કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં
ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે … કળજુગમાં
ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે … કળજુગમાં
ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે … કળજુગમાં
ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે … કળજુગમાં
વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે … કળજુગમાં
– ગંગાસતી