આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ ધરાવતી અને અત્યંત મધુર સ્વાદ ધરાવતી કુદરતી પાકતી કેસર કેરીની રાહ અચૂકપણે જુએ છે.
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
– નયન દેસાઇ