ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો

વાળા ક્ષત્રિય વંશ

Twin Talvar

Twin Talvarએભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯)

ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે.

તળાજાના રાજવીઓમાં એભલજી વાળા ૨જા એક મહાન પ્રતાપી, પ્રભાવશાળી અને પુણ્યે ઉદય પામતો એક એવો પ્રસિદ્ધ નરોત્તમ છે જેણે વાળા રાજપૂતોના કુળગૌરવની સીમાઓના કોટ બાંધ્યા નથી. તે દરેક મહાનતાના સીમાડા વટાવીને વધુ મોટો દેખાય છે. વાળા રાજપૂત રાજવંશનો એ જાજ્વલ્યમાન સૂર્ય સમો તેજસ્વી તપસ્વી દેખાયો છે અને વાર્તાઓ-કવિતામાં જ નહિ પણ લોકજીભે પણ આજ સુધી જીવંત રહ્યો અને ગવાયો છે.

તેમના સમયમાં મેઘાશા નામના વણિકે અનાજનો મોટો સંગ્રહ કરી સુખવિજય નામના જૈન ગોરજી પાસે દુષ્કાળ પડે તે માટે દોરો કરાવી એક હરણને શિંગડે બાંધ્યો. હરણ વનમા નાસી ગયું. આમ ૧૨ વર્ષો વહી ગયા. દેશમા દુકાળ પડવાથી પ્રજા મૃત્યુના મુખમા હોમાઈ ગઈ. એભલ વાળાને આ વાતની ખબર પડતા તેણે હરણની શોધ આદરી. હરણની પાછળ પડેલા એભલ વાળા સૈનિકોથી વિખુટા પડી ગયા. અંતે તેમણે હરણને પકડી શિંગડેથી જેવો દોરો છોડ્યો તેવો જ મુશળધાર વરસાદ તુટી પડ્યો.


રાજા વરસાદમા ભીંજાઈ ઘોડા પર બેભાન થઈ ગયા. ઓચિંતાના અનગળ પાણી ઉમટ્યા. બધે જળબંબાકાર થઈ ગયો. આભમા વાદળા કાળાડીબાંગ ચડ્યા હતા. ધરતી પર અંધકાર ભાસતો હતો. માર્ગ સૂઝતો ન હતો. જાતવંત જાનવર ઘોડાએ પોતાના ધણીને બેભાન હાલતમા પોતાની પીઠ ઉપરથી પડવા ન દીધો અને પાણી સોંસરવો નદીનાળા તરતો ઠેઠ પહોચ્યો ચારણના નેસડામા. સાંઈનેસડી નામની ચારણયાણીની ઝુંપડીએ લઈ ગયો. બાઈ એકલી હતી પણ દુઃખમા આવી પડેલા અસવારને જીવતો રાખવા તેને ગરમી આપી શુદ્ધિમાં લાવવા પ્રયત્નો કરવા માંડી. જ્યારે તેના બધાજ ઉપાયો નિષ્ફળ ગયા ત્યારે તેણે વચ્ચે મા ભવાનીને રાખી પોતાના શરીરની ગરમી આપી.

એભલવાળા શુદ્ધિમા આવ્યા. તેણે જોયુ, પોતે રાજા હતો. ચારણોના પહેરવેશ, રહેણીકરણીનો જાણકાર હતો. તેની પ્રથમ આંખ ખૂલી કે સમજાઈ ગયું. બોલ્યો, “મા! હુ તળાજાનો ધણી એભલવાળો છું. તે મારો જીવ બચાવ્યો છે તો માંગ, તુ જે માંગે તે આપીશ.”
સાંઈએ કહ્યુ, “મોળા બાપ મુંને કિં ન ખપે, ભીડે મું માંગીશ. તુ દેવતલ છો મુ લેવતલ બાપ તોડી, જોગમાયા ચડતી કળા કરે.”

