ધારી તાલુકામાં આવેલું માત્ર ૯ ખોરડાં અને ૪૦ ની વસ્તી ધરાવતું ખોબા જેવડું ગામ
મિત્રો, આજે વાત કરવી છે ગાંડી ગીર માં આવેલ નાના એવા ગામની, આમતો આને ગામ ના કહેવાય ગીર માં આવેલા નાના નાના વસવાટો ધરાવતા લોક સમુદાયો તેને નેસ (નેહડો) તરીકે ઓળખે છે. “ખોબા જેવડું ગામડું” એ કહેવત આ દલ્લી-નેસ ગામ માટે એકદમ સાચી ઠરી છે.
અમરેલી જિલ્લાનાં ધારીનાં જીરા અને ગઢીયાચાંવડ ગામથી નીકળતો રસ્તો તમને દલ્લીનેસ ગામ સુધી લઇ જાય છે, ગામ માં પહોંચવા માટે તમને પાકી સડક તો મળી રહેશે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે એસ. ટી. ની કોઈ પણ બસ આ ગામ સુધી જતી નથી. આ ગામ ની ખાસિયત એ છે કે,
અહીં માત્ર પ્રજાપતિ જ્ઞાતિનાં ૯ ખોરડા ૬૦ વર્ષથી વસવાટ કરી રહ્યા છે.
અને આ ૯ ખોરડાની વસ્તી ની વાત કરીયે તો માત્ર ૪૦, આટલી વસ્તી એટલે તો શહેરો ની કોઈ સોસાયટી કરતા ૧૦ ગણી ઓછી, પરંતુ વસ્તી કરતા વાતાવરણ અને સંપ ની વાત કરીયે તો કોઈ પણ સોસાયટી કે ગામ ની સામે ટક્કર લઇ શકે એવું ગામ છે દલ્લીનેસ.
દલ્લીનેસ ગામની ઉત્ત્પત્તિ: ની વાત કરતા ગામના રહેવાસી નું કહેવું છે કે અમારું ગામ અસ્તિત્વ માં આવ્યે હજુ માંડ ૭૦ – ૭૫ વર્ષ થયા હશે, વાત જાણે એમ હતી કે ભારત જયારે આઝાદ થયું એ પહેલા આ ગામના રહેવાસીઓ ભાવનગર જિલ્લા ના પસ્વી ગામ માં રહેતા હતા, સ્વરાજ થયા બાદ જમીનો બાબતે પસ્વિના જમીનદારો સાથે થતા રોજ-બરોજના સંઘર્ષ ને ટાળવા માટે અમુક પરિવારો એ પસ્વી ગામ ને ત્યજી અને શાંતિ વાળું જીવન જીવવા ત્યાંથી હિજરત કરી, અને ખડ – પાણી અને લાકડું મળી રહે એવી જગ્યાની શોધમાં નીકળી પડ્યા, ગાંડી ગીરમાં રાવલ નદી પાસે આવી ને આ તમામ વસ્તુઓ મળી રહેતા ત્યાં રોકાઈ ગયા અને ગામ સ્થાપિયુ. આ રાવલ નદી પરની આ જગ્યા (આરો) દલ્લીના આરા તરીકે ઓળખાતો એટલે પહેલા આ ગામ દલ્લીના આરા તરીકે ઓળખાતું. દલ્લીના આરાનો મતલબ થાય કે ”દિલનો વિહામો” એટલે કે ”નિરાત અથવા શાંતિ” આરો/થાક લાગ્યા પછી નિરાત અને શાંત વાતાવરણની જગ્યા એટલે દલ્લીનો આરો. (અર્થ કરનાર હરજીવનભાઈ ડી. કાચરિયા), આવી નિરાત અને શાંતિવાળી જગ્યા અને વાતાવરણનો પ્રભાવ પડતા લોકો વધારે સ્નેહી બનીયા ત્યારબાદ સમયજતા આ ગામનું નામ દલ્લી નેસ રાખવામાં આવ્યુ. દલ્લી નો મતલબ થાય છે કે દિલ (હદય) અને નેસ એટ્લે સ્નેહ, જ્યાં વ્યક્તિ ના મનમાં દિલનો સ્નેહ છે એ દલ્લીનેસ – અમરશીભાઈ કે કાચરિયા. ખુબ સંઘર્ષ અને જતું કરવાની ભાવના હોય ત્યારે જ આવું દુનિયામાં ક્યાંય શક્ય બને છે, ગામ ની સ્થાપનાની વાત કરતા ગામના વડીલો ના હૈયા આજે પણ ભરાઈ આવે છે…
અહિ રહેતા લોકો નો મુખ્ય વ્યવસાય માત્ર ખેતી છે. ગામલોકો ખેતી માં પણ મુખત્વે કેરી ના બગીચાઓ ધરાવે છે, જેમાં ઓર્ગેનિક કેરી ઉગાડી અને ગામલોકો પોતાની આજીવિકા ચલાવે છે, અહી ગામમાં પ્રાથમિક શાળા પણ છે. ગામની પ્રાથમિક શાળામાં હાલ માત્ર ૭ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને અહી ૨ શિક્ષકો સેવા આપે છે. અહી રોડ પણ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત રામજી મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે. દલ્લીનેસ ગામમાં નવ ખોરડા માં ૩૫ થી ૪૦ લોકો વસે છે. એક જ જ્ઞાતિ અને પરિવાર હોવાના કારણે અહિ બધા હળીમળીને રહે છે અને તમામ ઉત્સવો ને ભેગા મળી ને ઉજવે છે.
ગામ ની આસ પાસનું વાતાવરણ તમને ચોક્કસ મંત્રમુગ્ધ કરી દે તેવું રમણીય છે, એમાંય ચોમાસા ઋતુ ની તો વાત જ શું કરવી, ગાંડી ગીર જેને અડતી હોય એવા પ્રદેશ ની વચ્ચો-વચ વસેલું આ ગામ ચોમાસા માં લીલી ચાદર ઓઢી ને મોરલા ના ટહુકા સાથે રણકાર કરતું હોય છે, ગામ માં આવેલી દલ્લી નદી અને ત્યાંનો નાહવાનો ઘુનો, આસપાસના લોકો નું ધ્યાન ખેંચે છે.
નીચે આપેલા વિડિઓ અને ફોટો ગેલેરી દ્વારા તમે ગામની સુંદરતાના દ્રશ્યો માણી શકો છો.
પોતાના ગામ ની વાત કરતા મિલન ભાઈ કાચરીયા કહે છે કે , આવા સરસ મજાના વાતાવરણમાં, ગુજરાતની ગાંડી ગીરની ગોદમાં, આપણે રહેતા હોઈએ એટલે આપડા હૃદયમાંથી આવું કંઈક નીકળેજ, કે
2(બે) કિલોમીટર છે
અમારા ઘરથી સ્વર્ગનું અંતર
જંગલોની અંદર અંદર છે
અમારું બંદર(નેહડું,દલ્લીનેસ)ઈ-ઝરણાં, ઈ-વૃક્ષો, ઈ-માણસો, ઈ-સિંહ(સાવજ)
જોઈને લાગે જાણે કુદરતની રહેમ છે.આ નેહ(દલ્લી નેસ) એ કોઈ જગ્યા નથી
ઈતો મારો પ્રેમ છે….. વાલા…
દલ્લી નેસ ના યુવા કવિ મિલન હરજીવનભાઈ કાચરિયા એ લખેલું એમના નેસનું એક ગીત
આ રૂડું ને રળયામણું નાનું અમારું નેહ છે… હે…હે… (૨)
હા.. હારે ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે….
અમારી ગાંડી ગીરમાં….(૨)
રાવલ જેવી જ્યાં નદીયુ વહેતી…(૨)
ઊંચો… ટીમ્બરવો (ડુંગરનું નામ)
ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે…
અમારી ગાંડી ગીરમાં….(૨)
બોડીયા જેવો જ્યાં ઘુનો આવીયો..(૨)
લાંબી…. ધોળી ધાર
ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે…
અમારી ગાંડી ગીરમાં….(૨)
ધાવડીયા જેવો જ્યાં ધોધ પડતો..(૨)
ઊંડી….ભિલ્લા ભેખ
ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે…
અમારી ગાંડી ગીરમાં….(૨)
ચાવડ જેવી જ્યાં માત બેઠી..(૨)
મહિમા….. અપરંપાર
ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે…
અમારી ગાંડી ગીરમાં….(૨)
સ્વર્ગ જેવું જ્યાં ગામ આવ્યુ… (૨)
ઉંચા…. માન-પાન
ઘેલુંડું, લીલુડું, નાનુડું નેહ છે રે…
અમારી ગાંડી ગીરમાં….(૨)
સમગ્ર માહિતી અને ફોટોગ્રાફ સૌજન્ય:
મનીષભાઈ કાચરિયા (TaxIndiaClub, Edueasify),
ઋત્વિકભાઈ કાચરિયા (Dallinesh Youtube)
મિલનભાઈ કાચરિયા, Youtube Channel, Instagram Page
ગામ દલ્લીનેસ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી