કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…!
સરદાર પટેલ પોતાની કોઠા સુજ થી ૫૬૨ રજવાડા રૂપી સફરજને એક-એક કરીને ભારત નામની ટોપલીમાં ગોઠવતા હતા, ત્યારે એક જાણવા લાયક રસપ્રદ કિસ્સો કાઠિયાવાડના છેક ઉત્તરે આવેલા મોરબી નામના એક ટચૂકડા રાજ્યના મહારાજા લખધીરજીનો હતો.
મહારાજા લખધીરજી આ સંધિકાળે પોતાના આયુષ્યના આઠમાં દાયકામાંથી પસાર થઈ રહ્યા હતા. એમનો ગાદીવારસ પુત્ર મહેન્દ્રસિંહજી હજુ તો યુવરાજપદે હતો. આ વૃદ્ધ રાજવી એ પોતાના પુત્રને મોરબીના રાજા તરીકે અભિષિક્ત કરવા ખુબ જ આતુર હતા. પોતાનું મોરબી રાજ્ય જઈ રહ્યું છે એ હવે નિર્વિવાદ હતું. પોતે જિંદગીની અંતિમ અવસ્થામાં છે એ પણ જાણતા હતા. સમય હવે ગણતરીના દિવસોનો જ હતો. કાઠિયાવાડના રાજાઓની એક બેઠકમાં મહારાજા લખધીરજીએ મેનનને એકાંતમાં મળીને કહું વિનમ્રતા પૂર્વક કહ્યું કે ‘મિસ્ટર મેનન, મારે સરદાર પટેલ જોડે થોડીક અંગત વાતો કરવી છે. કાં તો તમે મને મુલાકાત ગોઠવી આપો અને નહિતર ટેલિફોન સંપર્ક કરાવી આપો.’
‘મહારાજસાહેબ’, મેનને પણ અદબથી કહ્યું, ‘મારાથી બની શકશે તો હું પણ આપની બનતી મદદ જરૂર કરીશ જ. એ પણ સરદાર પટેલને કષ્ટ આપ્યા વિના, જો તમે મને તમારી વાત કહી શકશો તો વધારે સારું થશે,’ મેનને ખુબ સંભાળપૂર્વક કહ્યું.
લખધીરજી શરૂઆતમાં થોડા સંકોચાયા તો ખરાં પણ પછી એય સમજી ગયા કે છાશ લેવા જવી છે અને દોણી સંતાડવી એ બંને કામ સાથે તો નહીં જ થઈ શકે એટલે એમણે પોતાની મનોકામના મેનનને ટૂંકમાં સમજાવી દીધી.
‘મિસ્ટર મેનન, મોરબીના રાજસિંહાસન ઉપર જાડેજા વંશનો હુંલખધીરજી દશમો રાજા છું. અને હું હવે વૃદ્ધ થયો છું. મારી એકમાત્ર ઈચ્છા એવી છે કે મારા પુત્ર યુવરાજ મહેન્દ્રસિંહનું મારી હાજરીમાં રાજતિલક થવું જોઈએ અને મોરબીના રાજા તરીકે ભારત સંઘના જોડાણખતમાં મારો પુત્ર સહી કરે.’
વૃદ્ધ રાજવીની આંખમાં જે સપનું હતું એ મેનન બખૂબી સમજી ગયા. જાડેજા વંશની દશ પેઢીઓનું એમના મનમાં જે ગૌરવ હતું એનેય મેનન સારી રીતે ઓળખી ગયા પણ રાજવી પરંપરાની બ્રિટિશરોએ સ્થાપિત કરેલી કાનૂની પ્રક્રિયામાં લખધીરજીની આ આશા પૂરી કરવા માટે સરદાર પટેલની સંમતિ પણ એટલી જ અનિવાર્ય હતી. કોઈ પણ રાજા સ્વેચ્છાએ ગાદીત્યાગ કરે અથવા સિંહાસનારૂઢ હોય ત્યારે જ મૃત્યુ પામે એટલે તેના ગાદીવારસ તરીકે પાટવી કુંવર નું રાજતિલક થાય એ પરંપરા ખરી, પણ આ પરંપરા બ્રિટિશ સરકારનું પોલિટિકલ ડિપાર્ટમેન્ટ સ્વીકૃતિ આપે તો જ અમલમાં મૂકી શકાય એમ હતી. એકસાથે બે પ્રશ્ર્નો પેદા થયા હતા. લખધીરજીનો ગાદીત્યાગ અને મહેન્દ્રસિંહજીનો રાજ્યાભિષેક આ બંને માટે રિયાસતી ખાતું એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સત્તાવાર સ્વીકૃતિ આપે તો જ આ વાત બની શકે. મેનને લખધીરજીને સાંત્વના આપી અને પછી એમનો સંપર્ક ટેલિફોનથી સરદાર પટેલ જોડે કરાવી આપ્યો.
