ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ખોડીયારમાં નું પ્રાગટ્ય

Khodiyaar Mata Temple Matel

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ,ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની,ઊમિયા, વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો


જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન, અને રબારી કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરાભારત માં પ્રખ્યાત છે.

વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં

ખોડિયાર માં ના મંદિર :
ખોડિયાર મંદિર – ગળધરા (ગુજરાત)
ખોડિયાર મંદિર – માટેલ (ગુજરાત)
ખોડિયાર મંદિર – રાજપરા (ગુજરાત)
ખોડિયાર મંદિર – વરાણા (ગુજરાત)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators