ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્યામાં ૨૫મીથી મેળો…
ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬ થી તા. ૨૮-૦૯-૧૬સુધી યોજાશે.
ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે. ગુજરાત, મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો ર૧ દિવસના ઉપવાસ કરે છે અને ઘણા પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે. સાવ જુદો અને અનોખા આ મેળામાં મોજશોખ કરવાના ફતેત કે મોટા સ્ટોલ હોતા નથી આ મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે.આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થાય છે. ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થયા છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે.ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે. આ એજ કપુરીયો કુંડ છે કે જયાં પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીના જોડલાના કાંકણનો અનોખો મહીમા છે. સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કથેલા (૨૪) લાખ વેદ ગુરૂના મુખેથી સાંભળવા એ એક લ્હાવો હોય છે.ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે. પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતના ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે.શ્રી પાલણપીરના સમાધી સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે…
માહિતી સૌજન્ય: વિજય હેલિયા
(તસ્વીર – હર્ષદરાય કંસારા – ભાટી એન. ટંકારા -વાંકાનેર) (પ-૧૬)(પ-ર૧) અકિલા નુઝ ની વેબ સાઈટ પરથી