ઈતિહાસ

જુનાગઢ દીવાન બહાઉદ્દીન ભાઈ શેઠ

Junagadh Diwan Bahauddin Bhai

કેવી રીતે બાવલો બન્યો જુનાગઢનો દીવાન બહાઉદ્દીનભાઇ શેઠ?

જુનાગઢ નામના નવાબી ઠાઠ ધરાવતા રજવાડામાં બની ગયેલી વાંચવા જેવી રસપ્રદ સત્યઘટના…

જુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું. તે સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં. છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ. નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા, બંને એકલા રહેતા. દારુણ ગરીબી આંટો દઇ ગયેલી. ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ, લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા.

એક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુ ને કહે છે -“બહેન ! ભુખ લાગી છે.. આપણા માટે ખાવાનુ બનાવ. “ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે: “ભાઇ ! ભુખ તો મને પણ લાગી છે, પણ ઘરમાં રાંધવામાટે કાંઇ નથી.”
બાવલો કહે છે “વાંધો નહિ બેન ! દાતરડું લાવ. હું થોડાક લાકડાં લઇ આવુ.”
લાડલીબુ કહે છે “એ તો હું પણ કરી શકત ભાઇ, પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી દીધી”

“લાવ, હું જાવ. કદાચ લુહાર કરુણાથી પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો. લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો. લુહારને દયા આવી ને તેણે બાવલાને દાતરડું “કકરાવી” આપ્યું.


પછી ભાઇ-બેન તળેટીમાં લાકડાં લેવા ગયાં. ખપ પુરતાં લાકડાં કાપીને તેઓ પાછા ફરતાં હતાં ત્યારે જુનાગઢ માથે શિયાળાની ટાઢી હેમાળા જેવી રાત જામી ગઇ હતી. રસ્તામાં તેમણે જોયું કે એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યાં હતાં. બાવલાએ આ જોયું, તે સ્વામીજી પાસે ગયો અને ધીરેથી પૂછ્યું “અરે સ્વામીજી તમને બવ ટાઢ વાય છે?” સાધુએ સંમતિમાં ડોકું ધુણાવ્યું. અને બાવલાએ એ જ ક્ષણે જે લાકડાં પોતાની પાસે હતાં જેને વહેંચીને તેને પેટમાં બટકું રોટલો નાખવો હતો તે લાકડાંનુ તાપણું કરી નાખ્યું. અને સ્વામીજીની ટાઢ ઉડાડી. સ્વામીજીએ અંતરના આશીર્વાદ દીધાં

“જા બેટા ! હવેથી તારે આ લાકડાંના ભારા માથે ઉપાડીને કઠીયારાનો ધંધો નહિ કરવો પડે.

“બાવલો હસ્યો. તેને હતું કે એની જીંદગીમાં આવુ સુખ નો’તું.

પણ થોડા જ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી ઠરી. જુનાગઢ નવાબે એકવાર લાડલીબુનુ પુનમના ચંદ્રમા જેવું ભવ્યરુપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યાં. થોડા સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયાં. તેઓ જુનાગઢના પટરાણી બન્યાં. અને તેનો ભાઇ હવે બાવલો મટી જુનાગઢ રાજ્યનો દીવાન બન્યો “બહાઉદ્દીનભાઇ શેઠ”.

તેમણે બંધાવેલ બહાઉદ્દીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પોતાનુ નામ નામાંકિત કરાવી સૌરાષ્ટ-જુનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે.

આ બહાઉદ્દીનભાઇએ જુનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો. પ્રજાથી આ વધારાનો આર્થીક બોજ સહન ન થયો અને બહાઉદ્દીનભાઇના મહેલના ચોગાનમાં લોકો ટોળે વળ્યાં. બહાઉદ્દીનભાઇ મહેલના ઝરૂખે ઊભા-ઊભા મેદની તરફ જોઇ રહ્યાં હતાં. લોકો વિનવણી કરતાં હતાં… “બહાઉદ્દીન ભાઇ! આ વેરો પાછો ખેંચો… આ વેરાની રકમ ભરવી તો અમારી ત્રેવડ બહાર છે, મે’રબાની કરો, અમારા બાયડી-છોકરાં ભુખે મરશે”

આવી ફરીયાદો સાંભળીને બહાઉદ્દીનભાઇ ઉપરથી બોલ્યાં “આ ટેક્સ તો સાવ સામાન્ય છે. આટલો ટેક્સ ભરવાના પણ તમારી પાસે પૈસા નથી.”
બરાબર એ વખતે મેદનીમાંથી એક લુહાર જેવો માણસ આગળ આવ્યો. તેણે બહાઉદ્દીનભાઇના પ્રશ્નનો જવાબ આપ્યો “નો’તા ત્યારે દાતરડું કકરાવવાના પણ નો”તા, બહાઉદ્દીનભાઇ !”

બહાઉદ્દીન ભાઇ આ શબ્દો સાંભળી ચમક્યાં. તેણે તરત તે લુહારને ઓળખ્યો કે જેના પગે પડીને તેઓ દાતરડું કકરાવવા માટે કરગર્યાં હતાં. બહાઉદ્દીનભાઇને પોતાનો ભુતકાળ સાંભળ્યો. અને ત્યાં જ તેમણે ઘોષણા કરી

“હું જુનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું.”

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators