રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ :
જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’
દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ,
એ સુખ, જીવનઆધાર :
એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો : ‘પ્રભુ દે એને વિશ્રામ !’
ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ:
વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો’ જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય;
ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
વનવનમાં વદન હસવતી
કો’ સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય :
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
[૧૯૨૮-૨૯]
ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો