ઈતિહાસ સંતો અને સતીઓ

મુક્તાનંદ સ્વામી

Muktanand Swami Amreli
મુક્તાનંદ સ્વામી (અમરેલી)

Muktanand Swami Amreli

શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર, સત્સંગ ઈમારતનો ભોમ, જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો. બાળપણનું નામ મુકુંદદાસ હતુ. અમરેલી નિવાસસ્થાન કર્મ ભૂમિ હતી. બાળપણમાં પરિવારને ધ્રુવ-પ્રહલાદની ઝાંખી કરાવી. મેઘાવી પિતા પાસે જ સંસ્કાર લીધાને સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ. વેદાંત અધ્યયન કરીને સંસારથી વિરક્ત થયેલા મુકુંદદાસનો ગૃહત્યાગ,ગુરુની શોધ,સત્યની સાધના વગેરે મુમુક્ષુઓના આદર્શરુપ છે. સંવત 1842ની વસંતપંચમીએ મુકુંદદાસ ઉદ્ધવસંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે દિક્ષા પામ્યા. અને મુક્તાનંદ સ્વામી બની લોજ આશ્રમમાં મહંતબન્યા.

ગુરુદેવની આજ્ઞાથી ભૂજ જઈને પુનઃવેદાંત બૃહસ્પતિની સાથે સરખાવી શકાય તેવી જ્ઞાનગરિમાં પ્રાપ્ત કરી. એક કરતા વધારે ભાષાના જાણકાર અને અનેક વિદ્યાઓના જ્ઞાતા એવા સ્વામીના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતુ. રાગ-રાગીણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન હતી. તેમના વાગ્માધુર્યે તેમને હજારો લોકો હૃદયમાં અનોખુ આદર સ્થઆન અપાવ્યુ અને ટૂંક સમયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિકર્ણધાર તરીકે ઉપસી આવ્યા. એવામાં સવંત 1856માં લોજ આશ્રમમાં નિલકંઠવર્ણી રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણનું આગમન થયું અને મુક્તાંદ સ્વામીની વિદ્વતા સાથે ઉપાસના શુદ્ધિથી પ્રભાવિત થઈ આશ્રમમાં જ રહી ગયા. સમય જતા રામાનંદ સ્વામીને મળ્યા. દિક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બેઠા. પછીથી સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીના હાથમાં આવી અને ગુરુપદ સુધી પહોંચેલા સંતશ્રી મુક્તાનંદ સ્વામી આજીવન દાસ બની ગયા.

કેટલો મહાન ત્યાગ ! ” હું તો છું ઘણી નાગણી નાર,તોય તમારી રે” કહીને તેમણે ગોપીભાવે ભક્તિ કરી છે. સ્વામીએ વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસથાળ સત્સંગને જ નહિ,પણ વિશ્વસાહિત્યને ભેટ કર્યો છે. એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસુત્ર ભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રમાં પરાજીત કરી શકે તેવું પાંડિત્ય, રાસલીલા જેવી રસપ્રધાન રચના અને ગ્વાલીયરના ગવૈયાઓને પણ પરાસ્ત કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય આજદિન સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયુ હોય તો એ એક માત્ર મુક્તાનંદ સ્વામી છે.


તેમની કલમે 28 જેટલા ગ્રંથો લખાયા છે. તેમની ચુંદડીએ ભારતવર્ષના કાષાયવસ્ત્રને ગૌરવ અપાવ્યુ છે. તેમની વિનમ્રતા સાથેની વિદ્વતા અને જ્ઞાન સાથે ગુણ ગરિમાં એ શ્રીજી મહારાજનું “ગુરુપદ” અપાવ્યું હતુ. વાત્સલ્ય અને કરુણાએ તેમને જે બિરુદ મળ્યુ તે પાંચસો પરમહંસોમાં કોઈને ન મળ્યુ. ગુજરાતી સાહિત્યમાં ગિજુકાકાને “મુછાળી માં” કહેવાય છે તેમ સ્વયં ભગવાનશ્રી સ્વામિનારાયણે તેમને “સત્સંગની માં”નું બિરુદ આપ્યુ હતુ. આમ શ્રીજી મહારાજ પછી વધુ આદરથી જેનું નામ લેવાય છે એવા આ સંતવર્ય શ્રીજી સ્વધામ ગમન બાદ માત્ર એક મહિનાના વિયોગે સં. 1886ના અષાઠ વદ-11 ના પવિત્ર દિવસે ગઢપુર મુકામે દિવ્યદેહ ધારણ કરીને શ્રીહરિના ધામમાં સીધાવ્યા.

પ્રસિદ્ધ ગ્રન્થ રચનાઑ:

  1. ધર્માખ્યાન
  2. પંચરત્નમ્
  3. વિવેકચિંતામણી
  4. ઉદ્ધવગીતા
  5. સત્સંગ શિરોમણી
  6. સતી ગીતા
  7. શિક્ષાપત્રી ભાષા
  8. મુકુંદ બાવની
  9. ધામવર્ણન ચાતુરી
  10. વાસુદેવ અવતારચરિત્રમ્
  11. અવધુતગીતમ્
  12. ગુરુ ચોવિશી
  13. ક્રુષ્ણ પ્રસાદ
  14. નારાયણ ચરિત્રમ્
  15. નારાયણ કવચમ્
  16. વૈકુંઠધામદર્શનમ્
  17. ભગવદ્ ગીતાભાષા
  18. કપિલગીતા
  19. ગુણવિભાગ
  20. નારાયણ્ ગીતા
  21.   રુક્મણી વિવાહ્
  22. રાસલીલા
  23. હનુમત્પંચક્
  24. હનુમત નામાવલી
  25. સત્સંગીજીવન માહાત્મ્ય

વિગેરે. તેમની રચનાઑ માં શબ્દકૉતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે.તેમની રચનાઑ પર શોધગ્રન્થો લખાય રહ્યા છે. તેમની એક રચના સતિગીતા પર ફ્રેન્ચ વિદુષી મેલીજો ફ્રાંજવા ઍ શોધગ્રન્થ લખ્યો છે.કવિના જિવન-કવન પર પણ્ શોધ ગ્રન્થ લખાયો છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators