શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ
આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ – ગોષ્ઠિ) માં આપવામાં આવેલ છે, તે મુજબ ભગવાન શ્રી કૃષ્ણ જયારે રુક્ષ્મણીનું હરણ કરી લાવ્યા બાદ ત્રણ ફેરા કચ્છમાં અને ચોથો ફેરો માધવપુર મુકામે ફરવાનું રાખેલ, ત્યાં લગ્ન વિધિમાં મધની જરૂર પડતા ભગવાને પોતાની યોગ શક્તિ થી કનડા ડુંગર માંથી મધની નદી (મધુવંતી નદી આજે પણ હયાત છે) વહેતી કરી, આ નદી બોડકા ગામે થઇ ને બંધડા ગામ પાસે પહોંચી ત્યારે ત્યાં વસતા મધુદૈત્ય તેમાં આડો પડી ને મધનું પાન કરવા લાગ્યો. આથી માધનો પ્રવાહ બંધ થયો, ભગવાને તાપસ કરતા આ વાત ની જાણ થઇ અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે અહીંયા પહોંચ્યા અને મધુદૈત્ય સાથે ઘોર સંગ્રામ થયો. દૈત્ય ને અનેક વાર મારવા છતાં તે ફરી ફરી સજીવન થઇ જતો હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ તેના શરીર ના બે ભાગ કરી દૂર ફેંકી દીધા અને વચ્ચે મધુવંતી નદી ની રેતી થી પૂજા અર્ચના કરી બંધનાથ મહાદેવની સ્થાપના કરી ત્યારબાદ માધવપુર જઈ લગ્નવિધિ પૂર્ણ કરી.
બંધનાથ મહાદેવની જગ્યા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા અને બોડકા ગામ ની વચ્ચે રમણીય વાતાવરણ માં આવેલ છે, બાજુ માં ખળ ખળ વહેતી મધુવંતી નદી સહેલાણીઓ ના આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે, આ જગ્યા પાસે નદી પર નાનો ચેક ડેમ હોવાથી આજુ બાજુ ના ગામ લોકો અહીંયા ઉજાણી કરવા આવે છે. આ ઉપરાંત બંધનાથ મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે જન્માષ્ટમીનો નાનો એવો લોક-મેળો ભરાય છે, મેળો નાનો હોય છે પરંતુ આજુ બાજુ ના ગામ જેવા કે બંધડા, બોડકા, ભાટિયા, કાજલીયાળા, કણઝડી ના લોકો માટે આ કોઈ મોટા પર્વ થી કમ નથી, આ બધા ગામના લોકો જન્માષ્ટમી ના મેળામાં હર્ષો ઉલ્લાસથી ભાગ લે છે. અને શ્રાવણ માસમાં સોમવાર સાંજની આરતી માં ૧૦૮ દીવાની દીપમાલા પ્રગટાવવામાં આવે છે.
બંધનાથ મહાદેવની મુલાકાતે આવતા લોકો આજુબાજુ ના સ્થળો ની પણ મુલાકાત ચોક્કસ પણે લેતા હોય છે, બંધનાથ મહાદેવ થી તદ્દન નજીક મોટા કાજલીયાળા ગામ મુકામે અંબેશ્વર મહાદેવ નું મંદિર અને કૈલાશ નીવાસી શ્રી કૈલાશગીરી બાપુ એ બનાવેલ આશ્રમ છે જેની મુલાકાત લેવી એ અનેરો લ્હાવો છે, આ ઉપરાંત બંધનાથ મહાદેવ થી નજીક બીજું સ્થળ એટલે કડવા પાટીદારો ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી નું મંદિર શ્રી ઉમાધામ – ગાંઠીલા, શ્રી ઉમાધામ ગાંઠીલા એટલે સૌરાષ્ટ્ર ની જીવાદોરી સમાન ઓઝત નદીના કિનારે આવેલું અત્યંત રમણીય અને પાવન સ્થળ.
Shree Bandhnath Mahadev Photo Gallery