ઉદારતાની વાતો

જેહા આતા આહીરની ઉદારતા

Jeha Aata Aahir ni Udarta no Prasang

પ્રાચીના પીપળાનાં પાન ફરીફરતા અટકી ગયાં હતાં, સરસ્વતી નદીનાં ખળખળ વહેતા નીર થંભી ગયાં હતાં અને ગાંડી ગીરમાંથી હડેડાટ હાલ્યો આવતો વરણાગી વાયુ પણ થંભી ગયો હતો. ત્યારે શ્રદ્ધાળુ મનેખના મોંએ એક જ વાત રમતી ને ભમતી હતી કે ‘જેહા આતા ભલે ખવડાવે પણ નવડાવે કોણ!?’ પિતૃતર્પણની શ્રદ્ધાનો સૂંડલો ભરીને આવેલા માયાળુ ને મહેનતુ મનેખનો આ તીણો ને ઝીણો કચવાટ ક્યાંય અછતો રહ્યો નહોતો. વિરોદર ગામના આહીર આગેવાન, નાત પટેલ વિહા આતા પાસે જઇને ઊભો રહ્યો હતો. કોઈ ભોળા જણે કહ્યું હતું કે: ‘આતા! પ્રાંચીમાં ખરચ કરી ખવડાવે તો સૌ પણ નવડાવે કોણ!?

ગીર અભયારણ્યની પૂર્વ વાળા પડખે અને વેરાવળ-કોડીનાર કોસ્ટલ હાઇવે પર પ્રાચી-પીપળા નામનું સુપ્રસિદ્ધ તીર્થધામ આવેલું છે. ત્યાં માધવરાયનાં દર્શન, પિતૃના મોક્ષ અને અન્નદાન-ભોજનનો મોટો મહિમા છે. લોક તેમના ગજાસંપન્ન ખરચ કરે છે. દર્શનાર્થે આવેલું લોક અદકાભાવથી ભોજન પણ કરે. પણ પ્રસાદ પૂર્વે સરસ્વતી નદીના જળપ્રવાહમાં ન્હાવું તો પડે જ, કુંડમાં ડૂબકી મારવી પડે જ… તો જ પુણ્યની પોટલી બંધાય! આવી માન્યતા સહુના મનમાં વસી ગયેલી. ગીરની અનેક જડીબુટ્ટીઓનું પયપાન કરીને વહી આવતા સરસ્વતીનાં નિર્મળ નીરમાં ન્હાવાનો લ્હાવો લેવાનો હોય પણ કુંડમાં ડૂબકી મારવા માટે જજિયાવેરો (કર) આપવો ફરજીયાત હતો. જે કર ભરે તે ન્હાય ને ખાય… બાકીના માન્યતાના લીધે ભૂખ્યા જાય !

જેહા આતાને કોઈ આવેલા જણે કહ્યું, શીરાના કોળિયા જેમ ગળે ઊતરી ગયું હતું. પણ હકીકતનું તળ તપાસવા પૂછયું હતું : ’હેં ન્યાં ના’વાની કોણ ના પાડે… જાવ, નાવ અને ખાવ!’ પણ સામે જવાબ મળ્યો હતો :’ ના’વાની કોઈ ના પાડતું નથી, પણ પાહિતા(પસાયતા) ને રોકડી પાવલી (ચાંદીનું ચલણ) આપવી પડે છે !’ પળભર અટકીને ઉમેરો કર્યો હતો : ‘ગજવામાં હોય ઇ પાવલી ભરે, પ્રસાદ લે… નકર એમનમ બિચારા પાછા જાય!’

‘પરસાદ વગર પાછા જાય ઇ તો મુરલીધરને કોઈ દી મંજૂર નો હોય..’ કહીને જેહા આતા ઊભા થઇ ગયા. ચાંદીના રાણીછાપ સિક્કા ભરેલો ખડિયો ખભે ભરાવી નાનેરા ભાઈ કાના પટેલને સાથે લઇ આવ્યા હતા પ્રાચીના પીપળે. ત્યાં કરવેરો ઉઘરાવનાર પસાયતાને પૂછયું: ‘ભાઈ, દી’આખાનો વકરો કેટલો છે તારો? કેટલાં કાવડિયાં ભેગાં થાતાં હશે? ’ પસાયતો આતા સામે જોતો રહ્યો હતો. ત્યાં કાનાભાઈએ તેને ચોખવટ કરતા જણાવ્યું હતું : ‘દી’આખાનો ના’વાનો વેરો અગાઉથી આપી દેવો છે, એટલે જેહા આતા પૂછે છે.’


આજ લાગી આવું કોઈએ કીધું કે કર્યું નહોતું. નવાઈ પામતા પસાયતાએ ઊભા થઇ, બહોળી મેદનીનો અંદાઝ મારી, અડસટે રકમ કહી દીધી. જેહા આતાએ જરીકેય આનાકાની કર્યા વગર, ખણખણતા રાણીસિક્કા ગણી દઇ કહ્યું હતું : ‘આજનો દા’ડો, કુંડમાં સ્નાન કરનાર પાંહેથી રાતી પાય લેવાની નથી, હમજ્યો પસાયતા!’