એભલવાળાએ ઉગતા સૂરજ ટાણે ઘોડો પલાણ્યો. તે ગયા ને તુરંત જ સાંઈનો પતિ કાળો મારૂ આવ્યો. તેણે ઉઘાડે માથે ગાયો દોતી સાંઈને જોઈ. ભેળિયા વગરની રાતઉજાગરે રાતી આંખોવાળી અને ઉજાગરાથી થાકેલી દેખાણી. તે જ સમયે સામેના નેશવાળાઓએ તેને બોલાવ્યો અને તેની કાનભંભેરણી કરી. શંકિતહૈયાના પતિએ સાંઈનો તિરસ્કાર કર્યો ત્યારે પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ એવી સાંઈએ કહ્યુ, “મારા પર ખોટા આળ મૂક માં. હવે જો ખોટો આળ મૂકશે તો હું પવિત્ર છુ એનુ પ્રમાણ તને આઠ જાતનો કોઢ નીકળશે ત્યારે મળી રેશે.” પતિએ તેમ છતા આક્ષેપ મુકવાનુ ચાલુ રાખ્યુ અને તુરતજ તેને કોઢ નીકળ્યો. દિન પ્રતિદીન ગળતા જતા પતિના રોગના ઉપાય શોધતી સતીને કોઈએ કહ્યુ કે બત્રીસલક્ષણા પુત્રનુ બલિદાન બત્રીસલક્ષણા પુરૂષના હાથે દેવાય અને તેના લોહીથી નવડાવવામા આવે તોજ આ કોઢ મટે.

સાંઈ નેસડીએ પોતાની બહેન દેવલદેના પુત્ર નીલાને ભેળો લીધો. સાંઈ એભલવાળા પાસે ગઈ અને એભલવાળાને પોતાની વીતકકથા જણાવી. એભલવાળાએ પોતાની સગી બહેનની જેમ સાંઈનો સત્કાર કર્યો.

એભલવાળાનો પુત્ર અણો પણ તેના પિતાની જેમ બત્રીસલક્ષણો હતો તેથી કોણ કોનુ બલિદાન આપે તે માટે હોડ થઈ. આખરે એભલવાળાએ અણાના કાંધે તલવારનો ઝાટકો માર્યો. લોહીના ખોબા ભરી ચારણ ઉપર રેડવા લાગ્યો. કાળા ચારણનો કોઢ મટી ગયો.અને એણે સાંઈ નેસડીના પગ પકડી લીધા ને બોલ્યો, “મુંએ તુને જાણી નૈ, મુંને માફ કર જોગણી. આનો પુત્તર જીવતો કૈર જોગમાયા મું તોકે કરગરતો શું આઈ, નિતર ચારણ કોમના કપાળે કલંકનુ કાળુ ટીલું ચોટશે.”
આ વખતે પણ સાંઈને સત પ્રગટ્યુ. એણે અણાના કપાએલ માથાને ધડ સાથે જોડ્યુ અને અણો સજીવન થયો. એભલવાળાએ કાળા ચારણને ૧૨ ગામ સાથે બાખલકું ગામ દીધુ. આઈએ તો કાંઈ માંગ્યુ નહિ પણ એભલવાળાએ મંગેરા ગામ નીલાને દીધુ.

લોકકવિએ લલકાર્યુ :

॥ સરઠો કરો વિચાર બે વાળામાં કવણ વડો
સરનો સોંપણ હાર કે વાઢણહાર વખાણવો,
સંવત બારે છોડાવ્યો વિશોતર વરસાદ
એભલે કલંક ઉતારિયાં ચારણ પૂરે સાથ. ॥

સાંઈ નેસડી ધણીને લઈને મીતલી ગામે આવી અને ધરતીમા સમાઈ ગઈ. તે જે જગાએ ધરામા સમાણી તે જગ્યાએ તેની દેરી છે. આ જગ્યા હાલમાં ખંભાત તાલુકાનુ મીતલી નામનુ ગામડું છે. આ મીતલી ગામથી બે કિલોમીટર દૂર સાંઈ નેસડી ચારણમાનુ મંદિર છે. મંદિરની ચારેકોર વંડો છે, વંડાની બહાર મેલડીમાની દેરી છે. તેની સામેના ભાગે ભૈરવની સ્થાપના છે. નેસડીના મંદિરે આજે પણ કોઈ પુરૂષ રાત રહી શકતો નથી.

એભલવાળા ૨જાનો પાળિયો દિહોરના ડુંગરની તળેટીમાં છે. એભલવાળા ૨જાએ તળાજા-વળામાં ૩૬ વર્ષ રાજ્ય કર્યુ. ઈ.સ. ૧૧૪૯માં દિહોરમાં વીરગતિ પામ્યા…

સૌજન્ય: દેવેન્દ્રસિંહ વાળા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators