જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. કવિવર રાજેન્દ્ર શુક્લ કહે છે ને કે :
હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે ! નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે.