(છંદ ગીયામાલતી)
ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ
ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી
વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
ધન્ય ભોમ ભારતવર્ષ આખા જગતની શીરમોર છે
શુરવિર સંતો થયાં દાની જબર એનું જોર છે
જ્યાં શિવ સાથે જીવ ના જોડાણ નાં સંઘર્ષ
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
છે પુષ્ય ભોમ પ્રસિદ્ધ જેના નિવાસી આર્ય છે
વિધા કલા કૌશલ્ય તણા એ અનાદી આચાર્ય છે
સુશ્રુત પરાશર વસિષ્ઠ વિશ્વામિત્ર જગઆદર્શ છે
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
જ્યાં હજી કો’ દેવકી કુખે ક્રિષ્નનાં પડછંદ છે
ખોળો યુવાન કો’ક તો દેખાય દશરથ નંદ છે
અને હજુંકો’ મુદમાત યોગી શિવતણો સમદર્શ છે
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
સહચારણી સ્વામીતણી જ્યાં સિતાસાવિત્રી વળી
અને કોઈ વિમળ નિર ગંગા કોઈ ગિતા સમ મળી
અને કોઈ જાહર જોગણી પ્રચંડ જેનો સ્પર્શ છે
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
કવિ પાર્થ વંકા વિર ભડ જ્યાં દહિવાણો ડણકતા
રણ ગડડ નોબત નાદ ઘેરાં ખણણ ખાંડા ખણકતા
ધન્ય ધર્મ માટે પ્રાણ તન્યા મુખમંડળે અતી હર્ષ છે
જંબુય દ્વિપે જગત પાવન ભોમ ભારત વર્ષ છે.
– કવિ પાર્થ હરિયાણી (કવિ મધુપ)