મેઘા ભુવો
હવે આપણે જે વાત કરવાની છે તે વાત મેઘાજી ભુવાની મેલડીની છે, લગભગ ઈસ્વીસન ૧૮૮૦ ની આસપાસ ની આ વાત છે, તો વાત જાણે એમ હતીં કે મેધો ભુવો કાયમ દેવી ને બાપદાદાના રીવાજ પ્રમાણે જાનવર ચડાવે છે અને માતાજીને રીઝવે છે, અને આતો આખાયે કુટુંબનો ભુવો, દર વર્ષે નિયમ પ્રમાણે માતાજીને નૈવૈદ્ય ધરી માની કૃપા પામે છે. આ ગામમાં ચભાડ શાખનાં ભરવાડ પણ રહે છે. કોઈ કારણોસર આ જાનવર ચડાવવાની બાબતમાં કોઈ એક ભરવાડે આનાકાની કરી, જેથી આ નિયમનો ભંગ થયો અને મેઘજી ભુવો મનમાં ને મનમાં બાળવા મંડ્યો, ઓહો તમે તો મારી દેવી ને ભુખી રાખી, છતાં પણ હું આ લોકોને કાઈ કરી શકતો નથી? એ વાત તો ઠીક પણ માં તુય કાઇ કરી નથીં શકતી? આમ ભુવાના મુખે નીકળી પડેલા શબ્દો થી દેવીને ચોટ લાગી.
હવે બન્યું એવું કે નળકાંઠામા બીડ નામનું ખડ ખુબજ પ્રમાણમાં થાય છે, જે હિગાળાજ માતાની કૃપા છે (આની વાત પણ આપડે આગળ કરશું) જેને નળકાઠાંમા ભેંસો ચરતી, હવે એવું બન્યું કે હવે માતાને કરવું ને ભરવાડની એકજ સાથે ૧૮ ભેસો ને વિણો (ઝેર) ચડયો અને ભેંસો મરણને શરણ થઇ ગઈ… ભરવાડે કાંઠા પર પોક મુકી કે મારો ખજાનો લુટાઇ ગયો, કાંઇ કારી સુઝતી નથીં, આમ ભરવાડ રોતો કગરતો ગામભણી હાલ્યો આવે છે, એને કોઈએ પુછ્યું કે કા ભાઈ કેમ રોદણા રોવે છે? ભરવાડે કહ્યું કે અરે ભાઈ મારો માલઢોર રામ શરણ થયો છે, છોકરા છાછ વગરના થઇ ગયા, મારી રોઝી અભડાઈ ગઇ છે. હુ હવે જીવી નહીં શકું, કોઈ એ કહ્યું કે ક્યાં છે તારી ભેંસો? ભરવાડે જવાબ વાળ્યો કે એ તો નળકાંઠામા બીડ ખાઇને પડી છે, ભેંસો ના મોંઢે ફીણ આવી ગયા છે, હે રામ રામ કાળો કેર કર્યો. સામે વાળાએ કીધું કે ભરવાડ તું મુંઝાઇશ નહીં અને એક કામ કર. તું આપડા મેઘો ભુવો સામતિયો માતાને પડદે વાતું કરે છે એની પાસે જા, એને માતા હાજારા હાજુર છે, ત્યાં જા અને જો એની માતાને વાત રાખવી હશે તો તારૂં કાંડુ જરૂરથી ઝાલશે.
ભરવાડને તો થોડી હૈયાંમા ટાઢક વળી, ડુબતો માણસ જેમ તણખલું પકડે એમ ભરવાડે તો મેધા ભુવાની માતાની દોટ મૂકી, અને આંસુ લુછતો ધા પોકાર કરતો ભરવાડ મેઘજી ભુવાની માતાને આશરે આવી ગયો. મેઘજી ભુવા ત્યાં ધૂપ ધુમડો કરી બેઠાં છે માતાની અરણુ ગાય છે, માતા બેય કાંઠે ભુવાના શરીરમા રમી રહીં હતી, અને ભરવાડે પોકર કર્યો કે હે માતા કોઈ ભુલ ચૂક થઈ ગઈ હોય તો અમુને માફ કરજો, પણ હે માડી છોરૂ કછોરૂ થાય પણ મારા તો છોકરા છાછુ વગરનાં ટળવળછે.
ત્યારે મેઘો સામતિયો બોલ્યાં કા ભાઇ શું થયું? ભરવાડે કીધું અરે ભુવાજી મારાં માલઢોર નળકાઠાંમા મરણતોલ થઇને પડયાં છે, ભુવાજી એ કહ્યું મારા ભાઇ આતો કુદરતી કોપ છે, પણ ભાઇ તારી કેટલી ભેંસો હતીં? ભરવાડ ઉતાવળમાં બોલી ગયો માડી ચવદ ૧૪ ભેસો હતીં, પણ મેધો ભુવો કહે તારી ભેંસો ચવદ નહીં તારી સતર ભેંસો ને બેઠી કરુ અને એક ને નહીં તારી બધી ભેંસો થઇને અઢાર છે, પણ સતર બેઠી કરું છું. બોલ મને દર વર્ષે એક જાનવર આપીશ? પ્રસાદિ લઇશ?
ભરવાડે જવાબ વાળ્યો હા મા હા. ભુવાજી એ કહ્યું તારી પેઢી થી લઇ જ્યાં સુધી અને તારી પેઢીનો વેલો હાલે ત્યાં સુધી તને દર વર્ષે તારી પેઢીને એક જાનવર ધરવું પડશે, બોલ મંજુર છે? આમ ચભાડ ભરવાડ માતાને બોલે બંધાણા અને. માતાએ સતર ભેંસો બેઠી કરી.આ સત્ય ઘટના નળકાઠાંમા બનેલ છે.
ઘણા સમય સુધી આ નિયમ નિરંતર ચાલ્યો, પછી વરસમાં એકવાર જાનવર એટલે જાનવરની જે રકમ થતી હોય તે ભુવાજી ને ત્યાં આપતા હતાં, અને હા ભલે પ્રસાદિ ના લે પણ ચાદલો જરૂર કરતાં હતા, પણ પંછી સમય અંતરે આ બધું પેઢી દર પેઢી બધું ભુલાતુ ગયું, પણ મેઘા ભુવાની મેલડીનો થડો હજું એમને એમ નળકાંઠામાં ઊભો છે અને મેઘજી ભુવાની ખાંભી આજે પણ ઊભી છે
નોંધ: આ મેઘાદાદનો ઉત્સવ કે મેળાવડો હોય ત્યારે ગમે તેટલું દૂધ જોઇએ તે મફતમાં આ ભરવાડ ભાઇઓ તરફથી હાલમાં આપે છે. મેઘા ભુવાના વંશજો મારાં ગામમાં રહે છે જે સામતીયા છે, હાલમાં રાણાગઢથી ૧કિમી દુર મેઘાદાદાની ખાંભી ને માતાની દેરી છે, અને તેમની કુળદેવી બુટમાં નો થડો પણ છે.