બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ..
વરરાજાનો શ્યામ રે ભીનો વાન..
વરરાજા ની માથે પીળી પીળી પાઘડી રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
જાનુડીયુએ ઓઢ્યા છે કાળા કાળા રે ચીર..
વરરાજાને ખંભે પંચરંગી ખેસ ધર્યો રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
આભે કાંઇ સળગી રે સો સો મશાલ..
મોભી રે પરણે રે કાંઇ જોને સુરજ ભાણ નો રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
સામૈયામાં કોરા રે જળનાં કુંભ..
સામૈયા લઇ ને હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
આવકારો દેશે સારી રે જાન..
ડુંગરીયા ની ચોરી ને ચંદરવો આભનો રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
પેહલું પેહલું મંગળીયુંં વરતાય..
લાડી કેરે અંગે લીલી ઓઢણી રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
બીજુ બીજુ મંગળીયુ વરતાય..
લાડી કેરે પગે રે ફુલડાની આ ફાટુ ભરી રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
ત્રીજુ ત્રીજુ મંગળીયુ વરતાય..
લાડી કેરે હૈયા રે જનેતાનાં ભાવ ભર્યા રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
ચોથુ ચોથુ મંગળીયુ વરતાય..
ખેતરની થાળે રે એવા કંસાર છલી વળ્યા રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
વળાવીયો શરદ પૂનમ નો ચાંદ..
વરરાજા કાંઇ હાલ્યા રે દિવાળી ને હાટ રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ..
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..
– કવી શ્રી દુલા ભાયા કાગ ‘ભગત બાપુ’