નવાબશાહીનો જમાનો. પ્રાચી જૂનાગઢના નવાબના તાબામાં આવે છે. તે નવાબનો એક પસાયતો તીર્થસ્થાનોનો કરવેરા ભેળો કરતો, સાંજ પડયે પ્રાચી આવ્યો હતો. પ્રાચીના પસાયતાએ, જેહા આતાની વાત કરી હતી… ને આહીરની ઊજળી, ઉદારતાભરી વાત વાજતેગાજતે જૂનાગઢ જઇને નવાબની સામે ઊભી રહી હતી.

બે-ચાર દિવસ ગયા હશે ત્યાં વિરોદરમાં, જેહા આતા માટે નવાબનાં તેડાં આવીને ઊભાં રહ્યાં. જેહા આતા એટલે જેહાભાઈ સાંગાભાઈ જોટવા. વિરોદર ઉપરાંત રંગપુર, ખંઢેરી, વડનગ, દેવલપુર ગામની સીમમાં આશરે નવસો વીઘા જેટલી જમીનના ખાતેદાર. સો-બસ્સો ભેંસોનું ખાડું. બહોળા પરિવારનો રોટલો ને ઓટલો મોટો. તે દિવસે તેમણે અઢીસો ડબ્બા ઘીનું પ્રાચીના પીપળે આતા એ ભોજન-ખરચ કર્યું હતું.

ગામના પાદરમાં અરબી ઘોડાના ડાબલા વાગે, નવાબનાં તેડાં આવે એટલે ભલભલાના હાંજા ગગડી જાય. રાજા, વાજા ને વાંદરાં… તે ક્યારે શું કરે તેનું કાંઇ કહેવાય નહીં. પણ જેહા આતાને મોરલીધર પર ભારોભાર ભરોસો હતો. વળી શૂરવીરતામાં પાછા પડે એવા નહોતા. કાળઝાળ બહારવટિયો કાદુ મકરાણી પણ આતાની આડે ઊતરવાની હિંમત કરતો નહોતો. તેથી જરાય ડગ્યા વગર, ખુમારીને ખમકારો કરતા જુનાણાના નવાબ આગળ અદકેરા આદર સાથે જેહા આતા ઊભા રહી ગયા હતા.

નવાબે મોંભરી વખાણ કરતાં સાથે કહ્યું હતું: ‘જેહા આહીર ! આપની ઉદારતાથી મારી છાતી ગજગજ ફૂલે છે. રાજની રૈયત આટલી દિલાવર હોય તે જાણી મારા અંતરમાં અજવાળાં પથરાય છે !’ હૈયામાં હિલ્લોળા લેતો અંઘાઘોળ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું : ‘છાતી લગોલગ ભેટવા મારું હૈયું હાથ નથી રહેતું!’ક હીને નવાબ ભીનાભાવથી ભેટયા હતા. સામે આતાના અંગરખાની કસો પણ તડાતૂડ થાવા લાગી હતી.

‘એક નાનકડા ગામના પટેલ, રાજના પ્રજાજન આવી ઉદારતા દાખવી શકતા હોય તો, હું તો આખાએ જુનાણાનો ધણી છું!’ નવાબ ભરસભા વચ્ચે બોલ્યા હતા. સભામાં પોરસીલી વાણીનો પ્રભાવ છવાઈ ગયો હતો. ત્યાં કોઈ દરબારી પોરસ ચઢાવતા બોલી ઊઠયા હતાઃ ‘અલ્લાની રહેમતથી આપ જુનાણાના સરતાજ છો એની કોણ ના પાડી શકે !’

‘આજથી જેહા આહીરના નામે, પ્રાંચીના કુંડનો વેરો કાયમ માટે માફ કરવામાં આવે છે!’

નવાબે જેહા આતા સામે જોઈ, દિલાવર મનેખને નવાજતા આગળ કહ્યું હતું: ‘અને પથ્થરની તકતીમાં કોતરાવો… વિરોદરના આહીર આગેવાન, નાત પટેલ જેહા સાંગા જોટવાએ દાખવેલી ઉદારતાના લીધે આ વેરો માફ કરવામાં આવે છે.’ પછીથી જેહા આતાએ ઉદારતા દાખવી, પોતાની જમીનનો મોટો હિસ્સો અન્યને દાનમાં આપી દીધો હતો.

નોંધ : પ્રાંચીના કુંડનું રિનોવેશન થયું ત્યાં સુધી આ તકતી ત્યાં હતી.
રાઘવજી માધડ નો લેખ ચંદરવો માંથી સાભાર
માહિતી સૌજન્ય : જેઠાભાઈ લાખાભાઈ જોટવા, ગામ વિરોદર જિ. જુનાગઢ (અહીં રજૂ કરેલું ચિત્ર પ્રતીકાત્મક છે)

આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators