તલવાર અને કુરાન : શૌર્ય કથા,
અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં 360 ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી. ઉપરાંત સોલંકીઓ ની બીજી ૧૬ કરતા વધુ શાખા જોવા મળે છે.
મુઝફ્ફર વંશનો અહમદશાહ ઇ.સ. 1411 માં પાટણનીગાદીએ બેસતાં રાજધાની અમદાવાદ ફેરવી. દીર્ઘદૃષ્ટિ ધરાવતા અહમદશાહ મુસ્લિમ સલ્તનતને મજબૂત કરવા ગરાસદારોને તાબામાં લઇ સીમાડા વધારવા સાથે શાસન વ્યવસ્થા સમૃદ્ધ કરવા હિન્દુ રાજકુળો સાથે લગ્નસંબંધો બાંધી મુસ્લિમ ધર્મનો વ્યાપ વધારવા બળબુદ્ધિથી પ્રયત્નો હાથ ધર્યા હતા. એ વખતે મુસ્લિમ શાસનમાં હિન્દુ પ્રજા ઉપર અત્યાચારો વધતા ચારેબાજુ અંધાધૂધી સાથે કપરા દિવસો શરૂ થયેલા.
સામંતસિંહ બિહોલા સોલંકી વંશ ની બિહોલ શાખા ના ઠાકોર હતા (અહી ઠાકોર નો અર્થ રાજા, જેને ઠાકોરસાહેબ પણ કહેવાય છે.) જેમનો જન્મ ઇસ ૧૩૮૦ અને સ્વર્ગવાસ ઇસ ૧૪૫૨ માં માનવામાં આવે છે. તેમના રાજ્ય માં હાલ ના ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠા ના કેટલાક પ્રદેશો સમાવેશ થતો હતો, બહિયલ તે સમય નું ઉચ્ચ કક્ષા નું અને સમૃદ્ધ રાજ્ય હતું.
બાદશાહ બાદશાહના આમંત્રણને માન આપી બિહોલના ઠાકોર સામંતસિંહ બિહોલા અમદાવાદ આવ્યા હતા. એક દિવસ સામંતસિંહને ઉનાળામાં બહાર જવાનું થતાં ધોમધખતા તાપમાં તડકાથી બચવા માથા ઉપર ફાળિયું મૂકી ઉતારા બહાર પગ મૂક્યો.
એ વખતે શાહી ઉતારાના ઝરૂખામાં બેઠેલા કેટલાક રાજપૂતોએ તેમની મજાક કરી.‘આ મોઢું સંઘરી કોણ નીકળ્યું?’
સામંતસિંહ મજાક સાંભળી જતા માથેથી ફાળિયું ફેંકી કાળઝાળ થઇ તલવારની મૂઠ ઉપર હાથ મૂકતા જવાબ દીધો. ‘અરે, મુસ્લિમ બાદશાહને દીકરીઓ દઇ નફ્ફટની જેમ શું હસો છો ? મોઢા તો તમારે સંઘરવા જોઇએ!’
સામંતસિંહના રૌદ્ર રૂપ સાથે તેનાં આકરાં વેણે રાજપૂતો ભોંઠા પડતા તેઓએ અહમદશાહના કાન ભંભેરતા રજૂઆત કરી.
‘જહાંપનાહ, અમે તમારી સાથે વૈવાહિક સંબંધો બાંધી હિન્દુ સમાજમાં અપમાનિત થઇ રહ્યા છીએ!’
‘ક્યા બાત હૈ? આપકો કૌન અપમાનિત કર રહા હૈ?’
‘બાદશાહ, સામંતસિંહ બિહોલાએ અમને સુલતાન ના સસરા કહી અમારા મોઢાં કાળાં કર્યાં છે!’
‘સામંતસિંહ કી યે ગુસ્તાખી? ઉસે અભી પેશ કીયા જાયે! ‘
‘જહાંપનાહ, સજા કરવાથી અમારું કલંક દૂર થશે નહીં, હા તમે જો સામંતસિંહની સ્વરૂપવાન કુંવરી સાથે શાદી કરો તો અમને મહેણાં મારતો તે બંધ થઇ જાય!’ ‘અચ્છા હૈ, ઐસા હી કરતે હૈ!’
બાદશાહ અહમદશાહે બીજા દિવસે રાજદરબારમાં સામંતસિંહ સમક્ષ તેની કુંવરીનો હાથ માગ્યો. ‘સામંતસિંહ હમને સુના હૈ કી આપકો એક લડકી હૈ!’
‘જી, બાદશાહ ૭ વર્ષની એક નાની દીકરી છે!’
‘સાત સાલકી લડકી કો છોટા મત કહો. મૈંને સૂના હૈ કી આપકી લડકી બહુત સુંદર હૈ, અગર ઐસા હી હૈ તો હમ ઉસે શાદી કરના ચાહતે હૈ!’
‘શહેનશાહ, મારી દીકરી કાચી ઉંમરની છે એટલે લગ્ન બે વર્ષ સુધી કરવા મારું મન માનતું નથી!’
