શહેરો અને ગામડાઓ

વસમી વિદાય – લઘુ વાર્તા

Story of two ox in gujarati

એક બળદ એના સાથી એવા બીજા બળદ ને કહે છે…!
“વ્હાલા ભેરૂબંધ” મારે વિદાય લેવાનું ટાણું થઈ ગયુ છે..!

વરસો સુધી આપણે સાથે મળીને રહ્યા, ખંતથી આપણા માલિકના ખેતરડાં ખેડયા… હરતા ફરતા ને સાથે ચારો ચરતા, સંગાથે બેસીને સુખ-દુઃખની વાતું વાગોળતા, ને ગાડામાં ભેગા જોતરાઈને ફેરા કરતા પણ હવે આ ભવ નો ફેરો પુરો કરવાનો વખત આવી ને ઉભો છે..!

“આપણી અળગા થવાની વેળા આવી ગઇ છે વ્હાલા….!
મારાથી કાંઈ ઉણપ રહી ગઇ હોય કે જાણતા-અજાણતા ક્યારેય મારી ભુલ થઈ ગઈ હોય કે મારા થકી તારે વધુ ભાર ભોગવવો પડ્યો હોય અને વધારે વજન તાંણવો પડ્યો હોય તો મારા ભાઈ મને માફ કરી દેજે..હો..!

મૂકી ને જાતાં મારો જીવ નથી હાલતો પણ ભેરૂ મારે જાવું પડશે,, ઝીંદગીની સફર પુરી થવાનો સમય હવે ઢુંકડો આવી ગયો છે મારા ભાઈ…!

બીજો બળદ બોલ્યો.. પણ ભેરૂ આવી વાત નહોતી હો…!
15 ધરનો તારો-મારો સંગાથ.. અને તું મને આમ એકલો મુંકીને હાલી નીકળ એ સારૂ ના કહેવાય ભાઈ….!
તારા વગર મને અઘરૂ ને એકલું બહુ લાગશે મારા ભાઈ..!
તારા સંભારણાં મને મુંજવશે, વ્હાલા તારી ખોટ મને કાયમ ખટકશે

જીવન મારૂ ઉજડશે, તને જાતો જોઈ ને મારૂં હૈયું ફાટી મરશે
આવું કહીં ને બીજા બળદની આંખમાંથી આસુંડા વહેતા થયા,
આ જોઈને પહેલો બળદ ફરી બોલ્યો…!
કિરતાર ની કળાને કોઈ પામી નથી શક્યું મારા ભાઈ.!

મારી વિદાય વેળાએ આમ હિંમત હારી જઈશ તો હું મુંઝાઈ મૂંઝાઈ ને મરીશ…! મારા ભેરૂ.. જરાક કાળજું કઠણ કર..! અને મને વિદાય આપ અને મારી છેલ્લી ઈચ્છા પુરી કર..! આપણા માલીકને જરાક સાદ કર કે મારા મોઢા માંથી મોરડો કાઢી લ્યે…  હવે મારી પાસે જાજો વખત નથી..!

 બળદનો મોરડો કાઢી લીધો એની સાથે જ એ બળદે એ ખેતર.. એ ખોરડા, એ ખેડુત પરિવાર.. અને એ ઘરના આંગણાં સામે છેલ્લી નજર ફેરવી..!

ખેડુત પરિવારના નાના બાળકો સાથે બળદને અલગ જ નાતો હતો, હ્ર્દય નો લગાવ હતો એટલે બાળકો સામે જોઇને બળદનું હૈયું ભરાઈ આવ્યું, છેલ્લીવાર મીઠી નજરે નિહાળી ને સૌ ને આશીર્વાદ આપ્યા કે મારો ભગવાન તમને કાયમ હસતા-ખીલતા રાખે…..!

– મહેનતમાં કંઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજો, આમ મનોમન બધાની માફી માંગી અને પછી બળદે એના સાથી બળદને અંતિમ શબ્દો કહ્યા….
હાલ તંયે ભેરૂ…. આપણો આ ભવનો સંબંધ આંય પુરો થાય છે… આવતે ભવે ભગવાન ક્યાં ઉતારે એ ખબર નથી પણ ભગવાન ને એટલું જરૂર કહીશ કે મારા આ ભેરૂબંધનો ભેટો જરૂર કરાવજે અને મને તારો સથવારો દેજે…!

એટલું બોલી ને બળદની આંખમાંથી ઝીણી ઝીણી અશ્રુની ધારા થઈ, એ બળદે આંખ મીંચી દિધી અને અનંત ની વાટ પકડી લીધી….! અને વરસો સુધી નિસ્વાર્થભાવે એકબીજાનો સાથ નિભાવનાર આ જુગલ જોડી વિખાઈ ગઇ…! બીજો બળદ ભારે હૈયે આ બધું જોતો રહ્યો.. અને બસ એટલું જ બોલ્યો…

ભેરૂ હાંરે હરતા, ફરતા ને સાથે ચરતા, ને વળી ભેગા બેંહીં ને વાગોળતા
ધોન્સરી કાંધે ધરતા, ને ગાડા તાંણી ને આઘા ફેરા કરતા..!
સાતીડા ખેંચી ખેતરડાં ખેડતા, ને ધરા પર ધાન રૂડા ઉગાડતા..!


ઉઠ ને એકવાર આલબેલા, આમ વછુટવા ની વેળા મારાથી ના સહેવાય..!
ભેરૂડા મને એકલો અટુલો મુકી ને, તું સિદ ને સુતો, મારા થી રિસાય..!

નોંધ: આ લઘુવાર્તા ઓનલાઇન સોશિયલ મીડિયા સાઈટ પરથી લીધેલી છે, જો આ ટૂંકી વાર્તા ના રચયિતા વિષે કોઈ માહિતી હોય તો અમને જાણ કરશો, જેથી તેમનું નામ આ વાર્તાની નીચે લખી શકીયે..

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators