પરિયચ:
ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ તેઓ જૂનાગઢ ખાતે રહે છે.
ભીખુદાન ગઢવી જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરા કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
સન્માન:
ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગતી નાટક અકાદમી પુરષ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરષ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારત પાસે એક જ લતા મંગેશકર છે અને ગુજરાતની રંગમંચલક્ષી લોકકલા પાસે એક જ ભીખુદાનભાઇ ગઢવી. -મનોજ શુક્લા
સૂરજદાદાને પણ ઢાંકી દેવાની પહોંચ ધરાવતો ગરવો ગિરનાર સોરઠની રક્ષા કરતો આજે પણ અડીખમ ઊભો છે. ‘ગીરી તળેટી ને કુંડ દામોદર, જ્યાં મહેતાજી નહાવા જાય’ ગણગણવાનું મન થાય તેવા ભવ્ય ભૂતકાળના માલિક જૂનાગઢ શહેરમાં કશાય દબદબા વગર સહજ ભાવે વસતા અને વિહરતા ભીખુદાનભાઇ ગઢવીને જ્યારે દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી ફેલોશિપ (અકાદમી રત્ન) આપવાની જાહેરાત થઇ ત્યારથી મન હરખઘેલું થઇ ગયું છે. આ એવોર્ડ માત્ર એક કલાકારને જ નહીં પણ એક સંસ્કાર પુરુષને મળ્યો છે તેનો અદકેરો આનંદ છે.
હાલના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદડ જેવા મોસાળના નાનકડા ગામમાં તા.૧૯/૯/૧૯૪૮ના રોજ જન્મેલા ભીખુદાનભાઇ સાચા અર્થમાં સાવ ગામઠી વ્યક્તિ રહ્યા છે. બીજા ઉપર પોતાનું જ્ઞાન છાંટવાની જેમને જરાય ઇચ્છા કયારેય નથી હોતી તેવું સરળ વ્યક્તિત્વ ધરાવતા ભીખુદાનભાઇ લોકસાહિત્યના સાચા મર્મજ્ઞ છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની ભીખુદાનભાઇ પાસેથી વતનપ્રેમ શું ચીઝ છે તે આપમેળે શીખી શકાય છે. તેમણે ધાર્યું હોત તો પોતાની સિદ્ધિ અને પ્રસિદ્ધિના જોરે અમદાવાદ, મુંબઇ કે અન્ય કોઇ મહાનગરમાં સ્થાયી થઇ શક્યા હોત, પરંતુ કોઇ ઝાકમઝોળ તેમને લલચાવી શકી નથી અને વતનને છાતી સરસું ચાંપીને જ લોકકલાને સિદ્ધ કરતા રહ્યા છે.
ગુજરાતને અદ્ભુત લોકકલાકારો મળતા રહ્યા છે. સ્વર્ગસ્થ કાનજી ભુટા બારોટનો જીથરો ભાભો હજુય ભુલાયો નથી. સ્વ. બચુભાઇ ગઢવીની વાર્તાઓ આજે પણ વિસરાતી નથી. તેનું કારણ કદાચ એ છે કે આ બધામાં ધરતીનો ધબકાર અને સુગંધ ભળેલા હતા.
આ પરંપરાના ભીખુદાનભાઇ એક અગ્રીમ મોભી છે. લોકકલામાં જે રંગમંચલક્ષી કલા ‘ડાયરા’ના સ્વરૂપમાં વિકસી છે તેમાં ગાયન, વાદન અને કથન એવા ત્રણ વિભાગો લોકો અને તજજ્ઞો પાડે છે. દા.ત. વાદનમાં ઉસ્તાદ હાજી રમકડુંને સૌ યાદ કરે.
કથનમાં સ્વ.બચુભાઇ, સ્વ.કાનજીબાપાના નામ લેવાય અને ગાયનમાં દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ, પ્રફુલ્લ દવેને લોકોએ યાદ કરવા પડે. પણ, તેમાં ભીખુદાનભાઇ તો સાવ નોખી ભાતના… આ ત્રણેય કળા (ગાયન, કથન, વાદન) ના માહિર, સિદ્ધહસ્ત. તેમને આ ત્રણેય ફાવે… અને તે પણ કેવું? પૂરેપૂરું.!
રંગમંચલક્ષીકળાના ક્ષેત્રે કે અન્ય કોઇ પણ કળાના ક્ષેત્રમાં એવું અનુભવાય છે કે વ્યક્તિ કલાકાર તરીકે જેટલી ઊંચે જતી હોય છે તેટલી માણસ તરીકે પણ ઊંચી જતી હોય તેવું સામાન્ય રીતે બનતું નથી. પણ ભીખુદાનભાઇ આમાં એક સુખદ અપવાદ છે. તેમને મળતો પુરસ્કાર ૩.૪ અને છેલ્લે ૫ના આંકડે પહોંચ્યો છે.
આ ત્રણેય તબક્કાના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય જેમને જેમને પ્રાપ્ત થયું છે તે સૌ સ્વીકારે છે કે આ દરેક તબક્કે તેમના નમ્રતા, વિવેક, સંસ્કાર, હાસ્ય અને સહયોગ જેવા સ્વભાવગત ગુણો યથાવત રહ્યા છે. આ સાતત્ય એ તેમની સાધનાનું પરિણામ હોય તેવું પ્રતીત થાય છે.
