ઈતિહાસ શૌર્ય કથાઓ

વીર શહીદ સેનાપતિ આસો નિંજાર

ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે, ધર્મ અર્થે કે બહેન- દીકરીઓની ઈજ્જત બચાવવા પોતાની જાતનું બલિદાન આપીને જીવન ઉજળું કર્યું છે. આજે અબડા જામની રિયાસતનું ઘરેણું ગણાતાં એવા ઓરસીયો મેઘવાળ ની વાત કહેવી છે .

વીર શહીદ સેનાપતિ આસો નિંજાર (મહેશ્વરી) ની સામાન્ય સૈનિક તરીકે જોડાયેલા આસો નિંજારે પોતાની કુશળતાનાં બળે અબડા અડભંગના વિશ્વાસુ તરીકે સ્થાન મેળવી તેમના સેનાપતિ તરીકે અનેક મહત્ત્વનાં કાર્યો થકી ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે .

અબડાસાનાં વડસરના જામ જખરોજ કે, જે અબડા અડભંગ તરીકે જાણીતા છે, એમની અનેક વાતો ઈતિહાસમાં નોંધાઈ છે, પરંતુ તેમના સેનાપતિ એવા આસો નિંજારને બહુ ઓછા લોકો જાણે છે.

આસો નિંજાર એ ઓરસિયા મેઘવાળ તરીકે પણ જાણીતા હતા. મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ પ. પુજ્ય શ્રી મામૈઇ દેવની તેજઆભાથી તે તેમના રંગે રંગાયા અને પ. પુજ્ય શ્રી મામૈદેવના પરમ ભક્ત બની ગયા. કચ્છની પરંપરા અનુસાર પ. પુજ્ય શ્રી મામૈઇ દેવે જ વડસરના જામ જખરોજીની રાજતિલક વિધિ કરી હતી.


આસા નિંજારને એક વખત શ્રી મામૈઇ દેવ પોતાની સાથે જામ જખરોજી પાસે તેમના દરબારમાં લઈ ગયા અને આસોનો હાથ જખરોજીના હાથમાં સોંપી તેને લશ્કરમાં સ્થાન આપવા ભલામણ કરી. જખરોજીએ આસાને લશ્કરમાં સ્થાન આપી તેને તાલીમબદ્ધ કર્યાં, આસોએ પણ થોડા જ સમયમાં પોતાની કુશળતા અને શોર્યબળે જખરોજીનું મન જીતી લીધું, આથી થોડી અદેખાઈના પણ તે ભોંગ બન્યા, પણ જામ જખરોજના ચાર હાથ તેના પર હતા.

આસોના એ સમયના પહેરવેશનું વર્ણન કચ્છના જાણીતા લેખક કાનજીભાઈ મહેશ્વરીએ કર્યું છે એ મુજબ કડાબેર ચેણી, તેના પર ધોતિયું, ખમીસ ઉપર કોટ, વટવાળી કચ્છી પાઘડી, પગમાં દેશી અણીવાળા બૂટ, ભેટમાં કટાર અને હાથમાં તલવાર. સાથે આંખમાં શૂરવીરતાનું તેજ અને મૂછોમાં વટ. આમ મરદ મૂછાળો આસો ચાલ્યો આવે તો પણ દુશ્મનના છક્કા છૂટી જાય!

એ અરસામાં એટલે વિક્રમ સંવત ૧૩૫૨ ઈ.સ. ૧૨૯૬ માં સિંધના નગરસમે રાજના ભુંગર સૂમરાનું અવસાન થતાં સિંધની ગાદી માટે ઘોઘા અને ચનેસર વચ્ચે ક્લેશ શરૂ થયો અને સિંધની ગાદી મળી ચનેસરને ઘોઘાને પોતાને અન્યાય થયો હોવાની લાગણી થતાં તે મદદ માટે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન પાસે ગયો. આ સમાચાર કચ્છમાં જામ જખરોજીને મળતાં તેમને પણ આઘાત લાગ્યો, પણ ચનેસરને સમજાવે કોણ?

ચનેસરને પાછો વાળવો એ વાઘની બોડમાં હાથ નાખવા બરાબર હતું. આસો નિંજારે આ વિકટ કાર્ય પાર પાડવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું. જામ જખરોજીએ આસાની પીઠ થપથપાવી, શાબાશી આપી અને કામ ફતેહ કરવા આજ્ઞા કરી. જામ જખરોજીએ આસો સાથે એક ગુપ્ત સંદેશો મોક્લાવ્યો. પખીરાણી તેજી ઘોડી પર સવાર થઈ આસો નિંજાર દિલ્હીની વાટ પકડે છે.

અલ્લાઉદ્દીનને ચનેસરને સિંધની ગાદી અપાવવાની લાલચમાં દિલ્હીમાં જ રોકી રાખ્યો અને મોજશોખમાં મસ્ત ચનેસર પાસે અલ્લાઉદ્દીને સિંધની ગાદીના બદલામાં સિંધની રૂપરૂપનો અંબાર સમાન રાજકુંવરીઓ અને અપ્સરા સમાન પોતાની બહેન સુભગા અલ્લાઉદીનને સોંપવા ખાતરી મેળવી લીધી. આ તરફ આસો નિંજાર દિલ્હી આવી પહોંચ્યા અને દિલ્હીની મોલાતની દાસી હસીનાં માધ્યમથી ચનેસરને મળીને જામ જખરોજીનો સંદેશો આપે છે. આ સંદેશામાં જામ જખરોજીએ ચનેસરે સિંધની ગાદી મેળવવા જે માર્ગ અખત્યાર કર્યો છે, તે કેટલો ઘાતક અને અધર્મી છે તેની વાત કરી તેને પાછો ફરવા સમજાવવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં ચનેસરે પરત ફરવા ઈન્કાર કરતાં આસો ખાલી હાથે કચ્છ પરત ફર્યા.

અલ્લાઉદ્દીનને પોતાનાં લશ્કરની સાથે કૂચ કરી સિંધનો માર્ગ પકડ્યો અને લાહોરમાં છાવણી નાખી સિંધના ઘોઘારાજને સિંધની ગાદી ખાલી કરી ચનેસરને રાજ આપવા અથવા યુદ્ધ માટે તૈયાર થવાનો આખરી સંદેશ મોક્યો; આથી ક્રોધે ભરાયેલા ઘોઘારાજે પોતાના દૂત નાગરદેવને મોક્લી અલ્લાઉદ્દીનની તમામ માંગ ઠુકરાવી દીધી. નાગરદેવ એ ચનેસરનો જ પુત્ર હતો. નાગરદેવે અલ્લાઉદીનને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ સુલતાને ત્યાં જ તેના પ્રાણ હરી લેવાનો આદેશ આપતાં નાગરદેવ પર તલવારનો ઘા કર્યો અને નાગરદેવનું માથું પિતા ચનેસરના ખોળામાં જ જઈ પડ્યું. આ પછી દિલ્હી સુલતાન અને સિંધના ઘોઘારાજ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું , જેમાં ઘોઘારાજ તો મરાયા, પણ સુલતાનનાં લશ્કરે ચનેસરને પણ દગાથી મારી નાખ્યો.

ઘોઘારાજ અને ચનેસરની હત્યા કર્યા પછી સુલતાન અલ્લાઉદ્દીન સિંધના રાજમહેલ તરફ આગળ વધી રહ્યો હોવાના વાવડ મળતાં રાજમાતા માયાદેવીએ સુભગા અને અન્ય તમામ સુમરી રાજકુંવરીઓને કચ્છ તરફ રવાના કરી અને પોતે પોતાના પ્રાણ ત્યાગી દીધા .

સુભગા અને અન્ય રાજકુંવરીઓએ કચ્છમાં આવી વડસરમાં જામ જખરોજીનું શરણ સ્વીકાર્યું હોવાની માહિતીથી સુલતાન અલ્લાઉદ્દીન પણ કચ્છ આવવા રવાના થયો. એ દરમ્યાન સુભગા અને જામ જખરોજીના વિવાહ નક્કી કરાયા અને રાતોરાત સુલતાન આવે તે પહેલાં લગ્નની વિધિ આરંભાઈ. બીજી બાજુ આસો નિંજાર લગ્નવિધિ સુખરૂપ સંપન્ન થાય એ માટે તથા વડસર રાજકુંવરીઓની રક્ષા કરવા માટે પોતાના સાથીઓ સાથે સજ્જ થઈ બેઠા હતા. મહેશ્વરી મેઘવાળ સમાજનાં યુવાનો પણ તેને સાથ આપવા આતુર બની બેઠા હતા.

સુલતાનનું લશ્કર છેક વડસર નજીક આવી જતાં જ જખરોજીના આદેશની સાથે જ બન્ને સેના વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું . આ યુદ્ધ સતત ત્રણ દિવસ ચાલ્યું , જેમાં વડસરના જામ હણાયા. આ પછી જખરોજી અબડો અડભંગ ખુદ યુદ્ધનાં મેદાનમાં આવ્યા અને તેમના સેનાપતિ તરીકે આસો નિંજારે સુલતાન અલ્લાઉદ્દીન નાં લશ્કર સાથે ભારે બાથ ભીડી જખરોજીનું રક્ષણ કરવા મથ્યા, પણ સુલતાન અલ્લાઉદ્દીન નાં તલવારનો ઘા જખરોજી પર કર્યો તેને હઠાવવા વચ્ચે પડેલા આસો નિંજારનો પણ સુલતાનનાં લશ્કરે વધ કર્યો. જામ જખરોજી તથા આસો નિંજાર બન્ને સાથે આ યુદ્ધમાં વીરગતિને પામ્યા.

આમ , આસો નિંજાર ઓરસિયાએ પોતાના ધર્મગુરુ પ. પુજ્ય શ્રી મામૈઇ દેવની ભાવનાને ચરિતાર્થ કરવા પૂરી નિષ્ઠાથી જખરોજીનો સાથ આપી એક ઈતિહાસ રચ્યો…!!!

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators