જેસલ જાડેજાની તો આખા કચ્છમાં હાક હતી. લોકો જેસલના નામથી કાંપતા હતાં. એવું કહેવાતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર પોતાના ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ એવાતો યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે તે નિકળી પડ્યો.
અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા પણ સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી જ હતી તે જરાય પણ મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ જ હતા.
સાસતિયા કાઠી પોતે જાગીરદાર હતો અને પોતાની પાસે તોરી નામની એક અત્યંત પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો જેસલે મનોમન નિશ્ચય કર્યો. એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હતા ત્યારે બધાની નજર ચૂકવીને તોરી નામની આ ઘોડી ને ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.
આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી ને ઉઠાવવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે મજબૂતાઈથી જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.
આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. સૌને પ્રસાદ વહેંચાઈ જતા માત્ર એક જણનો પ્રસાદ વધ્યો. પછીતો આ કોના ભાગનો પ્રસાદ વધ્યો એની શોધખોળ ચાલુ થઇ.
એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જ્યાં જોયું ત્યાં તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળી સાથે બહારવટિયા જેસલને જોયો. લોહી નીતરતા જેસલના હાથ જોઈને રખેવાળના મોઢામાંથી રાડ ફાટી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો મરણીયો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે જેસલને મદદ કરી. ખીલો કાઢી આપ્યો અને તેને કાઠીરાજ પાસે લઈ ગયો.
હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા પણ ઉંહકારો ન કરવા જેવી વીરતા બદલ જેસલ જાડેજાને કાઠીરાજે પહેલા તો ખુબ બિરદાવ્યો અને પછી એનું નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું તો કચ્છ ધરાનો બહારવટિયો છું અને તમારી તોરીને ઉઠાવી જવા આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? “જેસલ તો જા આજથી તોરી તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને જેસલના હવાલે કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.
તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક જ પલટાયેલ વાતાવરણ જોઈને જેસલને એમ લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર બહારવટિયો જેસલ જાડેજો આજે એક કાયરની માફક થર થર કાંપવા લાગ્યો.સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. બહારવટિયા જેસલને આવું જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી તો સિદ્ધિવાન સતી લાગે છે. તોરલમા જેસલને દૈવીશક્તિઓ દેખાવા લાગી. બહારવટિયા જેસલનું બધું અભિમાન ઓગળી ગયું અને તે તોરલ સતીના ચરણોમાં ઢળી પડ્યો. જેસલે આ તોફાનમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. સતી તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું ફરમાન કર્યું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.
જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતના ડરથી જેસલ પારેવાની માફક ફફડવા લાગ્યો પોતાની શૂરવીરતા પણ નાની લાગવા મંડી. આ પછી તેણે જે વાતનો મર્મ સમજ્યો એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે આપણી જિંદગી ઉગારવા માટે લઈ શકીએ છીએ.
આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ અને અંજાર એટલે જેસલ જાડેજાનું નિવાસસ્થાન. અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડ એનું રક્ષણ કરતો હતો. જેસલ એટલે રાઉ ચાંદાજીનો કુંવર અને એનું ગામ અંજાર તાલુકાનું કીડાણું જે જેસલને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં જેસલને વાંધો પડતા તે બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.
એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ જે સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું આવેલું છે તે જૂના વખતનો એક મુખ્ય વાસ હતો. વિક્રમ સંવત ૧૦૬ માં કાઠી લોકોએ તેનું તોરણ બાંધ્યુ હતુ. આજે અંજારની બજારમાં જે મોહનરાયજીનું મંદિર છે ત્યાં એ વાસનો ઝાંપો હતો.અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિશય ગીચ જંગલ નું નામ કજ્જલી વન પાડવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે અપાર પાપો કર્યા હતા. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.
એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. એ વેપારીની દાનત બગાડતા તેણે તોરલ પાસે પ્રેમની લંપટ યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.
રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ તો ધોધમાર વરસતા વરસાદે આપેલા વચનનું પાલન કરવા સધીરને ત્યાં પહોંચી ગઈ. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સધીરની સાન ઠેકાણે આવી ગઈ અને તે સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો કરતો એ વાણિયો તો સતીનો પરમ ભક્ત બની ગયો.
આ જુના સમય માં કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એવી જ રીતે મેવાડ પંથક રાજસ્થાનમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલપાપડ હતા આથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું. રાવળ અને રાણી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે તેના આગલા જ દિવસે જેસલે સમાધિ લઈ લીધી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આંગણે આવેલા જોઈને જેસલને જગાડવા સતી તોરલે એકતારો હાથમાં લીધો. લોકકથા એવું કહે છે કે એ પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા હતા. લગ્નમંડપ રચાયો હતો અને તોરણો પણ બંધાયા. જેસલ તોરલ બની મૃત્યુને માંડવે ચોરી ના ચાર ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવડાવીને ધરતીની ગોદમાં સમેટાઈ ગયા.
કચ્છમાં એવું કહેવાય છે કે આ જેસલ અને તોરલ બંનેની સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી હટતી એકબીજાની નજીક આવી રહી છે.
‘જેસલ હટે જવભાર અને તોરલ હટે તલભાર
એવી લોક વાયકા મુજબ આ સમાધિઓ એકબીજાને અડકી જશે ત્યારે કોઈ મોટા પ્રલય જેવો બનાવ બનશે.