‘સામંતસિંહ, શાદી કી કોઇ જલદી નહીં હૈ, બસ આપ હમારા પ્રસ્તાવ સ્વીકાર લો!’
સામંતસિંહ લાંબું વિચારી અન્ય કોઇ વિકલ્પ ન દેખાતા રૂપિયો-નાળિયેર સ્વીકાર્યાં હતાં. બાદશાહ રાજપૂતોને બોલાવી કહેવા લાગ્યો.
‘આપ કહતે થે સામંતસિંહ અપની બેટી કી શાદી હમારે સાથ નહીં કરેગા. લેકીન માન ગયા!’
‘બાદશાહ, તમે એને ઓળખતા નથી, અત્યારે અમદાવાદમાં છે એટલે માની ગયો. પણ બિહોલ જઇ જરૂર ફરી જશે!’ ‘ઐસા નહીં હો સકતા! હમ ઉનસે જલદી શાદી કે લીયે કહેંગે!’
બાદશાહ બીજા દિવસે સામંતસિંહને બોલાવી તાત્કાલિક લગ્નની તૈયારી કરવાની વાત કરી. સામંતસિંહ બિહોલાએ યુક્તિપૂર્વક શાહી સલ્તનતને શોભે તેવી રાતે બાદશાહની બારાતના સ્વાગત સાથે ધામધૂમથી લગ્ન કરવા તે આર્થિક સક્ષમ ન હોઇ લગ્નની તૈયારી માટે થોડા સમયની માગણી કરી. પરંતુ બાદશાહે લગ્નનો તમામ ખર્ચ શાહી ખજાનામાંથી આપવા આદેશ કરતા સો ઊંટો પર જર-ઝવેરાત લાદી બિહોલ રવાના કર્યા.

અહમદશાહ લગ્નનું આમંત્રણ મળતાં અમીર ઉમરાવો સાથે સેના લઇ હરખાતા હૈયે વાજતે ગાજતે લગ્ન કરવા બિહોલના પાદરમાં પહોંચી જતા સામંતસિંહ ઉમળકો દેખાડી તેનું સ્વાગત કરતા કહ્યું, ‘જહાંપનાહ, બિહોલના આંગણે લગ્ન કરવા પધારી તમે તો અમારા ભાગ્ય ઉઘાડી નાખ્યા!’ ‘ઠાકોરસા’બ, શાહી શાનકો દેખકે બારાત કી ઐસી ખાતિરદારી કરના કી દેખનેવાલે દેખતે રહ જાયે!’
‘જહાંપનાહ, આપ ચિંતા ન કરો. કોઇ ખામી રહેશે નહીં, હા પણ અમારે ત્યાં અબીલ, ગુલાલ, કંકુ અને ફૂલની પાંદડીઓ ઉડાડવા સાથે તોપો અને બંદૂકોના ભડાકાઓ કરી જાનનું સ્વાગત કરવાનો રિવાજ છે. અમે રિવાજ મુજબ તમારું સ્વાગત કરીએ અને જો કંઇ ગેરસમજ થાય તો લગ્નની જગ્યાએ જંગ શરૂ થઇ જાય? એની અમને ચિંતા થાય છે!’
‘ઠાકોરસા’બ, હિન્દુ કે વહાં બારાત લેકે આયે હૈ તો આપકે રિવાજ કે હિસાબને હી શાદી હોગી! અહમદશાહ બારાતના સ્વાગતમાં કન્યાપક્ષ તરફથી અબીલ, ગુલાલ, કંકુના છંટકાવ સાથે બંદૂક અને તોપોના ભડાકા થાય તો ચિંતા ન કરવાનું કહી પોતાની ફોજને શાંત રહેવાનો હુકમ કર્યો.
જહાંપનાહ, આપ લગ્ન નિકાહ પઢીને કરશો કે હિન્દુ રિવાજ મુજબ ફેરા ફરશો?
‘રાજાજી, નિકાહ તો હમને બહોત પઢે હૈ, અબ તો હિન્દુ રિવાજ મુતાબિક શાદી કરની હૈ!’
‘શહેનશાહ, તમે તો અમારા દિલની વાત કરી, પણ આ દરિયા જેવડી ફોજ અને અમીર ઉમરાવો સાથેની બારાતનો મારા ખોબા જેવડા ગામમાં સમાવેશ થઇ શકશે નહીં. જો આપ રજા આપો તો તમારા ઉતારાની વ્યવસ્થા બિહોલમાં કરી સેના માટે કિલ્લા બહાર પાદરમાં તંબુ તાણી આપીએ!’ ‘ઠાકોરસા’બ, આપકો અચ્છા લગે વૈસા કરો!’
