લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર વર્તાઈ રહી છે. લોકોના મન અને તન પર રૂડપનાં તેજ પથરાયાં છે. બસ, હવે તો કુદરતની લીલી મહેરના લીધે એક-બે દિવસમાં વાવણી થશે!
ગામની ગાગડિયો નદી ડેકા દેવા લાગી હતી. ઘણાં દિવસ પછી વરસાદે વરાપ દીધી હતી. ગામમાં વાવણીની તૈયારી થવા લાગી હતી. કંધોતર જેવાબળદોને વાવણીમાં જોતવા ખેડૂતોએ સાબદાં કર્યા હતાં. ‘હાલો બાપલા…હવે જ તમારું હાચું કામ પડ્યું છે, પાણી માપવાનું ટાણું આવ્યું છે, જોજ્યો હો હરેરતા નઈ..!’
સવારનું શુભ ચોઘડિયું જોઈ બળદોનાકપાળે કુમકુમના ચાંદલા કર્યાં. માથે રાખડી બાંધી. હરખાતાં હૈયે ખેડૂતો ખેતરમાં પહોચ્યાં. લાઠી ગામની સીમ કોઈ નવોઢા સ્ત્રી આળસ મરડીને ઉભી થઇ હોય તેવી સાબદી અનેસ્વરૂપવાન ભાસતી હતી.
લાઠીના યુવરાજ પ્રતાપસિંહ પણ આવાં અવસરથી કેમ અળગા રહે? સવારના પહોરમાં જ પોતાની રોઝડી ઘોડી સાબદી કરી અને ખેડૂતોનાં હરખને નીરખવા, ઝીલવા સીમમાં નીકળી પડ્યાં.
ગાગડિયો નદી હજુ તોફાન કરતી હતી.તેનો મદ ઉતર્યો નહોતો. યુવરાજે ઘોડીને નદીના કાંઠે કાંઠે ચલાવી. ત્યાં ભીંગરાડ ગામના રસ્તે જતાં તેઓની નજર એક જગ્યાએ અટકી ગઈ. એક ખેડૂત વાવણી કરવાના બદલે ખેતરના શેઢે બેસીને રડતો હતો. આમ તો વાવણી એટલે વરસભરની કમાણી, રોજી-રોટી રળવાનું ટાણું…અને આવા ટાણે કોઈ રડે…!? યુવરાજે ઘોડીને તેનાં તરફ લીધી. ગારો ખુંદતી ઘોડી ખેડૂત પાસે તેની લગોલગ જઈને ઉભી રહી. યુવરાજે નીચે ઉતરીને પૂછ્યું: ‘ભાઈ, શું થયું છે તે આમ રડે છે!?’
ખેડૂત વધુ રડવા લાગ્યો. પછી રડવુંખાળીને કહે: ‘બાપુ, વાવણી કરવા આયાં ખેતરમાં આવ્યો’તો પણ શેઢેથી મારા ઓરણી અને દંતાળ કો’ક ચોરી ગ્યું…!’
યુવરાજને થયું કે, મારા રાજમાં ચોરી!? તેમની વાણીમાં ક્રોધ ભડભડવા લાગ્યો. છતાંય સંયમ દાખવીને ઉભાં રહ્યાં.
‘તમે કહો બાપુ, આમ થાય પછી તો હું રડું નહિ તો બીજું શું કરું!?’ ખેડૂત સાવ ગળગળો થઇ ગયો હતો.
યુવરાજે કહ્યું : ‘ભાઈ, મૂંઝાવ નહિ બધું જ થઇ રહેશે, તમારી વાવણી નહિ અટકે બસ…?’ આમ હૈયાધારણ આપી યુવરાજે ઘોડી પાછી વાળી અને પાછા લાઠી આવ્યાં.
યુવરાજનાં કહેવાથી ખેડૂતને ઓરણી અને દંતાળ પહોંચતા કરવામાં આવ્યાં. સાથે એ પણ કરાવ્યું કે, ખેડૂતને બિયારણની જરૂર હોયતો એ પણ પહોચતું કરો.
પોતાના રાજમાં ચોરી થાય તે કોઇપણ રીતે ચલાવી ન લેવાય. યુવરાજને મન આ કઠતી બાબત હતી. તેમણે ઘડીપળનો પણ વિલંબ કર્યા વગર સિપાઈઓએ બીજો હુકમ કરતાં કહ્યું: ‘આ ખેડૂતના દંતાલ અને ઓરણી ચોરી જનારને આકાશ પાતાળ એક કરીને પણ શોધો અને સાંજ સુધીમાં મારા સામે હાજર કરો.’
સિપાઈઓ યુવરાજનો હુકમ શિરે ચઢાવીચોરને શોધવામાં લાગી ગયાં અને સાંજ ઢળે એ પહેલાં તો ચોરને પકડી યુવરાજની સામે રજૂ કરવામાં આવ્યો.
યુવરાજે પેલા ખેડૂતને પણ બોલાવ્યો અને તેને કહ્યું: ‘ભાઈ, આ માણસ રાજનો ગુનેગાર તો છે જ પણ પહેલાં તમારો ગુનેગાર છે માટે તમે કહો તે સજા કરીએ.’
‘બાપુ!’ ખેડૂત ગળગળા સાદે, બે હાથ જોડીને કહે: ‘તમ જેવા અમારાં રખવાળાં કરવા માટે બેઠા હોય ન્યાં અમારે સજા કરવાની નો હોય.’
‘ના…તમે જે સજા કરો તે તેને ભોગવવી પડશે. આ મારો હુકમ છે.’ યુવરાજ સહેજ ઊંચા અવાજે બોલ્યા.
ખેડૂત ઘડીભર મૂંઝાયો. શું કરવું અથવા શું કહેવું તેને સૂઝ્યું નહિ. બીજી બાજુ યુવરાજનો રીતસરનો હુકમ જ હતો….હવે શું કરવું, સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ. મનમાં એમ પણ થયું કે, આના કરતાં ચોરીનું કહ્યું જ ન હોતતો સારું હતું. પણ હવેતો રાંડ્યા પછીનું ડહાપણ હતું.
‘બોલો ભાઈ..!.’
યુવરાજના કડપદાર અવાજથી ખેડૂત થથરી ગયો.એક બાજુ હતું કે, આ રાજા, વાજાં અને વાંદરાનું કંઈ ઠેકાણુંનહિ. શું કરીને ઉભાં રહે તે કહેવાય નહિ. પણ યુવરાજ પર ખેડૂતનેનહિ રાજની પ્રજાને એકજાતનો ભરોસોહતો તેથી વધુ વિલંબ કર્યા વગર કહીદીધું: ‘તો બાપુ ઇંને માફ કરી દ્યો..!’
યુવરાજને નવાઇ લાગી. તેમણે કહ્યું: ‘માફ કરી દઉં!!’
‘હા, બાપુ અને ફરી વખત આવી ભૂલ નંઈ કરે એની ખાતરી કરાવીને છોડી મેલો!’ ખેડૂત લાગણી અને ખેલદિલીથીબોલ્યો.
યુવરાજના રતુંબડા મોં પર ખુશીની લાલાશ ઘૂંટાવા લાગી. તે સહેજ મરકીને બોલ્યાં: ‘જ્યાં સુધી મારીપ્રજા ક્ષમાશીલ છે ત્યાં સુધી મારે પ્રજાનો મત જાણી-તેનો વિશ્વાસ સંપાદન કરીને જ ન્યાય આપવો, આ મારી ફરજ છે.’
યુવરાજ પ્રતાપસિંહે પેલા ચોરને ફરી આવી ભૂલ ન કરવાનું કહીને છોડીમૂક્યો.
આ પ્રજાવત્સલ યુવરાજનાં નામ પરથીવસેલું ‘પ્રતાપગઢ’ ગામ લાઠી (અમરેલી જિલ્લા) થી તદ્દન નજીકમાં આવેલું છે.