ભીખુદાનભાઇની અભિવ્યક્તિની ઊંચાઇથી આખુંય ગુજરાત ધન્યતા અનુભવે છે. ત્રણ કલાકના તેમના વન મેન શોમાં તેઓએ પ્રથમ કલાકમાં જે લોકોને ચોધાર આંસુડે રડાવ્યા હોય તે જ લોકોને તે જ કાર્યક્રમમાં થોડી જ વાર બાદ ખડખડાટ હસતાં પણ કર્યા છે. કદાચ એવું પણ બને કે ભવિષ્યની પેઢીને આ સાચું ન પણ લાગે અને તેનો યશ તેમણે એકાત્મભાવે લોકકલાની જે પૂજા કરી છે તેને જ જાય છે.
લોકકલાના એક કલાકાર તરીકે તેમને મળેલા આ સન્માનથી લોકકલામાં જે અગાધ ઊંડાણ છે તે તેઓ દ્વારા ઉજાગર થયું છે. એવી એક સામાન્ય છાપ આમજનસમૂહમાં પ્રવર્તે છે કે કલાકાર કોઇક વ્યસન કે મર્યાદામાં ફસાયેલો હોય જ. પણ આ માન્યતા અનેક કલાકારોએ બાઅદબ ખોટી પાડી છે અને તેના અગ્રેસર ભીખુદાનભાઇ છે.
એક બીજી વાત કહેવાનું પણ મન થાય છે કે તેઓ ‘દીવાન-એ-આમ’ અને ‘દીવાન-એ-ખાસ’ના પણ કલાકાર છે. સામે પાંચ હજાર પ્રેક્ષકો બેઠા હોય ત્યારે તે તમામને મુક્ત મને હસતાં રાખતા ભીખુદાનભાઇ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કે પૂર્ણ થયા બાદ યજમાનને ત્યાં જામતી મહેફિલમાં જ્યારે તેમના સંઘર્ષકાળના વિતકોની કથા કહે ત્યારે લોકો હસી હસીને બેવડ વળી જાય છે.
આ કળા તેમને સહજ સાઘ્ય છે અને તે તેમની ઉપલબ્ધિ છે. મહાન નેતાઓ જેમ સદીમાં એકાદવાર મળે તેમ ભીખુદાનભાઇ જેવા ભવ્ય અને મહાન કલાકાર મળતાં પણ બહુ વાર લાગે છે અને આવા કલાકારનું જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થાય ત્યારે જાણે સમગ્ર ગુજરાતના લોકકલાજગતનું આડકતરું સન્માન થયું હોય તેવો ભાવ અનુભવાય છે.
તેમને મળેલા આ સન્માનથી ગુજરાતના એકે એક લોકકલાપ્રેમીઓની છાતી ગજ ગજ ફૂલશે! ભારત પાસે એક જ લતા મંગેશકર છે અને ગુજરાતની રંગમંચલક્ષી લોકકલા પાસે એક જ ભીખુદાનભાઇ ગઢવી છે.
આવુ લખતી વખતે તેમની આરતી ઉતારવાનો કોઇ ભાવ નથી પણ એક તળપદો અને ગામઠી માણસ ધારે તો કેવી સુંદર, સાચી અને સીધી યાત્રા કરી શકે છે તેનું આ મહાન લોકકલાકાર એક ઉત્તમ ઉદાહરણ છે. જેનું અનુસરણ ભાવી પેઢી પ્રેરણા લેવા માટે કરશે.
ઉપરની વાતોના સાક્ષી પુરુષોત્તમ ઉપાઘ્યાય પણ થાય છે. ભીખુદાનભાઇને એવોર્ડ મળ્યા પછી તેમના વિશે પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે તેઓ ‘ઉત્તમ સાહિત્યકાર, સર્વોત્કષ્ટ કલાકાર છે. મનના સાફ માણસ છે તથા નિર્ભેળ વાતો કરનારા છે.’
પુરુષોત્તમભાઇની વાતમાં શાહબુદ્દીન રાઠોડ સુર પુરાવતા કહે છે કે ‘ભીખુદાન મારા અનન્ય મિત્ર છે. વર્ષોથી અમે સાથે કાર્યક્રમ કરીએ છીએ અને તેમાં વિશેષતા એ છે કે મને કહેવામાં આવે કે આ કાર્યક્રમમાં ભીખુદાનભાઇ છે એટલે હું તે કાર્યક્રમ તરત જ સ્વીકારી લઉ છું અને સામે પક્ષે ભીખુદાનભાઇ પણ આવું જ કરે.
સરળ વ્યક્તિત્વ અને લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ ધરાવતા આ કલાકાર હવે આઘ્યાત્મિકતા તરફ વળતા જાય છે તેવું મેં અનુભવ્યું છે. આવા ગુજરાતની લોકકલાના વારસાની મશાલને સતત પ્રજવલીત રાખનાર ભીખુદાનભાઇને અભિનંદન અને અભિનંદન.
ઇતિ સિદ્ધમ: ટાઢિયો તાવ, ગુમડાની રૂઝ, ઉમળકો, પ્રેમ, લાગણી, મમત્વ અને દયા અંદરથી આવે. – ભીખુદાનભાઇ ગઢવી