સામંતસિંહ, અહમદશાહનો આદર સત્કાર કરી બિહોલમાં પાછા ફરતા સૈનિકોને કિલ્લા ઉપર બંદૂકો અને તોપો સાથે ગોઠવી દીધા. અહમદશાહની જાન કિલ્લા નજીક આવતાં તેની ઉપર ચારેબાજુથી અબીલ, ગુલાલ, કંકુ અને પુષ્પ પાંદડા ઉડાડવાનું શરૂ થયું. બારાતને સંગીતના શોરબકોર વચ્ચે અબીલ, ગુલાલમાં અટવાયેલી જોઇ બિહોલના કિલ્લા ઉપરથી તોપો અને બંદૂકો ગર્જી ઊઠતાં અહમદશાહના જાનૈયા અને સૈનિકોની લાશોના ઢગલા થવા લાગ્યા. ત્યારે અહમદશાહ હિન્દુ રિવાજ મુજબ બારાતનું સ્વાગત થતું જોઇ હરખાવા લાગ્યો. પરંતુ કિલ્લા ઉપરથી સતત થઇ રહેલા તોપમારા ને ગોળીબારમાં માણસોને મરતા જોઇ પોતાની સાથે દગો થયો હોવાનો મોડાે મોડાે અહેસાસ થતાં તેણે આક્રમણ કરવાનો આદેશ કર્યો.
અહમદશાહને ખોબા જેવડા બિહોલના ગરસાદાર સામંતસિંહે ધોળા દિવસે તારા દેખાડી દેતાં મૂંઝાયેલા બાદશાહે તાત્કાલિક અમદાવાદથી તોપો સાથે વધારાની કુમક બોલાવી લીધી. વિરાટ યવનસેનાને સાત સાત દિવસ સુધી હંફાવી અનેક બાદશાહને અને સૈનિકોને મોતને ઘાટ ઉતારી સામંતસિંહ ગુપ્ત માર્ગે ઘોડા પાવઠાના દુર્ગમ સ્થળે નાસી જતા અહમદશાહ હાથ ઘસતો રહી ગયો.
અમદાવાદથી દુલ્હો બની બિહોલ લગ્ન કરવા આવેલો અહમદશાહ બિહોલાઓના હાથે નસીબજોગે મરતા મરતા બચી ગયો. સામંતસિંહે દુશ્મનોના હાથમાં ગામ જાય તે પહેલાં ચારેબાજુ આગ લગાવી દેતાં સળગતા બિહોલ ગામમાં બાદશાહ પ્રવેશ કરી માર્યા ગયેલા અમીર ઉમરાવો અને સૈનિકોની દફન વિધિ કરી ઘાયલોની સારવાર કરવા ત્રણેક મહિના ત્યાં પડાવ નાખ્યો હતો. એ દરમિયાન અહમદશાહને ગુપ્તચરોએ બાતમી આપતાં તેણે જંગલ કપાવી રસ્તો કરતાં ઘોડા પાવઠા ઉપર આક્રમણ કર્યું.

સામંતસિંહનાં બાર-બાર વર્ષનાં બહારવટાથી થાકેલા બાદશાહે આખરે સમાધાન કરી તેને ચોર્યાસી ગામોનો ગરાસ પાછો આપ્યો હતો. સામતસિંહે બિહોલાને ગરાસ પાછો મળતા તેઓએ પરિવાર સાથે શેષજીવન પૈતૃકભૂમિ બિહોલમાં ગાળ્યું હતું. સામંતસિંહ બિહોલા ની શૌર્યગાથાની સાક્ષી પૂરતા બિહોલ અને ઘોડા પાવઠાનાં ખંડેરો આજેય ઊભેલાં જોવા મળે છે.
ઉપસંહાર :- મોગલ અને સલ્તનત સામ્રાજ્ય સમયે ભારત ભરના કેટલાય રાજપૂત રાજાઓ પોતાના રાજ્યો બચાવવા કે પોતાનો ગરાસ બચાવવા માટે પોતાની રજપૂતાઈને કોરાણે મૂકી પોતાની રાજકૂંવરીઓને મોગલ બાદશાઓ સાથે પરણાવી હતી. તેમ છતાં આંગળીના વેઢે ગણી શકાય એવા શૂરવીર રાજપૂતો હતા, જેઓ એ મોગલોને તાબે ન થતાં જીવંત પર્યંત આદીવાસી અને ભીલ સૈનિકો સાથે સમય વિતાવી પોતાની ક્ષત્રિયાવટને જીવંત રાખી હતી. રાજ મહેલોના વૈભવો અને તમામ પ્રકારના સુખોનો ત્યાગ કરી પોતાની પ્રજાના હિત ભોગે સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું. આવા રાજપૂત રાજાઓમાં મહારાણા પ્રતાપ, હમિરસિંહ ગોહીલ અને સામંતસિંહ બિહોલાનો સમાવેશ થાય છે. જો ભારત દેશના તમામ રાજપૂત રાજાઓએ પોતાના વૈભવ વિલાસો અને સત્તા લાલસાઓનો ત્યાગ કરી મોગલો અને પરદેશી આક્રમણકારીઓ સામે એક થઈને ઝઝુમ્યા હોત તો આજ પણ હિન્દુસ્તાન પર રાજપૂતોનું સામ્રાજ્ય હોત.