ઈતિહાસ

વીર પાબુજી રાઠોડની અમરકથા

Veer Pabuji Rathod

આ અમરકથા ૧૪મી સદીની છે. કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ખાવાજોગ કાંઇ ના રહ્યું હતું, પશુઓ વલખાં મારવા લાગ્યાં. એવે ટાણે ચારણોનો એક નેસ આઇ દેવલ કાછેલીની આગેવાનીમાં પોતાની ગાયો-ભેંસો ને બળદો લઇને દુકાળથી બચવા મારવાડની સીમ ભણી ચાલ્યો. આઇ દેવલ પાસે કેશર કાળવી નામે એક ઘોડી હતી. ઘોડી એટલે જાણે કે સ્વર્ગલોકમાંથી ઉતરી આવેલી કોઇ દૈવી શક્તિ જેવી કેશર જ્યાં જાય ત્યાં લોકો એને જોઇ જ રહેતા. રણશીંગાની જેમ વછૂટતી એની હાવળ, થનગનતા પગ, જોરાવર દેહ, મસ્તિષ્કે ચમકતું સફેદ ટીલું; કેશર પર આઇ દેવલનું બહુ હેત!

જાયલની ભોમકા માથે ચારણોનો રસાલો ઉતર્યો. લીલી હરીયાળી ભાળી ભૂખ્યું પશુધન આનંદિત બની ગયું. જાયલમાં એ વખતે ખીંચી જિંદરાવનું રાજ તપે. જિંદરાવના ઘરમાં કોલૂમંડના જાગીરદાર રાઠોડ કુટુંબની કન્યા. કોલૂમંડના ગિરાસદાર રાઠોઠ ધાંધલની એ પુત્રી હતી. રાઠોડ ધાંધલને પાબુજી નામે એક પુત્ર હતો; યુવાનીના ઉંબરે ડગ દેતો, રણહાક માટે થનગનતો – મર્દ! જિંદરાવ પાબુજી ધાધલનો બનેવી થાય.

આઇ દેવલના નેસડે આવીને જિંદરાવે કેશર કાળવીને જોઇ. આ પાણીદાર ઘોડી પર એનું મન ફંટાયું. આઇ પાસે જિંદરાવે ઘોડીની માંગણી કરી. જિંદરાવની લાલચુ નજરને પારખતા આઇને વાર ના લાગી. પોતાની દિકરી સમાન ઘોડી આપવાની એણે ના ભણી. એ પછી જિંદરાવની વારંવારની માંગણી ને દબાવથી આઇએ જાયલની ભોમકા છોડી અને જઇને કોલૂમંડની સીમમાં ડેરો નાખ્યો.

પાબુજી રાઠોડ આઇના દર્શને આવ્યાં. આઇએ પાબુજીને માં-જણ્યો ભાઇ માન્યો. એની માંગણીને સ્વીકારી આઇએ પાબુજીને પોતાની દેવરૂપ કેશર કાળવી આપી અને વેણ નાખ્યું કે, ”વીરા!આ ખબર તારા બનેવી જિંદરાવને મળશે એટલે અદેખાઇથી એ મારા માલ-ઢોર વારવા આવશે. એવે વખતે મારી કાળવી ત્રણ હાવળ નાખશે. બહેન માથે સંકળ પડ્યું સમજીને આવી પહોંચજે હો!” પાબુજીએ પ્રતિજ્ઞા લીધી કે, ના આવું તો જણનારી લાજે! એની સાથે પાબુજીના ૧૪૦ ભીલ સામંતોએ પણ પ્રણ લીધાં.


