોલે…!’
‘બાપના બોલે, અમારા પર ભરોસો રાખો ને જીવની સદગતિ કરો..’
અને થોડીવારમાં જ કાઠી ભગવાન વીંછિયાનો પ્રાણ તેના ખોળિયાને છોડી પરભવના પંથે હાલી નીકળ્યો હતો. હવે આ દેણું ચુકતે ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ ક્યાંથી આવે!?
આ બાજુ દરબાર એભલવાળાએ જાણે રીતસરનો હઠાગ્રહ જ કર્યો!
ભીખાભાઈએ કહ્યું: ‘ભા! વાત તો કરું પણ…’
‘પણ શું, બોલો ભીખાભાઈ! હું તમારો સગો ખરો કે નહિં!?’ દરબાર ભાર દઈને બોલ્યા.
નછૂટકે ભીખાભાઈએ બાપુની અંતિમવેળાએ બનેલી હકીકત કહી સંભાળવી અને પછી માથે ઉમેર્યું ને કહ્યું: ‘લ્યો ભા, આમ છે બીના!?’
દરબારે સહેજ ત્રાંસી અને રમતિયાળ આંખે બેઉ ભાઈઓ સામે જોયું અને કહ્યું: ‘તમારા સગાં છીએ તે તમારાં દેણા પણ અમારે ચૂકવવાના!?’ હળવું હસીને પછી કામદારને સાદ કર્યો: ‘ કામદાર!’
કામદાર ઉતાવળા પગલે દીવાનખંડમાં આવ્યા અને રામ..રામ..કહીને પૂછ્યું: ‘બાપુ, મને યાદ કર્યો…!?’
‘કામદાર ! તમે રૂપિયા દસ હજાર લઈને આ ભાઈઓ સાથે બગસરા જાવ અને ત્યાનાં વેપારીનું દેણું ચુકતે કરી આવો.’
‘ભલે બાપુ..’ કહી કામદાર પારોઠ ફર્યા ત્યાં દરબાર કહે, ‘કામદાર! થોડીક ઉતાવળ રાખજો. મારે હજુ કામના પાર નથી. આ બેય ભાઇઓનાં સગપણ કરવા, જાન જોડવી…આ કાંઈ ઓછા કામ છે!!?’
ત્રણેય એકબીજા સામે જોઈ મર્માળુ હસવા લાગ્યા.
સ્ટુડિયો સંગીતાના સૌજન્ય થી સાંભળો:
વીર એભલ વાળા ની શૌર્યકથા
ભીખુદાનભાઈ ગઢવીના અવાજમાં