સરદા પટેલે આ આખી વાત શાંતિ અને સમભાવપૂર્વક સાંભળી. થોડાં વરસો પહેલાં આ રાજાના રાજ્યકાળમાં જ મોરબીમાં કૉંગ્રેસી સત્યાગ્રહી સ્વયંસેવકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ સરદાર પટેલને સાંભરી આવ્યો. મોરબી રાજ્યમાં કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય ચળવળને લખધીરજી માન્ય કરતા ન હતા. વીસેક વરસ પહેલાં એક રાજકીય પરિષદની સભા મોરબીમાં યોજાઈ હતી ત્યારે સરદાર પટેલ પોતે આ સભાના અધ્યક્ષ સ્થાને ગયા હતા પરંતુ આ જ સભા ઉપર લખધીરજીએ ઠીક ઠીક પ્રતિબંધો પણ લાદી દીધા હતા. એ જ અરસામાં ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારનું આંદોલન ચાલુ કર્યું અને દેશમાં ઠેર ઠેર કૉંગ્રેસી કાર્યકર્તાઓએ વિદેશી વસ્ત્રોની હોળી પ્રગટાવી હતી ત્યારે રાજકોટ તથા અમદાવાદથી મોરબીમાં આ આંદોલન ફેલાવવા માટે કાર્યકરો આવ્યા હતા. લખધીરજી આ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની એકદમ વિરુદ્ધમાં હતા.
બ્રિટિશ સરકારે લખધીરજીને હાલમાં જ એમની વફાદારીના બદલામાં કે.સી.એસ.આઈ. નો ઈલકાબ આપીને સન્માન કર્યું હતું. એમણે બહારગામથી આવેલા કૉંગ્રસી કાર્યકર્તાઓને પકડાવી લીધા અને એમના ઉપર ભારે ત્રાસ પણ ગુજાર્યો. પરિસ્થિતિ જાણે એવી હતી કે મોરબીની સ્થાનિક રૈયત એમના આ રાજાના શાસનથી ખુબ સંતુષ્ટ હતી એટલે આ સ્થાનિક પ્રજાએ વિદેશી વસ્ત્રોના બહિષ્કાર જેવી ચળવળમાં જરા પણ ભાગ લીધો નહીં. બહારથી આવેલા કાર્યકરો ઉપર રાજ્યે ક્રૂર દમન કર્યું છે એ જાણીને ગાંધીજીએ મહાદેવભાઈને રાજા લખધીરજી સાથે સંવાદ કરવા મોકલ્યા. રાજાએ મહાદેવભાઈ સાથે સમાધાન કર્યું. તમામ રાજકેદીઓને લખધીરજીએ મુક્ત કર્યા અને સમાધાનની વળતી શરત અનુસાર આ બધા ચળવળકારો મોરબી રાજ્યની હદ છોડીને તુરંત જતા રહ્યા. આમ એકંદરે રાજાનો હાથ તો ઉપર જ રહ્યો હતો, સ્થાનિક પ્રજા રાજા એમની સાથે રહી હતી અને મોરબી સત્યાગ્રહ નિષ્ફળ ગયો હતો.
હવે આ જ મહારાજા લખધીરજી પોતાના જીવનની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે સરદારને કાકલૂદી કરી રહ્યા હતા. જો રિયાસતી ખાતું એમના પ્રસ્તાવનો સ્વીકાર ન કરે તો પરિસ્થિતિ કૈક એવી હતી કે લખધીરજીએ પોતે જ જોડાણ ખત ઉપર સહી કર્યા વિના ચાલે એમ બિલકુલ નહોતું. કાઠિયાવાડના, એક જૂનાગઢનો અપવાદ બાદ કરતાં તમામ રાજાઓ જોડાણના સ્વીકારની પ્રક્રિયામાં એકમત થયા હોય ત્યારે મોરબી એકલું કેવી રીતે ટકી શકે? લખધીરજીએ બદલાયેલા સમયનો સ્વીકાર કરીને સરદારને કહ્યું કે.
‘સરદાર મારા જીવનનાં હવે આ આખરી વર્ષો છે. હું સ્વેચ્છાએ ગાદીત્યાગ કરું છું અને મારો યુવરાજ મોરબી રાજ્યના જાડેજા વંશનો અગિયારમો રાજા બને. આ નવો રાજા જોડાણ ખતના દસ્તાવેજ ઉપર સહી કરે આ માટે આપ મને સંમતિ આપો એવી મારી તમને આજીજી છે.’
એક ક્ષણનાય વિલંબ વિના સરદારે એ જ વખતે વિનમર્તા પૂર્વક ઉત્તર વાળ્યો. ‘હિઝ હાઈનેસ, મહારાજ લખધીરજી, આપ નિશ્ચિંન્ત રહો. ભારત સરકાર આપની આ વાતનો માનભેર સ્વીકાર કરે છે. હું મેનનને અત્યારે જ સૂચના આપી દઉં છું. આપ આપના ગાદીત્યાગ અને યુવરાજના રાજતિલક માટે જે કંઈ જરૂરી હોય એની તૈયારી શરુ કરો.’
લખધીરજીની આંખે ઝળઝળિયાં આવી ગયા. એમના કંઠે ડૂમો ભરાઈ ગયો. એ કશું પણ બોલી શક્યા નહીં, તેઓ ટેલિફોનના બીજા છેડે સરદારને જોઈ તો શકતા નહોતા પણ જો તેઓ આજની જેમ જોઈ શક્યા હોત તો એમણે જોયું હોત કે સામાન્યત: ભાવશૂન્ય લાગતી સરદારની આંખોમાં સંતોષની ભીનાશ તગતગતી હતી.