મંગળ ગીતો ગવાઇ રહ્યાં છે. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગાજી રહ્યાં છે અને લગ્નમંડપની વેદી ફરતે વર-વધૂ બે ફેરા પૂર્ણ કરીને ત્રીજો ફેરો ફરી રહ્યાં છે. પાબુજી રાઠોડ આજ અમરકોટના આંગણે રાજા સુરજમલ સોઢાની દિકરી સાથે લગ્નગ્રંથિથી જોડાઇ રહ્યાં છે. શૃંગાર અને સૌઁદર્ય રસના બારે મેઘ ખાંગા થયાં છે. સોઢી રાજકુમારી પોતાના ભરથાર વિશે મનમાં ઉમંગ સેવી રહી છે. ત્રીજો ફેરો પૂર્ણ થયો. ચોથો ફેરો ફરવા માટે જોડું હજી તો ડગ માંડે એ પહેલાં અમરકોટની રાંગે સમડીએ આવીને ચિત્કાર કર્યો. કેશરે ઉપરાછાપરી ત્રણ હાવળ દીધી અને પાબુજી પામી ગયાં કે નક્કી આઇ દેવળ માથે સંકટ આવ્યું છે! ચોથો ફેરો અધુરો મુકી એ નરવીર કેશર માથે સવાર થયો. બધાં જોઇ જ રહ્યાં. બ્રાહ્મણોએ ફેરાની વિધિ પૂર્ણ કરવા કહ્યું પણ હવે રોકાય એ રાઠોડ ના હોય! “મારું માથું તો આઇ દેવલને આપેલું છે.” કહીને પાબુજી ગઢની રાંગ ઠેકાવીને જોતજોતામાં નીકળી ગયાં.

બનેવી ખીંચી જિંદરાવ આઇની ગાયો હાંકી જતો હતો. પાબુજીએ એને પડકાર્યો. જિંદરાવના માણસો સાથે પાબુજીએ ધિંગાણું કર્યું. ગાયો વારી લીધી અને પાબુજીનો દેહ પડ્યો. આ બાજુ સોઢીરાણીએ પણ અગ્નિપ્રવેશ કર્યો. સુંદર ગૃહાનંદના સોણલા ત્યજીને અમર ત્યાગનો દાખલો ઠોકી બેસાડનાર આ બેલડીએ જરૂર એનો ચોથો ફેરો સ્વર્ગમાં લીધો હશે!

ફેરા સુણી પુકાર જદ,ધાડી ધન લે જાય
આધા ફેરા ઇણ ધરા,આધા સુંરગા ખાય

આજે પાબુજી દેવતાની જેમ પુંજાય છે. લોકો તેમની ઉપર અતૂટ શ્રધ્ધા રાખે છે. કોલૂમંડ [જોધપુર]માં પાબુજીનું મંદિર આવેલ છે. ચૈત્ર મહિનાની અમાસના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. પાંચ હિંદવા પીરમાં પાબુજીનો સમાવેશ થાય છે.આ પાંચ એટલે પાબુજી, હડબુજી, રામદેવપીર, ગોગાજી અને જેહાજી! જેને વર્ણવતો એક દુહો છે:

પાબુ, હડબુ, રામદે, ગોગાદે,જેહા;
પાંચો પીર સમપંજો, માંગલીયા મેહા

હમણાં સુધી “ભોપા” નામની એક જાતિના લોકો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરના આખ્યાનની જેમ પાબુજી રાઠોડની ચિત્રકથાઓ કરતાં. હાથમાં રાવણહથ્થો લઇને ભોપાઓ ચિત્રદર્શન, ગાયન-વાદન અને નૃત્ય વડે પાબુજીની જીવનકથા રજૂ કરતાં “પાબૂ પ્રકાશ” નામના ગ્રંથમાં પાબુજીની જીવનકથા ૪,૦૦૦ પંક્તિઓ રૂપે દર્શાવવામાં આવી છે. અભણ ભોપાઓને આ બધી જ પંક્તિઓ મોઢે હોય! ઉત્તમ પ્રકારનું નવરસી નાટ્ય તેઓ રજૂ કરતાં.

ઇતિહાસની રસધાર ગ્રુપ માંથી સાભાર

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators